•વિડિયો-ફોટોગ્રાફી અને મીડિયા કવરેજ ગેરકાનૂની છે તેવું કહેવા વાળો ગાંધી રજા ઉપર ઉતરી ગયો
• મિ. આરોગ્ય મંત્રી મહેસાણા સિવિલને બાપુજીની પેઢી સમજનારા લોકોનો કાન પકડી રાખજો
•ગાંધી જેવા માનસિક રોગી આવનારા દિવસોમાં આરોગ્ય મંત્રીની કારકિર્દીમાં આંધી લાવી દે તો નવાઈ નહીં
સંજય જાની (અપના મિજાજ)
મહેસાણા સિવિલ હોસ્પિટલનું આખે આખું તંત્ર જાણે ચેપી રોગથી પીડાતું હોય તે રીતનું વર્તન કરતું જોવા મળી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં તંદુરસ્ત આરોગ્ય સેવા અને સ્વચ્છતા સહિતની અનેકવિધ બાબતોનો અભાવ છે. તે આ અંગેનો અહેવાલ સમાચાર માધ્યમોએ પ્રસિદ્ધ કર્યો તે પછી અહીંના સિવિલ સર્જનને જાણે વાઈ ચડી હોય એ રીતે ભૂરાંટા થઈ ગયા, માનસિક સ્થિતિ એટલી હદે વિકૃત થઈ ગઈ કે તેઓએ દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારત્વને દબાવવા માટે રાતોરાત ફોર કલર પ્રીન્ટીંગમાં હજારો રૂપિયાનો ખર્ચ કરી “હોસ્પિટલ ખાતે વિડિયો-ફોટોગ્રાફી ગેરકાનુની છે, મીડિયા કવરેજ ગેરકાનૂની છે” આવું વાહિયાત લખાણ કરેલા બેનરો છપાવી અને સિવિલ હોસ્પિટલની દીવાલો ઉપર લટકાવી પોતે કાનુન છે તેવું સ્વઘોષિત કરીને બુદ્ધિનું પ્રદર્શન કરી દીધું.
ચોથી જાગીરને મળેલી સત્તા અને હક્કો ઉપર સિવિલ સુપ્રિટેન્ડેન્ટે પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હોવાની જાણ સમાચાર માધ્યમોને થતાં આ બાબતની જાણ જિલ્લા સમાહર્તાને કરી માધ્યમોએ હોસ્પિટલ પ્રશાસન સામે વળતો ઘા કરતા આખરે માનસિક સમતુલા ગુમાવી બેઠેલાં હોસ્પિટલના સત્તાધીશોની શાન ઠેકાણે આવી ગઈ અને તેઓને તાત્કાલિક બેનરો હોસ્પિટલની દીવાલો ઉપરથી ઉખેડી નાખવાની ફરજ પડી હતી. હવે અહીં પ્રશ્ન એ થાય છે કે હોસ્પિટલ ખાતે મીડિયા કવરેજ કરવું ગેરકાનુની છે કે પછી આવા બેનરો લગાવ્યા હતા તે ગેરકાનૂની છે? આનો જવાબ હજુ હોસ્પિટલના સત્તાધીશોએ અથવા તો આરોગ્ય મંત્રીએ આવનારા દિવસોમાં આપવો પડશે.
•આરોગ્ય મંત્રીની શાખને હાનિ પહોંચાડે તેવું કૃત્ય સિવિલના જવાબદારોએ કર્યું
જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ મૃતપાય અવસ્થામાં પડી હોવાની બાબત સપાટી ઉપર આવી છે ત્યારે આ અંગેનો સતસવીર અહેવાલ સમાચાર માધ્યમોએ પ્રકાશિત કરી પોતાનો ધર્મ નીભાવ્યો છે. પરંતુ સિવિલ હોસ્પિટલના સત્તાધારીઓની આ અહેવાલથી મતિ મારી ગઈ હોય તેમ તેઓ બેબાકળા થઇ ઊઠ્યા હતા અને મહેસાણા જિલ્લામાંથી જ રાજ્યના પ્રધાન મંડળમાં આરોગ્ય વિભાગના પ્રધાનપદે બેઠેલા વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની શાખને જાણે હાનિ પહોંચાડવાની હોય તે રીતે મીડિયા કર્મચારીઓને હોસ્પિટલમાં કવરેજ કરવાની મનાઈ ફરમાવતા બેનરો લગાવી રોફ ઝાળવા નીકળી પડેલા હોસ્પિટલના સત્તાધીશોનો કાન આરોગ્યમંત્રી પકડી રાખે નહીં તો આવનારા દિવસોમાં ગાંધી જેવા લોકો તમારી રાજકીય કારકિર્દીમાં આંધી લાવી શકે તેવી પરિસ્થિતિ તેઓએ સિવિલ હોસ્પીટલમાં ઊભી કરી દીધી હોવાની વાત શહેરભરમાં ચર્ચાઈ રહી છે.
•સિવિલમાં એવા તે કેવા કરતુતો કરવામાં આવે છે કે મીડિયાને દબાવવા તમારે કહેવું પડે કે કવરેજ કરવું ગેરકાનૂની છે?
સિવિલ હોસ્પિટલના સત્તાધીશો આરોગ્યધામમાં એવાં તે કેવાં કરતુંતો કરી રહ્યા છે કે મીડિયા કર્મચારીઓ અહીં ન આવે એટલા માટે તેઓને “વિડિયો- ફોટોગ્રાફી અને મીડિયા કવરેજ ગેરકાનૂની છે” તેવી વણમાગી સલાહ આપતા બેનરો છપાવીને હોસ્પિટલની દીવાલો ઉપર ચિપકાવવા પડે? શું સરકાર તમને ગરીબો અને મધ્યમ વર્ગના દર્દીઓની સારવાર માટે જે દવા મોકલે છે તે તમે બારોબાર વેચી નાખો છો?, શું આરોગ્યલક્ષી કોઈ ચીજ વસ્તુઓ આપને સરકાર તરફથી મળે છે તેનું તમે બારોબારીયુ કરી નાખો છો?, દર્દીઓને સારી સુવિધા મળી રહે તે માટે સરકાર ગ્રાન્ટરૂપી રકમ મોકલે છે તે તમે ખાઈ જાવ છો? પ્રશ્નો તો ઘણા છે પરંતું હોસ્પિટલના સત્તાધીશો તમે મીડિયા અને જનતાથી શું છુપાવવા માંગો છો? કંઇક તો કાળું- ધોળું તમે કરતા હશો નહીં તો આમ ચોથી જાગીરના સંત્રીઓનો અવાજ દબાવવા તમે આવા ગેરકાનૂની રીતે બેનરો ન લગાવો !
•જિલ્લાના માર્ગને મકાન વિભાગમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીને સિવિલમાં નોકરી રાખ્યા છે તેને બચાવવા પ્રયાસ?
જિલ્લાના બાંધકામ વિભાગમાં મહત્વનો હોદ્દા પરથી નિવૃત્ત થયેલા એક વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં નોકરી ઉપર રાખવામાં આવ્યા હોવાની વાત સપાટી પર આવી છે. જાણકાર સૂત્રો એમ કહે છે કે મીડિયા કર્મચારીઓ આ બાબત જાણી ન જાય એટલું જ નહીં પરંતુ સિવિલમાં જો દાનત સારી રાખીને પૂરી નિષ્ઠાથી ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તો કંઈ કેટલીયે ગેરરીતિઓ પકડાઈ શકે તેમ છે અને છેલ્લા ૩૦ વર્ષથી એક જ મહત્ત્વના હોદ્દા ઉપર ચીપકીને બેઠેલા એક તૂંડ મિજાજી શખ્સના કારનામા બહાર ન આવે એ માટે મીડિયા ઉપર દબાવ બનાવવા હોસ્પિટલના સત્તાધીશોપોલીસ મથકમાં જુઠી વાતો ઉપજાવી અરજી આપવી, વકીલ દ્વારા નોટિસ મોકલવા ભૂતકાળમાં પ્રયાસો કરતા રહ્યા છે અને અત્યારે પણ કરી રહ્યા છે. જાણકારોના મતે કહેવાય છે કે હોસ્પિટલ સત્તાધીશો મીડિયા કર્મીઓ સાથે આવું કરે એટલે કોઈ તેમની સામે પડે નહીં અને તેમના રોટલા શેકાતા રહે તેવી બદદાનત રખાતી હોય છે.
સિવિલ હોસ્પિટલમાં મીડિયાના કવરેજ માટે મનાઈ ફરમાવતા એક થી પણ વધુ મલ્ટીકલર બેનરો છપાવીને હોસ્પિટલની દિવાલો ઉપર ચીપકાવવામાં આવ્યા હતા. આ બેનરો કોણે છપાવ્યા અને બેનર છપાવવાનો હજારો રૂપિયાનો ખર્ચ કોણે કર્યો? તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. શું સિવિલ સુપ્રિટેન્ડેન્ટે બેનરો છપાવ્યા કે અન્ય કોઈ હોદ્દેદારે છપાવ્યા? હોસ્પિટલ પ્રશાસનમાં રહેલા હોદેદારોએ બેનરનો છપાવવા માટે સોલ્જરી કરી કે પછી કોઈ એક વ્યક્તિએ ખર્ચ કાઢ્યો? શું બેનરો છપાવવાનો ખર્ચ સરકારી ખાતામાં ઉધારવામાં આવ્યો છે? આ તમામ પ્રશ્નનો જવાબ હોસ્પિટલ પ્રશાસને આપવો જ રહ્યો!