•સિવિલ સર્જને બાપુજીની પેઢી હોય એ રીતે મીડિયા કવરેજને ગેરકાનૂની ગણાવ્યું
•કોંગ્રેસના કાર્યકરોએ સિવિલમાં ચાલતી લાલીયાવાડીનો ફોટોગ્રાફી કરી પર્દાફાસ કર્યો
•સમાચાર માધ્યમોએ લોલમલોલ ઉજાગર કરી તો સિવિલના જવાબદારોને બળતરા ઉપડી
સંજય જાની (અપના મિજાજ)
મહેસાણા જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી અંગે અહીંની કોંગ્રેસ પાર્ટીની યુવા ટીમે ફોટોગ્રાફી સાથે સમગ્ર બાબતનો પર્દાફાસ કર્યો છે. જેને સમાચાર માધ્યમોએ ઉજાગર કરતા હવે કોઈ ઉચ્ચાધિકારી કે પદાધિકારીની ચિઠ્ઠી ફાટી (આદેશ કરાયો) જેથી સિવિલ હોસ્પિટલની દિવાલો ઉપર મીડિયાના કર્મચારીઓએ કવરેજ કરવું તે ગેરકાનૂની ગણાશે. તેવા લખાણ વાળા બેનર ઠેર ઠેર લટકાવીને દેશની ચોથી જાગીરની સત્તાને દબાવવા માટે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો કે તેના સંબંધિત લોકોએ પ્રયાસ કર્યો છે જેને લઇને પત્રકાર આલમમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
રાજ્યના પ્રધાન મંડળમાં મહેસાણા જિલ્લાના બે- બે ધારાસભ્ય આરોગ્ય મંત્રી તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. જેમાં વર્તમાન વિસનગરના ધારાસભ્ય હાલ આ મહત્વનું પદ સંભાળી રહ્યા છે. પરંતુ અહીંની સિવિલ હોસ્પિટલના રેઢિયાળ તંત્રમાં કોઈ જ સુધારો લાવવા માટે સમ ખાવા પૂરતો પણ પ્રયાસ કરવામાં આવ્યો નથી તે અત્યંત શરમજનક બાબત છે. વિરોધ પક્ષના કાર્યકરો યોદ્ધા બની ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને તંદુરસ્ત આરોગ્ય સેવા મળી રહે તે માટે અનેકવાર લડી ચૂક્યા છે, હાલ પણ લડવાના મૂડમાં છે ત્યારે સત્તા સ્થાને બેઠેલા લોકો આ યોદ્ધાઓ પોતાના મેદાન સુધી ન પહોંચી શકે તે માટે યેનકેન પ્રકારે ષડયંત્રો રચતા રહ્યા છે. વિપક્ષની સામે પોલીસને હાથો બનાવીને ઉતારી નાખવામાં આવતી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં કાર્યરત તમામ જવાબદારો સામે જો ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તો તેમણે ગરીબ અને મધ્યમ વર્ગની જનતા માટે કેવી પ્રશંસાપાત્ર કાર્યવાહી કરી છે તેનું પ્રમાણપત્ર મળી જશે. એટલું જ નહીં જાણકાર સૂત્રો કહે છે કે અહીં વર્ષોથી ચિપકીને બેઠેલા મહત્વના હોદ્દેદારો તેમજ મુખ્ય અધિકારીની અને તેમના સગા સંબંધીની મિલકતો પણ જો ચકાસવામાં આવે તો સંભવત ભ્રષ્ટાચારની આંધી ગાંધીની ઘમંડ રૂપી હવા કાઢી નાખે તેમ છે. બસ માત્ર ઉચ્ચાધિકારી કે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પોતાની દાનત સાફ રાખી કાર્યવાહી કરે તેવું મહેસાણાની જનતા જનાર્દન ઈચ્છી રહી છે.
• મીડિયા કવરેજ ગેરકાનૂની છે, કયા કાયદામાં લખ્યું છે? હોસ્પિટલ પ્રશાસન જવાબ આપે
મહેસાણા સિવિલ હોસ્પિટલ રૂંધાતા શ્વાસ લેતી લેતી ચાલી રહી છે. તેની પાછળ માત્ર ને માત્ર હોસ્પિટલનો પ્રશાસન જવાબદાર હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડીનો પર્દાફાસ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યો છે. જેને સમાચાર માધ્યમોએ ઉજાગર કર્યા બાદ હોસ્પિટલ પ્રશાસને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અને મીડિયા કવરેજ કરવું ગેરકાનુની હોવાનું પેનલ લગાવી દેવામાં આવ્યું છે. જેની સામે એક મહત્વનો પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે કયા કાયદામાં લખ્યું છે કે સરકારી કહેવાતી પરંતુ જનતાની મિલકત કોઈ ભ્રષ્ટાચારીઓ સાચવી ન શકતા હોય તો તે અંગેનો અહેવાલ સરકાર તેમજ જનતા સમક્ષ મૂકવા પ્રયાસ કરતાં મીડિયા કર્મચારીઓને રોકી શકાય? આ પ્રશ્નનો જવાબ આજે નહીં તો કાલે મહેસાણા સિવિલ હોસ્પિટલના જવાબદારોએ આપવો પડશે.
• સિવિલ એવું તે શું રંધાઈ રહ્યું છે કે જેની ગંધ સરકાર, જનતા સુધી ન પહોંચે તેવો પ્રયાસ થયો
સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને કેવા પ્રકારની સારવાર અપાય છે?, સિવિલ હોસ્પિટલમાં કેવા પ્રકારનું વાતાવરણ છે?, સિવિલ હોસ્પિટલ ના પ્રશ્નો એવું તે શું રાંધી રહ્યા છે કે તેની ગંધ સરકાર અને જનતા સુધી ન પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે? કોંગ્રેસની લડાયક ટીમે સિવિલ હોસ્પિટલની વાસ્તવિકતા ફોટોગ્રાફી કરીને ઉજાગર કરી છે, તે પછી સમાચાર માધ્યમોએ આ અંગેનો અહેવાલ પ્રસિધ્ધ કર્યા બાદ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને એવી તે કેવી બળતરા થઇ કે તેમને અહીં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવી ગેરકાનૂની તેમજ મીડિયા કવરેજ કરવું ગેરકાનુની છે તેવા લખાણનું બેનર લટકાવવાની કુબુદ્ધિ સૂઝી!
•મિ. આરોગ્ય મંત્રી, સિવિલના સત્તાધીશોની માનસિક હાલત અત્યંત નાજુક થઈ ગઈ છે!?
સિવિલ હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી, icu સહિતની અનેક પ્રકારની આરોગ્ય સેવાથી અહીં આવનારા દર્દીઓ વંચિત રહે છે અને તેઓને નાછૂટકે લાયન્સ હોસ્પિટલ તો ખાનગી હોસ્પિટલો સહારો લેવો પડે છે. સિવિલ હોસ્પિટલ મૃત્યુના દ્વારે જઈને ઊભી હોય તેવો અહેસાસ સૌ કોઇને થઇ રહ્યો છે અને આ માટે કોંગ્રેસની યુવા ટીમે અવાજ ઉઠાવી સિવિલ હોસ્પિટલની લોલમલોલ અંગે ફોટોગ્રાફી કરી પુરાવા એકત્રિત કર્યા છે. અહીં ખાસ બાબત એ છે કે રાજ્યના પૂર્વ પ્રધાન મંડળમાં આરોગ્ય મંત્રી નીતિન પટેલ હતા, વર્તમાન સમયમાં વિસનગરના ધારાસભ્ય એટલે કે મિસ્ટર ઋષિકેશ પટેલ આપ આરોગ્યમંત્રી છો છતાં પણ અહીંની સિવિલ હોસ્પિટલ તરફ આપનું ધ્યાન કેન્દ્રિત થયું નથી અથવા તો આપણી દ્રષ્ટિ અન્ય જગ્યાએ ફેરવી દેવામાં આવી રહી હોય તેવું જણાઈ આવે છે. સમાચાર માધ્યમોએ સિવિલ હોસ્પિટલના જવાબદારોની બેદરકારી ઉજાગર કરી છે ત્યારે હવે સમાચાર માધ્યમોને કાયદાનો ડર બતાવી બેનર લગાવવામાં આવી રહ્યા છે. જેથી એવું સ્પષ્ટ જણાઈ આવે છે કે સિવિલ હોસ્પિટલના જવાબદારો પોતાની માનસિક સમતુલા ગુમાવી બેઠા છે. શું આપને નથી લાગતું કે,આવા લોકોને માનસિક રોગની હોસ્પિટલમાં ભરતી કરી દેવા જોઈએ?!
• શા માટે વિડિયો કે ફોટોગ્રાફી ન કરી શકાય? એમ થોડી મનાઈ ફરમાવી દેવાય?: ઉદીત અગ્રવાલ (જિલ્લા કલેક્ટર)
સિવિલ હોસ્પિટલમાં ચાલતી કરતૂતો મીડિયાના માધ્યમો ઉજાગર ન કરે એટલે અહીં “ફોટો વિડીયોગ્રાફી કરવી મીડિયા કવરેજ કરવું ગેરકાનુની છે” આવું બેનર હોસ્પિટલના પ્રશાસને લટકાવી દીધું છે. જે હરકત કરી શકાય કે નહીં તેનું જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલને પૂછવામાં આવતા તેઓએ “અપના મિજાજ” ને જણાવ્યું હતું કે આવી કોઈ પાબંદી લગાવી શકાય નહીં પરંતુ હું આ અંગે તપાસ કરાવી લઉં કે હોસ્પિટલ પ્રશાસને શા માટે વિડિયો ફોટોગ્રાફી તેમજ મીડિયાને કવરેજ કરવું ગેરકાનુની છે તેવું બેનર કેમ લગાવ્યું. જોકે તેમણે એમ પણ ઉમેર્યું કે આવી કોઈ મનાઇ ફરમાવી શકાય નહીં.