•ગંદકીથી ખદબદતી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાનો સદંતર અભાવ
•હોસ્પિટલમાં icu સેન્ટર સહિત મહત્વની સેવા નથી મળતી, કોંગ્રેસનો આક્ષેપ
•આરોગ્યમંત્રી ઘટતી કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસના કાર્યકરો જન આંદોલન કરશે
સંજય જાની (અપના મિજાજ)
રાજ્યનો મહત્વનો વિસ્તાર એટલે ઉત્તર ગુજરાત. ઉત્તર ગુજરાતની વાત આવે એટલે અહીંનું મહત્વનું શહેર મહેસાણા ખાસ યાદ આવે. આવે પણ કેમ નહીં, કારણકે મહેસાણા જિલ્લો એટલે રાજ્યના રાજકારણની લેબોરેટરી ગણાય છે. અહીંથી રાજ્યની વિધાનસભા, દેશની સંસદ સભા અને સહકારી ક્ષેત્રના માળખામાં મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ ન હોય તે અસંભવ છે. રાજ્ય સરકારમાં મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રીથી લઈ અનેક મહત્વનું પદ શોભાવી ચૂક્યા છે. વર્તમાન સમયમાં પણ વિસનગરના ધારાસભ્ય ઋષિકેષ પટેલ મહત્વનું આરોગ્ય મંત્રી પદ શોભાવી રહ્યા છે. જે ઉત્તર ગુજરાત માટે અને એમાં પણ ખાસ કરીને મહેસાણા જિલ્લાના વતનીઓની છાતી ગજ ગજ ફૂલી જાય તેવી ગૌરવવંતી અને ગર્વવંતી બાબત છે.
રાજ્યની વિધાનસભા અને સહકારી ક્ષેત્રમાં મહત્વના હોદ્દા ઉપર મહેસાણા જિલ્લાના મૂળ વતનીઓ બિરાજમાન છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ કહી શકાય કે આમાંના અમુક લોકોએ મહેસાણા શહેર તેમજ જિલ્લાનો જે પ્રમાણે વિકાસ સાધવો જોઈએ તેવો વિકાસ સાધી શકવા માટે પ્રયાસ સુધ્ધાં કર્યા નથી, તેવી લાગણી જનતા અનુભવી રહી છે. તાજેતરમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ કમિટીના યુવા સભ્યોએ જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ ખખડધજ બિલ્ડિંગમાં જાણે ક્ષયની બીમારી થઇ હોય તે રીતે ડૂચકા ખાતા શ્વાસ લઈ હાંફતી- હાંફતી ચાલી રહી છે. તેવી લાગણી અનુભવી સિવિલ હોસ્પિટલના જર્જરિત બિલ્ડીંગ, ગંદકી તેમજ icu સહિતની અનેકવિધ આરોગ્ય સેવાના અભાવ સામે નારાજગી વ્યક્ત કરી વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પ્રતિ પોતાનો રોષ ઠાલવ્યો છે. કોંગ્રેસના યુવા નેતાઓએ મહેસાણા સિવિલ હોસ્પિટલની હાલત નહીં સુધારવામાં આવે તો જનતા હિતાર્થે રાજ્ય સરકાર સામે જન આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.