•પાલિકા વિસ્તારમાં બેનરો-હોર્ડિંગ્સ લગાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે કે પછી…?!
• પાલિકા પ્રમુખની મહેરબાનીથી આર્થિક લાભ લેવાના બદલે લહાણી કરાઈ?
•ઠેર-ઠેર લાગેલા હોર્ડિંગ્સ ભારે પવનમાં ઉડી કોઈના માથે પડશે તો જવાબદારી કોની?
સંજય જાની (અપના મિજાજ)
કલોલ પાલિકા વિસ્તારમાં આવેલા વીજ પોલ તેમજ અન્ય સરકારી, બિન-સરકારી જગ્યાઓ ઉપર શાળાઓ તેમજ ટ્યુશન ક્લાસીસના સંચાલકો દ્વારા તોતિંગ હોર્ડિંગ્સ તાણી દેવામાં આવ્યા છે જેને લઇને જનતામાં અનેક જાતના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. પાલિકા દ્વારા કહેવાય છે કે હોર્ડિંગ્સ લગાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં માત્ર ૨૦ જેટલી પાર્ટીઓએ રસ દાખવીને પોતાના હોર્ડિંગસ પાલિકાની નિયત રકમ ભરીને લગાવ્યા છે. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી પાલિકા વિસ્તારમાં ગેરકાયદે શાળા અને ટ્યુશન ક્લાસીસમાં પ્રવેશ માટેની જાહેરાત કરતા હોર્ડિંગ્સ ઠેર ઠેર લગાવી દેવામાં આવ્યા છે. જે હોર્ડિંગ્સ પાલિકા પ્રમુખની લહાણી છે કે પછી પાલિકાની તિજોરી સદ્ધર કરવા માટેનો પ્રયાસ છે ? તેની કોઈ જ જાણકારી પાલિકાના જવાબદારો આપી રહ્યા નથી. જેથી શહેરમાં લાગેલા હોર્ડિંગ્સ ગેરકાયદે હોય તેમ માની લેવું જરાય અનુચિત ન હોવાનું લોકો કહી રહ્યા છે.