Apna Mijaj News
અંતરની વ્યથા

મહેસાણામાં ઢોર ‘રેઢિયાળ’ છે કે તંત્ર?

મિસ્ટર ચીફ ઓફિસર તમારી પાસે બહુ મોટી આશા હતી પણ તમેય પાણીમાં બેઠા?

કોન્ટ્રાક્ટ અપાઈ ગયો પરંતુ કોઈ પાંજરાપોળ ઢોર સ્વીકારવા આગળ આવી નથી

બિલાડી બાગ પાસે રવિવારે એકટીવા ચાલકને ગાયે અડફેટમાં લીધો, ઘાયલ સારવાર હેઠળ

સંજય જાની (અપના મિજાજ)

      આપણું મહેસાણા શહેર રખડતા ઢોરથી દાયકાઓથી પરેશાન છે. આ ત્રાસ જાણે નસીબમાં જ લખાઈ ગયો હોય એમ શહેરીજનો વર્ષોથી સહન કરતા રહ્યા છે અને મહેસાણામાં સમયાંતરે આવતા રહેલા ઉચ્ચાધિકારીઓમાંથી પણ કોઈ એવી નોંધપાત્ર કામગીરી કરી નથી કે આ સમસ્યા જડમૂળમાંથી નીકળી જાય. મહેસાણામાં નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે અલ્પેશ પટેલે ચાર્જ સંભાળ્યો, એ પછી રોડ પરથી રખડતાં પશુઓને હટાવવા માટે કેટલાક મહિનાઓ સુધી એક એજન્સીને રોકવામાં આવી હતી. રખડતા ઢોરની સમસ્યા હલ કરવા માટે મિસ્ટર ચીફ ઓફિસરે ગંભીરતાથી અસરકારક પગલા લીધા હતા. એટલે એ સમયે નગરજનોને લાગ્યું કે, રખડતા ઢોરની વર્ષોજૂની સમસ્યામાંથી હવે આપણને છુટકારો મળી જશે. પણ, મહેસાણાવાસીઓનો એ આશાવાદ ઝાંઝવાના જળ સમાન જ સાબિત થયો. કારણકે, હાથમાં લાકડીઓ અને દોરડા લઈ એજન્સીએ શરૂઆતના દિવસોમાં નિષ્ઠાપૂર્વક કામ કર્યું પણ એ પછી દિવસો પસાર થતા ગયા તેમ તેમ તેમની કાર્યનિષ્ઠામાં ઓટ આવતી ગઈ અને તેનું કારણ પણ ચોંકાવનારું જે તે વખતે સામે એ આવ્યું હતું કે, પાલિકા તંત્ર દ્વારા એજન્સીને ઢોર પકડવા માટેના નિયત કરેલું વેતન આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવતાં એક તબક્કો એવો આવ્યો કે ઢોર પકડવાની સેવાની પણ સમાપ્તિની ઘોષણા કરવી પડી.

        એ પછી પાલિકાના ચીફ ઓફિસર અને સેનેટરી વિભાગના જવાબદારોએ ઢોર પકડનાર એજન્સી સાથે છાશવારે વાટાઘાટો કરી હતી. પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું. હવે, પાલિકા તંત્રએ લગભગ એકાદ મહિના પહેલા ફરી એક વખત શહેરમાંથી રખડતા ઢોર પકડવા એજન્સી નક્કી કરી છે. શહેરની આ વિકરાળ સમસ્યાથી અવગત હોવા છતાં મહેસાણાની નેતાગીરી પણ સતત આંખ આડા કાન કરી રહી છે એ બાબત શહેરીજનો માટે વધારે દુઃખ દાયક અને આઘાતજનક છે. બીજી તરફ શહેરમાંથી રખડતા ઢોર પકડીને અગાઉ ડીસા, ઈડર પાંજરાપોળમાં મોકલવામાં આવતા હતા પરંતુ તેઓએ ઢોર સ્વીકારવાની ના પાડતા મિસ્ટર ચીફ ઓફિસરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શહેરમાંથી રખડતા ઢોર પકડીને હવે અમદાવાદની પાંજરાપોળમાં સોંપવા માટે સંસ્થા સાથે વાતચીત ચાલી રહી છે અને આ માટે સંસ્થાને પત્ર વ્યવહાર પણ કરવામાં આવ્યો છે જેની સંમતિ મળી ગયા બાદ રખડતા ઢોર પકડીને આંબાવાડી પાંજરાપોળને સોંપવામાં આવશે. જોકે, પાંજરાપોળ ક્યારે ઢોર સ્વીકારવાની સહમતી આપશે તે નક્કી નથી એટલે એમ માની શકાય કે શહેરીજનોને ચીફ ઓફિસર ઉપર શહેરીજનોની જે આશા હતી તે પૂર્ણ થતાં હજુ વાર લાગશે. કારણ કે સંસ્થા ઉપર બધો જ મદાર રહેલો હોઇ હવે ચીફ ઓફિસર પાણીમાં બેઠેલા દેખાઈ રહ્યા છે.
      નગરપાલિકાના સત્તાધીશોએ રખડતા ઢોર પકડવા માટે એજન્સી નક્કી કરી દીધી છે પરંતુ કોઈ પાંજરાપોળ ઢોર સ્વીકારતી નથી એટલે હવે ઢોર પકડીને મુકવા ક્યાં છે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. બીજી તરફ ગત રવિવારે શહેરના બિલાડી બાગ પાસેથી એકટીવા લઈને પસાર થતા સુનીલ ઓઝા નામના યુવાનને બે ગાયોએ અડફેટમાં લેતા તેઓ એકટીવા ઉપરથી નીચે પડી ગયા હતા. જેઓને નગરસેવક અમિત પટેલ સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. સારવારના બિછાનેથી ઘાયલ યુવાનને કહ્યું હતું કે રખડતા ઢોરનો ત્રાસ સમગ્ર શહેરમાં છે જો આમને આમ રહ્યું તો કોઈક દિવસ ઢોર કોઈ વ્યક્તિનો જીવ લઇ લેશે તેના માટે જવાબદાર કોણ?

વર્ષો જૂની સમસ્યામાંથી શહેરને જો છોડાવવું હોય તો દાનત સાફ રાખવી પડશે

     વર્ષો જૂની આ સમસ્યામાંથી શહેરને જો ખરેખર છોડાવવું જ હોય તો, માઈક્રો પ્લાનિંગ સાથે માસ્ટર પ્લાન બનાવ્યા પછી તેના અમલીકરણ માટે સતત મોનિટરિંગ રાખવું પડશે. કારણકે, જો એવું કરવામાં નહીં આવે તો કાગળ પર જડબેસલાક બનેલા પ્લાનિંગને કામચોર કર્મચારીઓ મહેસાણા રોડ ઉપર હરાયા ઢોરની જેમ ઉછાળીને ક્યાંય ફેંકી દેશે. તંત્રમાં રહેલા આવા અમુક કામચોર તત્વો આખા પ્રશાસનની વાટ લગાવી દે છે. આવા કર્મચારીઓના લીધે જ શહેરીજનો એ સમજી શકતા નથી કે, “રેઢિયાળ” ખરેખર ઢોર છે કે પછી તંત્ર?

Related posts

માઉન્ટ આબુમાં એવું તે શું બન્યું કે ડ્રાઈવરોએ બદદુઆ આપી કે હોટલ સંચાલકના મૃત્યુ રોડ એક્સિડન્ટમાં થવા જોઈએ….

ApnaMijaj

વિકાસની દોટમાં ૭૫ ‘વૃક્ષનારાયણ’ની હત્યા !

ApnaMijaj

આ મહિલાઓ નરેન્દ્ર મોદી માટે શું બોલી?

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!