• સત્તાધીશોનો ખેલ તો જુઓ, કોઈ એક સમાજ ભાજપની વિચારધારા ધરાવે છે તો તેની પાછળ લાખો ખર્ચી નાંખ્યાં
મહેસાણા જિલ્લા સહકારી રજિસ્ટ્રારે પણ રાજકીય કઠપૂતળી બની લાખોના તાયફામાં આપ્યો સહકાર?
•શું કોઈ એક સમાજ ભાજપની વિચારધારા ધરાવતો હોય તો તેની પાછળ સહકારી સંસ્થામાંથી ખર્ચ કરી શકાય?
• ‘અપના મિજાજે ‘લોકશાહી ઢબે પ્રશ્ન કર્યો તો રજિસ્ટ્રારે પ્રથમ તપાસ કરવાની વાત કરી બાદમાં ફોન ઉપાડવાના બંધ કર્યા
•વિસનગર APMCમાં મોટા પ્રમાણમાં થયેલા ખર્ચ મુદ્દે સત્તાધીશોની સાથોસાથ જિલ્લા રજિસ્ટ્રાર સામે પણ તપાસ જરૂરી
•જનતાના ટેક્સમાંથી સરકારી પગાર ખાતા જિલ્લા રજિસ્ટ્રાર ટેબલ નીચેથી કેટકેટલું ખાઇ રહ્યા હશે તેનો પુરાવો સંભવત તેમનું મૌન હોઈ શકે
સંજય જાની– અમદાવાદ (અપના મિજાજ)
વિસનગરમાં આવેલા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો એક રાજકીય પાર્ટીના રંગમાં એટલી હદે રંગાઈ ગયા છે કે તેમને “અંધ ભક્ત”નું બિરુદ હવે માર્કેટીંગ યાર્ડના અન્ય સભાસદો અને ખેડૂતો આપી રહ્યા હોવાની વાત જોર-શોરથી ચર્ચાઈ રહી છે. લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, સ્થાનિક ધારાસભ્ય તેમજ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય સભાના સાંસદ દિનેશ અનાવાડિયા સહિતના રાજકીય આગેવાનોનો મેળાવડો વિસનગર માર્કેટિંગ યાર્ડમાં જામ્યો હતો. જેની પાછળ કરવામાં આવેલા લાખો રૂપિયાના ખર્ચને લઈ ભારે કચવાટ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે રાજકીય મેળાવડામાં વિષય હતો કોઈ એક સમાજ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ધરાવે છે જેને લઇને એક તાયફા (કાર્યક્રમ) પાર્ટી કરવામાં આવી હતી. જે પાર્ટીમાં આવેલા તમામ લોકોએ ઠૂસીઠૂસીને ભોજનનો સ્વાદ માણ્યો હતો. આલીશાન શમિયાણામાં યોજાયેલી પાર્ટી (કાર્યક્રમ) એક રાજકીય પાર્ટીના આગેવાનોને ખુશ કરવા માટે હતી. જોકે આ તમામ ચાપલૂસી કરવાના કાર્યક્રમનો ખર્ચ માર્કેટિંગ યાર્ડના ખાતામાંથી કરવામાં આવ્યો હતો. ભોજન તેમજ મંડપના ખર્ચ પેટે લાખો રૂપિયા બે તબક્કે આપવામાં આવ્યા હોવાની બાબત સપાટી પર આવી છે. જે હકીકત સાચી છે કે ખોટી? તેમજ આવો કોઈ ખર્ચ માર્કેટીંગ યાર્ડમાંથી કરી શકાય કે કેમ? તે અંગેની સચોટ માહિતી જાણવા માટે ‘અપના મિજાજે‘ સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારને તેમના મોબાઈલ ફોન ઉપર સંપર્ક કર્યો હતો. જેથી જિલ્લા રજિસ્ટ્રાર નિમેશ જી. પટેલે આ બાબતે હું તપાસ કરીને જણાવું છું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. જે બાદ સતત બે ત્રણ દિવસ તેમને ફોન કરવા છતાં ફોન રિસિવ કર્યો ન હતો. એટલું જ નહીં તેમને whatsapp સંદેશા મારફતે પણ ખર્ચ કરી શકાય કે નહીં ‘હા’ કે ‘ના’ એટલી માત્ર વિગત એક અધિકૃત અધિકારી તરીકે આપવા કહેવામાં આવ્યું હતું પરંતુ રાજકીય રંગે રંગાયેલા રજિસ્ટ્રારે પોતે જાડી ચામડીના હોય એ રીતે કોઈ જ પ્રત્યુત્તર આપ્યો ન હતો. જેના પરથી એવું માની શકાય કે જિલ્લા રજિસ્ટ્રાર પણ રાજકીય કઠપુતળી બની રાજનેતાઓ નચાવે તે રીતે નાચીને ‘ઠુમકા’ માત્ર મારી રહ્યા છે. મીડિયાને સત્ય હકીકતથી વાકેફ કરવાના બદલે તેઓ મૌન ધારણ કરી લેતા સંભવત એવું માની લેવું પડે કે જિલ્લા રજીસ્ટ્રાર પણ વિસનગર એપીએમસીના સત્તાધીશો અને ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાનોના ઇશારે ખેડૂતોના પરસેવાની કમાણી રાજકીય તાયફા પાછળ ખર્ચ કરવા સમર્થન અને ‘સહકાર’ કરતા હોઈ શકે.
ગુજરાતમાં વસવાટ કરતી એક ચોક્કસ સમાજના ભાજપની વિચારધારા માટે આયોજિત પ્રથમ સ્નેહમિલન સંમેલન મોરબી જિલ્લામાં યોજવામાં આવ્યું હતું. જે સંમેલનને ભારે સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારબાદ બીજા નંબરનું સ્નેહમિલન સંમેલન વિસનગર મુકામે રાખવામાં આવ્યું હતું. ગત તા. 24 એપ્રિલના સવારે 9 વાગ્યે વિસનગર માર્કેટિંગ યાર્ડમાં રાજ્ય સભાના સાંસદ દિનેશ અનાવાડિયાના સન્માનના નામે કરવામાં આવેલા તાયફામાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલને અધ્યક્ષ સ્થાને રાખીને વિશિષ્ટ મુખ્ય મહેમાન તરીકે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. જે કાર્યક્રમમાં બાંધવામાં આવેલ વિશાળ સમીયાણુ તેમજ ખાવા પીવાનો ખર્ચ વિસનગર માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોએ પોતાના માટે ઉધાર લઇ લીધો છે. જોકે કહેવાય છે કે માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોએ ભાજપના આ કાર્યક્રમના નામે કરેલા તાયફામાં એક રાજકીય પક્ષની વાહવાહી કરવામાં ખેડૂતોના પરસેવાની કમાણી ખર્ચ કરી નાખી છે. જાણકારોના મતે માર્કેટિંગ યાર્ડમાં થતી શેષની કે અન્ય કોઈપણ આવક ખેડૂતોના હિત માટે ખર્ચ કરવાની હોય છે. પરંતુ અહીંના સત્તાધીશો માર્કેટિંગ યાર્ડ અને પોતાના દાદા બાપાની પેઢી સમજી ખેડૂતોને અંધારામાં રાખી તેમની સાથે સતત અન્યાયી અભિગમ અપનાવીને પોતાના અંગત સ્વાર્થ ખાતર હજારો – લાખો રૂપિયાનો ખર્ચ મનસ્વી રીતે કરી રહ્યા છે. તેની સામે અન્ય ઈમાનદાર અને ખેડૂતો, વેપારી હિતાર્થી માર્કેટીંગ યાર્ડના સભ્યોમાં ભારે કચવાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.
•જિલ્લા રજિસ્ટ્રાર એપીએમસીના સત્તાધીશો અને રાજકીય નેતાઓની ધાક સામે “ઠૂમકા ” માત્ર મારતા રહ્યાં?!
એક રાજકીય પાર્ટીની વિચારધારા ધરાવતા ચોક્કસ સમાજના આગેવાનો કાર્યકરો સાથે ભાજપના આગેવાનો અને સ્થાનિક ધારાસભ્ય સહિતના રાજકીય કાર્યકરોએ ભોજન સમારંભ સાથેનો મેળાવડો યોજ્યો હતો. જેના ભોજન તેમજ મંડપના ખર્ચ પેટે વિસનગર એપીએમસી તરફથી બે તબક્કામાં લાખો રૂપિયાના ચેક જે તે પાર્ટીને આપવામાં આવ્યા હોવાની ચર્ચા સપાટી પર આવી છે. આવો ખર્ચ કરી શકાય કે કેમ? તે અંગેની સચોટ માહિતી સહકારી મંડળીના જિલ્લા રજિસ્ટ્રાર પાસેથી જાણવા પ્રયાસ કર્યો તો તેઓએ પણ મિડિયાને કોઈ સચોટ માહિતી આપવાના બદલે પોતાનો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો. જેના પરથી એવું માની શકાય કે સહકારી મંડળીના જિલ્લા રજિસ્ટ્રાર પણ વિસનગર એપીએમસીના સત્તાધીશો અને રાજકીય આગેવાનો સામે નતમસ્તક બનીને ઠુમકા મારી રહ્યા છે. તેઓને પણ ખેડૂતના પરસેવાની કમાણી અયોગ્ય રીતે ખર્ચ કરાતી હોવાની બાબતથી કોઈ જ ફેર પડતો ન હોય તેવું તેમના બે જવાબદારી ભર્યા વર્તનથી લાગી રહ્યું છે.
• જિલ્લા રજિસ્ટ્રારે પણ હાથ ‘એંઠા’ નથી કર્યા ને? સહકાર મંત્રી-સચિવ અને સંયુક્ત રજિસ્ટ્રાર તપાસ કરાવે
વિસનગર માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોએ પોતાની પાસે રહેલી સત્તાનો દુરુપયોગ કરી કોઈ એક ખાસ સમાજના લોકો એક ખાસ રાજકીય પાર્ટીની વિચારધારા ધરાવે છે તેવું બતાવવા માટે તાયફા કરે અને બિનજરૂરી લાખોનો ખર્ચો પોતાના ખિસ્સામાંથી કાઢવાના બદલે સહકારી સંસ્થાને માથે ચડાવી આર્થિક નુકસાન પહોંચાડી દેવા સુધીની ચેષ્ટા કરે, જેને એક સમાચાર માધ્યમ ઉજાગર કરે છે અને આ બાબતે જિલ્લા રજિસ્ટ્રારનું ધ્યાન પણ દોરે છે. તેમ છતાં જિલ્લા રજિસ્ટ્રાર એપીએમસીના સત્તાધીશો સાથે કોઈ નજીકનું “સગપણ” ધરાવતાં હોય તે રીતે કોઈ જ તપાસ કરતા નથી. જે બાબત શંકાના દાયરામાં આવી રહી છે. રાજ્યના સહકાર મંત્રી, સચિવ અને સંયુક્ત રજિસ્ટ્રાર (ફડચા) યુ.એમ. વાસણાવાળા પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી જો આ બાબતે તલસ્પર્શી તપાસ કરાવે તો જિલ્લા રજિસ્ટ્રારના હાથને મોં પણ ક્યાંકને ક્યાંક “એંઠા” થયેલા જોવા મળી શકે તેવી સંભાવના લોકો વ્યક્ત કરી રહ્યા છે.