•યુવતીને કાર ડ્રાઈવર સ્મિતે પરેશાન કરતાં ઘટના બની ગઈ
•લૂંટમાં ગયેલી કાર દાગીના સાથે બે શખસો પોલીસ હિરાસતમાં
•રિમાન્ડની માગણી સાથે પકડાયેલા બે શખ્સોને કોર્ટમાં રજૂ કરાશે
સંજય જાની-અમદાવાદ (અપના મિજાજ)
અડાલજથી ગાંધીનગરના પાટીદાર યુવાનની કાર ભાડે કરીને માઉન્ટ આબુ ફરવા જઈ રહેલી યુવતીના કથિત પતિએ કારમાલિક યુવાનને ‘તું મારી પત્નીને કેમ ફરાવે છે’, તેમ કહીને તેની સાથે મારઝૂડ કરી તેણે શરીર ઉપર પહેરેલી સોનાની ત્રણ વીંટી, એક લકી, એક ચેન અને કાર સહિત ૬ લાખથી વધુનો મુદ્દામાલ લૂંટી લીધો હતો. જે અંગેની મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ બી.વાઘેલાએ તુરંત કાર્યવાહી હાથ ધરી ગણતરીના સમયમાં જ કાર માલિકને લૂંટી લેનાર બે શખ્સો અને લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે.
મહેસાણા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એમ.બી વાઘેલાએ ‘અપના મિજાજ’ ને જણાવ્યું હતું કે ગત તા. 04 મેના ગાંધીનગરના સેક્ટર 7 મકાન નં. 301/1 માં રહેતો સ્મિત વિશાલભાઈ પટેલ પોતાની માલિકીની સ્વીફ્ટ ડિઝાયર કારને વર્ધીમાં ફેરવી ટ્રાવેલિંગનો વ્યવસાય કરે છે. જેને અડાલજના કસ્તુરીનગરમાં રહેતી અંજલી નામની તેની સ્ત્રી મિત્રનો ફોન આવ્યો હતો અને તેણે સ્મિતને પોતાને માઉન્ટ આબુ ફરવા જવું છે એવું કહ્યું હતું. જેથી સ્મિત પોતાની શિફ્ટ ડિઝાયર કાર લઇ અંજલિને તેમાં બેસાડી છત્રાલ કલોલ થઈ મહેસાણાથી માઉન્ટ આબુ જવા રવાના થયો હતો. જોકે માર્ગમાં કાર ડ્રાઈવર સ્મિત અંજલીને પરેશાન કરતો હોવાથી અંજલિએ મહેસાણા ઉંઝા હાઇવે પર આવતા બ્લીસ વોટર પાર્ક નજીક કાર થોભાવી હતી અને તેણે તેના પતિને બોલાવી સ્મિતની ‘ખુજલી’ મટાડાવી હોવાનું બહાર આવ્યું છે.
અહીં બનેલી ઘટનામાં કહેવાય છે કે અંજલી નો પતિ તેના અન્ય એક મિત્રને લઈને આવ્યો હતો અને કાર ચાલક સ્મિત સાથે મારઝૂડ કરી તેની પાસે રહેલા સોનાના દાગીના તેમજ કાર ઝૂંટવી લીધી હતી. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકમાં જ તમામ મુદ્દામાલ સાથે બંને આરોપી શખ્સોને પકડી પાડી વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવનાર હોવાનું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.