•સ્ત્રી મિત્રને લઇ માઉન્ટઆબુ જવા નીકળેલા ગાંધીનગરના યુવાન સાથે બની ઘટના
•મહેસાણા નજીકના બ્લીસ વોટરપાર્ક પાસે મહિલા ફ્રેશ થવા ઉતરી ને થઈ ગયો ખેલ
•મહિલાનો કથિત પતિ અને અન્ય અજાણ્યા શખ્સે દાગીના, સ્વીફ્ટ ડિઝાયર કાર પડાવી લીધાં
સંજય જાની-અમદાવાદ (અપના મિજાજ)
ગાંધીનગરથી સ્વીફ્ટ ડિઝાયર કાર માં પોતાની સ્ત્રી મિત્ર ને લઇ માઉન્ટ આબુ ફરવા નીકળેલા યુવાનને મહેસાણા ઉંઝા માર્ગ ઉપર ભેટી ગયેલા મહિલાના કથિત પતિ અને તેના અન્ય એક સાગરીતે કારમાલિક યુવકને ફટકારીને તેણે શરીરે પહેરેલાં સોનાના ઘરેણા અને કાર ગુમાવવાનો વારો આવ્યો છે. અંજલી નામની સ્ત્રી મિત્રના પતિ બની આવેલા શખ્સ અને તેના સાગરીતે લાખો રૂપિયાનો માલ પડાવી લેતા ગાંધીનગરનો કારમાલિક સ્મિત પટેલ સ્ત્રી મિત્ર અંજલિના કારણે હાલે ‘ખુજલી’ કરતો થઈ ગયો છે. બનાવ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ભોગ બનનાર સ્મિતે “અસ્મિત” ચહેરે ફરિયાદ નોંધાવતાં પોલીસે આ દિશામાં તપાસ આદરી છે.
મહેસાણા તાલુકા પોલીસ મથકના સૂત્રોએ ફરિયાદને ટાંકીને આપેલી વિગતો મુજબ ગાંધીનગરના સેક્ટર 7માં રહેતો સ્મિત પટેલ પોતાની માલિકીની સ્વીફ્ટ ડિઝાયર કારને વર્ધીમાં ફેરવી ટ્રાવેલિંગનો વ્યવસાય કરે છે. જેને ગત તા. 04 મેના અડાલજના કસ્તુરી નગરમાં રહેતી અંજલી નામની તેની સ્ત્રી મિત્રનો ફોન આવ્યો હતો અને તેણે સ્મિતને પોતાને માઉન્ટ આબુ ફરવા જવું છે તું ગાડી લઈને આવી જાય તેમ કહી 2500 રૂપિયાનું ભાડું નક્કી કર્યું હતું. જેથી સ્મિત પોતાની શિફ્ટ ડિઝાયર કાર લઇ અંજલિને તેમાં બેસાડી છત્રાલ કલોલ થઈ મહેસાણાથી માઉન્ટ આબુ જવા રવાના થયો હતો. મહેસાણા ઉંઝા હાઇવે પર આવતા બ્લીસ વોટર પાર્ક નજીક અંજલિએ કાર થોભાવી પોતાને ફ્રેશ થવા જેવું છે તેમ કહી કારમાંથી ઉતરી બહાર નીકળી હતી. જ્યાં થોડી વારમાં જ બે યુવકો સ્મિત પાસે આવ્યા હતા અને ‘તું મારી પત્નીને લઈને કેમ ફરે છે?’ તેમ કહી કાર માલિક સ્મિત સાથે બોલાચાલી કરી મારઝૂડ કરી હતી.
કારમાલિક યુવક સાથે મારઝૂડ કરનાર અંજલિના કથિત પતિ અને અન્ય એક ઇસમે સુમિતને કહ્યું હતું કે તારા હાથમાં પહેરેલી સોનાની વીંટીઓ, ગળામાં પહેરેલ સોનાની ચેન તેમજ હાથના કાંડામાં પહરેલ સોનાની લકી આપી દે. જોકે આ અંગે સ્મિતે આનાકાની કરતા તેને ગડદાપાટુનો મારમારી સ્મિત એ પોતાની આંગળીમાં પહેરેલી ત્રણ વિંટી, સોનાની લકી, ચેઈન બળજબરીપૂર્વક લૂંટી લીધી હતી. જે બાદ બંને અજાણ્યા શખ્સોએ સ્મિત અને અંજલિને કારમાં બેસાડી મહેસાણા લઈ ગયા હતા જ્યાં બંનેને રાધનપુર સર્કલે ઉતારી સ્મિતની ડિઝાયર કાર નં. GJ- 01-HW-2829 પડાવી લઇ પાલનપુર તરફ ભાગી છૂટયા હતા. જોકે મહેસાણાથી અંજલી અને સ્મિત એક ખાનગી વાહનમાં પરત પોત પોતાના ઘરે પહોંચ્યા હતા.
•ઘરે પહોંચી બનાવ અંગે સ્મિતે તેની માતાને જાણ કરી, મહેસાણા આવી ફરિયાદ નોંધાવી
અડાલજથી માઉન્ટ આબુ જવા નીકળેલા કારમાલિક સ્મિત પટેલને મહેસાણા પાસે અજાણ્યા બે શખ્સોએ લૂંટી લીધાની ઘટના બન્યા બાદ મહેસાણાથી ખાનગી વાહનમાં ઘરે પહોંચેલા સ્મિત પટેલે બનાવ અંગે તેની માતાને વાકેફ કર્યા હતાં. જેથી ભોગ બનનાર સુનિલ પટેલ તેમની માતા કોકિલા બહેન સાથે તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો અને બનાવ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી.
(૪) સ્વીફ્ટ ડિઝાયર કાર કિ. :3,00,000 મળી કુલ કિંમત રૂપિયા 6,25000 ના મુદ્દામાલની લૂંટ કરાયાની ફરિયાદ નોંધાવાઈ છે.
•કારમાં જીપીઆરએસ લગાવેલું હોવાથી ભાળ મેળવી શકાઇ, દાગીના પરત મળ્યા?
સુત્રો દ્વારા મળેલી વિગતો મુજબ સ્મિત પટેલની કારમાં જીપીઆરએસ લગાવેલું હતું. જેના આધારે તપાસનીશ પોલીસ અધિકારીએ કારનું પગેરૂં દબાવ્યું હતું. કહેવાય છે કે તે કાર મહેસાણા તાલુકા પોલીસ મથકની હદમાંથી બિનવારસુ મળી આવી હતી અને તેમાંથી સ્મિત પાસેથી લૂંટી લેવાયેલા દાગીના પણ મળી આવ્યા હતા. જોકે આ અંગે અપના મિજાજ ન્યુઝ નેટવર્ક દ્વારા તાલુકા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ એમ બી વાઘેલાનો સંપર્ક સાધી ખરાઇ કરવા પ્રયાસ કરાયો છે પરંતુ તેઓએ ફોન રિસીવ નથી કરતા પૂર્ણ હકીકત મેળવી શકાઇ નથી.
સમગ્ર પ્રકરણમાં શંકા ઉપજાવતા અમુક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. શું ખરેખર અંજલી સ્મિતની સ્ત્રી મિત્ર છે? જો અંજલીના કહેવાથી 2500 રૂપિયાના ભાડામાં અડાલજથી માઉન્ટ આબુ જવા સ્મિત સિફ્ટ ડિઝાયર કાર લઇને નીકળ્યો ત્યારે બ્લીસ વોટર પાર્ક પાસે અંજલીનો પતિ બની આવેલો શખ્સ અને તેનો સાગરીત સ્મિતને પોતાની પત્નીને કેમ ફરાવે છે તેમ કહી ધમકાવે છે ત્યારે અંજલી કેમ વિરોધ નથી કરતી? સ્મિત પાસેથી દાગીના તેમજ ગાડી ઝૂંટવી લઈ સ્મિતને મહેસાણાના રાધનપુર સર્કલ ઉપર જ કેમ ઉતારવા જવાયો? કીમતી વસ્તુ પડાવી લેનાર શખ્સ અંજલીનો પતિ હતો તો પછી અંજલીને પોતાની સાથે લઈ જવાના બદલે સ્મિત સાથે જ કેમ ઉતારી દીધી? પોલીસે અંજલીની કોઈ પૂછપરછ કરી છે કે કેમ? જો પોલીસ અંજલીની પૂછપરછ કરે તો સંભવત મોટો ખુલાસો થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
ગાંધીનગરના સ્મિત પટેલ સાથે બનેલી ઘટના આ અંગે જે એફઆઈઆર થઈ છે. તેમાં નોંધવામાં આવ્યું છે કે તે 2500 રૂપિયાના ભાડામાં સ્ત્રી મિત્ર અંજલિને લઇ માઉન્ટ આબુ જવા નીકળ્યો હતો. વર્તમાન સમયમાં સીએનજી ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવ જોતાં અમદાવાદથી માઉન્ટ આબુ ની એક કે બે દિવસની ટ્રીપમાં જવું હોય તો સ્વીફ્ટ ડિઝાયર કારનો ભાવ પર કિલોમીટર 11 રૂપિયા ચાલી રહ્યો છે. અમદાવાદથી માઉન્ટ આબુ રીટર્ન અંદાજે ૫૦૦ કિલો મીટર થાય જેનું ભાડું ટોલ ટેક્સ સાથે ટેક્સી પાર્સિંગ ગાડી હોય રાજસ્થાન સરકારના આરટીઓ ટેક્સ 400 રૂપિયાનો ઉમેરો કરીએ તો 6000 રૂપિયા જેટલું અથવા તો એનાથી વધુ થવા જાય છે. જે કોઈપણ કારના માલિકને 2500 રૂપિયા ભાડું પોસાય તેમ નથી. (જોકે તે એક તરફી ભાડામાં ગયો હતો કે શું? તેનો કોઈ ઉલ્લેખ નથી) જેથી ફરિયાદમાં જે નોંધાયું હોય તે પરંતુ સ્મિત ક્યાંકને ક્યાંક લપેટાયો છે અથવા તો ભૂલનો ભોગ બન્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે.