Apna Mijaj News
મહાન કાર્ય

ઊંઝા APMC ચેરમેનની દિલદારી, પાંજરાપોળને આપ્યું…

એપીએમસીના પૂર્વ ચેરમેનની સંસ્થાને 10 લાખનું માતબર દાન

માર્કેટીંગ યાર્ડના બે ધુરંધરો એક જ મંચ ઉપર સાથે જોવા મળ્યા

સંજય જાની-અમદાવાદ (અપના મિજાજ)

        ઊંઝા માર્કેટિંગ યાર્ડ દ્વારા પ્રસંગોપાત અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. માર્કેટિંગ યાર્ડ સાથે સંકળાયેલા વેપારીઓ- ખેડૂતોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહેતી સહકારી સંસ્થા દ્વારા કોરોના મહામારીમાં પણ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી જે ઉડીને આંખે વળગે તેવી રહી છે. માર્કેટીંગ યાર્ડના યશસ્વી ચેરમેન દિનેશ પટેલ દ્વારા કોરોના મહામારીમાં પણ સંસ્થાને મોટા પ્રમાણમાં આર્થિક ફાયદો કરતી પ્રવૃત્તિ કરવામાં આવી છે જેની રાજ્યભરની સહકારી સંસ્થાઓ તેમજ સહકારી આગેવાનોએ નોંધ લીધેલી છે. સંસ્થાના ચેરમેન દિનેશ પટેલે માર્કેટિંગ યાર્ડ પૂર્વ ચેરમેન નારાયણભાઈ એલ. પટેલના નેતૃત્વમાં ચાલતી એક સંસ્થાને માતબર રકમનું દાન આપી પોતાની દિલદારી છતી કરી છે.
       ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં વર્ષો સુધી પોતાનો દબદબો જાળવી રાખી ઊંઝા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે પણ અડીખમ ઉભા રહેલા નારાયણભાઈ એલ પટેલની રાજકીય, સહકારી તેમજ સામાજિક પ્રવૃત્તિઓ તાલુકા ભાગની પ્રજા ભૂલી શકે તેમ નથી. પરંતુ ગત સમયની ચૂંટણીઓમાં સહકારી ક્ષેત્રે અને ધારાસભ્ય પદે તેઓને પરાજયનો સામનો કરવો પડયો છે. જોકે તેઓ અન્ય સેવાકીય પ્રવૃતિઓ સાથે હજુ પણ જોડાયેલા રહ્યા છે. અંદાજે 85 વર્ષની ઉંમરે પહોંચેલા નારાયણભાઈ પટેલ હજુ પણ જન સેવા તેમજ અબોલા પ્રાણીઓ માટે મદદરૂપ બનવા પાછીપાની કરતા નથી. તેઓના નેતૃત્વમાં ચાલતી પાંજરાપોળને આર્થિક સહયોગ મળી રહે તે માટે ઊંઝા માર્કેટિંગ યાર્ડના વર્તમાન ચેરમેન દિનેશભાઇ પટેલે ૧૦ લાખની રકમનો ચેક અર્પણ કર્યો હતો. એક કાર્યક્રમમાં યાર્ડના ચેરમેન દિનેશ પટેલે પોતાની ભાવના આર્થિક સહયોગ થકી છતી કરી હતી. એક જ મંચ ઉપર સાથે જોવા મળેલા સહકારી ક્ષેત્રના બંને ધુરંધરો પ્રેમભાવથી એકબીજાને મળ્યા હતા, ૧૦ લાખની રકમનો ચેકનો પાંજરાપોળના સર્વેસર્વા નારાયણભાઈ પટેલે સહર્ષ સ્વીકાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે જ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને ધારાસભ્ય નારાયણભાઈ પટેલે યાર્ડમાં સિક્યુરિટી ગાર્ડની હાજરી બાબતે ગેરવહીવટ કરાતો હોવાની લેખિત રજૂઆત સહકાર મંત્રીને કરી પ્રશ્નો ઉઠાવ્યા હતા.

Related posts

મહેસાણામાં ટાબરિયાના કામથી લોકો બોલી ઉઠ્યાં, ‘સત્યમ-શિવમ- સુન્દરમ !’

ApnaMijaj

લુડવામાં ‘અમૃત મહોત્સવ’, રાજ્યપાલ પધાર્યાં

ApnaMijaj

સમૌ ગામે નવનિર્મિત શહીદ સ્મારક રાષ્ટ્રભક્તિની જાગૃતિનું પવિત્ર સ્થાન બની રહેશે

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!