• રોટરી ક્લબ મહેસાણાની ઊડીને આંખે વળગે તેવી કામગીરી
•કેન્સર ગ્રસ્ત મહિલાઓ માટે 51 નારીએ વાળનું દાન કર્યું
પ્રશાંત સોની -મહેસાણા (અપના મિજાજ)
ઉત્તર ગુજરાતના મહત્વના શહેરમાં કાર્યરત રોટરી કલબ ઓફ મહેસાણા દ્વારા પ્રસંગોપાત અનેક પ્રકારના લોક હિતાર્થેને ધ્યાનમાં લઈને કાર્ય કરવામાં આવતા હોય છે. સમાજોપયોગી તેમજ પરદુઃખભંજન કામગીરી કરતી રોટરી ક્લબ ઓફ મહેસાણાના હોદ્દેદારોની કાર્યવાહી ઊડીને આંખે વળગે તેવી રહી છે. માનવ સેવા માટે સદા તત્પર રોટરી ક્લબ ઓફ મહેસાણાના હોદ્દેદારોને પોતે જે કંઈ પણ કરી રહ્યા છે તે અંગેનું તેમને કોઈ જ ઘમંડ નથી પરંતુ હા તેમના દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ ગૌરવવંતી જરૂર છે. ગત તા.01 મેના ગુજરાત સ્થાપના દિને કેન્સરગ્રસ્ત મહિલાઓ માટે મેગા હેર ડોનેશન કેમ્પનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ૮ વર્ષની બાળકી તો બાળકી પરંતુ 80 વર્ષના દાદીબા સાથે ફુલ 51 નારીઓએ પોતાના વાળનું દાન કર્યું હતું.
મહેસાણા રોટરી ક્લબના પ્રમુખ રોટે. હેમવીરસિંહ રાવે વિગત આપતા કહ્યું હતું કે કેન્સરગ્રસ્ત મહિલાઓના ઉતરી જતા વાળની ખામી દૂર કરવા માટે મુંબઈ સ્થિત મદદ ફાઉન્ડેશન દ્વારા વાળનું દાન સ્વીકારી તે વાળમાંથી વિગ બનાવી ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં નિઃશુલ્ક આપવામાં આવશે. સંસ્થા દ્વારા વાળનું દાન મેળવવાની જાહેરાત કરવામાં આવતા અનેક ‘દાતા’ મહેસાણા રોટરી ક્લબમાં આવ્યા હતાં. જેમાં આઠ વર્ષથી બાળકીથી લઈને ૮૦ વર્ષના દાદી એ પણ પોતાના વાળ દાનમાં આપ્યાં હતાં. એટલું જ નહીં ખાસ વાત એ છે કે વાળ દાનમાં આપવાં આ સેવાયજ્ઞમાં કેન્સર જેવી જીવલેણ બીમારીનો સામનો કરી ચૂકેલા 2 મહિલાઓએ પણ પોતાના વાળનું દાન કર્યું હતું. રોટરી ક્લબના આ સેવાયજ્ઞમાં પ્રતિષ્ઠિત વ્યવસાયકારો તેમજ ઘરકામ કરનાર સુધીના લોકો આગળ આવ્યાં, એટલું જ નહીં એક યુવાને પણ પોતાના વાળ દાનમાં આપી સેવા યજ્ઞને દીપાવ્યો હતો.
• સેવાને ‘સાધના’ માનનાર પૃથ્વી પરના ભગવંતો અને આવી સેવાકીય સંસ્થાને વંદન