બ્રહ્મ સમાજના ગૌરવંતા વ્યક્તિત્વને નિખારવા માટે સમાજ સંગઠનના હોદ્દેદારો તેમજ શ્રેષ્ઠીઓ દ્વારા અનેકવિધ રીતે આયોજન કરવામાં આવતા હોય છે. જે અંતર્ગત સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સમાજના ગૌરવવંતા વ્યક્તિત્વને સન્માનિત કરવા માટે વિવિધ રીતે ઊડીને આંખે વળગે તેવા સુકાર્ય કરી વર્તમાન તેમજ ભવિષ્ય પેઢીને ઉતરોતર પ્રગતિના પંથે લઈ જવા ભગીરથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમાજ સંગઠનના હોદ્દેદારો દિવસ રાત એક કરી બ્રહ્મ બંધુ તેમજ ભગિનીઓ માટે અનેક સ્તરે સહકાર ભર્યા કાર્યો થકી પણ સમાજ ઉત્થાન માટે ભલાઈનું ભાથું પણ બાંધવામાં આવ્યું હોવાના અનેક દાખલા જગજાહેર છે.
સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના મુખ્ય સંગઠન મોવડી તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા મહેસાણા મુકામે ઉત્તર ગુજરાત ઝોનના કાર્યકરોના સહકારે ત્રિદિવસીય બ્રહ્મમોત્સવ તા. 01થી 03 સુધી કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે બિઝનેસ એક્સ્પો 108 સ્ટોલનું ઉદ્ઘાટન, મહેમાનોનું સ્વાગત સન્માન, જીવનસાથી પસંદગી મેળો, પારિવારિક મનોરંજન માટે વાક્ય રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે દ્વિતીય દિવસે બ્રહ્મર્ષિધામ શિલાન્યાસ, બ્રહ્મ ગૌરવ એવોર્ડ, દાતાઓ અને કાર્યકર્તાઓના સન્માન, લોક ડાયરો અને તૃતીય દિવસે વિષ્ણુ અવતાર પૂજનીય શ્રી પરશુરામ દાદાની શોભાયાત્રા તેમજ રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બ્રહ્મ ગૌરવ એવોર્ડ એનાયતમાં સિદ્ધપુરના એક શિક્ષિકાને ‘કવિ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમાજના હોદ્દેદારો દ્વારા અન્ય પાંચ જિલ્લાના સો જેટલા સમાજ રત્નને વિવિધ એવોર્ડ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.
મહેસાણામાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજયકક્ષા) ઉત્તર ઝોન દ્વારા બ્રહ્મ ગૌરવ એવોર્ડ – ૨૦૨૨ યોજાયો હતો.જેમાં મંચસ્થ મહાનુ ભાવોમાં આંતરરાષ્ટ્રીય શીવ કથાકાર ડૉ. લંકેશ બાપુ, સ્વામી નિજાનંદ બાપુ (ગોતરકા), મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ,રાજયસભા સાંસદ જુગલભાઈ લોખંડવાલા, રાજ્યના ઉપપ્રમુખ ભુપેન્દ્રભાઈ પંડ્યા,પ્રદેશ ઉપપ્રમુખ ડામરાજી રાજગોર, પ્રદેશ ઉપપ્રમુખ ઉર્વેશભાઈ પંડ્યા,ઉત્તર ગુજરાત બ્રહ્મ સમાજના પ્રભારી ભરતભાઈ વ્યાસ,પ્રદેશ મહિલા પાંખના મહામંત્રી નિકેતાબેન રાવલ, પાટણ જિલ્લાના પ્રમુખ વિરેશભાઈ વ્યાસ તેમજ અન્ય જિલ્લાના પ્રમુખના હસ્તે બ્રહ્મ એવોર્ડ – ૨૦૨૨ એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં ઉનાવાના વતની અને સિદ્ધપુર તાલુકાના ઉમરુ પ્રા. શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શ્રીમતી અલ્પાબહેન રુદ્રદત્ત રાવલને ‘કવિ’ તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પાંચ જિલ્લાના તમામ 100 જેટલાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ખૂબજ મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ અને બ્રહ્મ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. તમામ માટે સુંદર ભોજન વ્યવસ્થા સાથે વ્યયસાયલક્ષિ બિઝનેસ સમિટનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહેસાણા બ્રહ્મ સમાજની યુવા ટીમ તેમજ ઉત્તર ઝોનના માર્ગદર્શક પ્રભારી ભરતભાઈ વ્યાસે જહેમત ઉઠાવી હતી.