•પંચાયતના પૂર્વ સરપંચ આશાબેન પટેલના નેતૃત્વમાં થયા અનેકવિધ વિકાસ કામો
•બે ટર્મથી સરપંચ તરીકે સેવા આપનાર આશાબેનની કામગીરી પણ ઊડીને આંખે વળગે તેવી
સંજય જાની-અપના મિજાજ
ઉત્તર ગુજરાતના મહત્વના શહેર તરીકે જેની ગણના થાય છે તેવા મહેસાણા નગરની ભાગોળે આવેલા પાલાવાસણા ગામના તલાટી તરીકે નુગર ગ્રામપંચાયતમાંથી બદલીને આવેલા યુવા મહિલા તલાટી કમ મંત્રી તરીકે પ્રિયંકાબેન પ્રહલાદભાઈ પટેલે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં તલાટી કમ મંત્રી તરીકે રાજ્ય સેવકનો હોદ્દો મેળવનાર પ્રિયંકાબેન પટેલ છેલ્લા 13 વર્ષથી પોતાની ફરજમાં હર હંમેશ નિષ્ઠા અને કર્તવ્યથી પોતાની કામગીરી કરીને જે તે ગ્રામપંચાયતમાં વિકાસ કામોને વેગ આપી પંચાયતી સભ્યો તેમજ ગ્રામજનોના સન્માનિત અને પ્રિય વ્યક્તિ બની રહ્યા છે. પાલાવાસણા ગ્રામ પંચાયતમાં પણ તાજેતરમાં પોતાનો ચાર્જ સંભાળી આવનારા દિવસોમાં પાલાવાસણા ગ્રામજનોમાં પણ તેઓ પોતાના કાર્ય થકી વિશિષ્ટ વ્યક્તિ બની રહેશે તેવો આશાવાદ ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો.
મહેસાણા શહેરની ભાગોળે આવેલા પાલાવાસણા ગ્રામ પંચાયતમાં છેલ્લા બે ટર્મથી સરપંચ તરીકે પોતાની ફરજ નિભાવનાર ગામના મહિલા આશાબેન પટેલના નેતૃત્વમાં ગ્રામ વિકાસમાં સારી એવી કામગીરી કરવામાં આવી છે. સરકારની વિવિધ યોજના તળે ગ્રામ વિકાસ હરણફાળ ભરીને અહીં ઊભેલો દેખાય છે. થોડા દિવસો પૂર્વે જ અહીં સરપંચની ટર્મ પૂર્ણ થતા સરપંચ પદની સમય મર્યાદા વધારવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઇ હતી પરંતુ નીતિ નિયમ મુજબ તે શક્ય નહીં હોવાથી આવનારા દિવસોમાં વહીવટદારની નિમણૂક કરાશે તેવી હકીકત જાણવા મળી છે. જોકે ગામના સરપંચ આશાબેન પટેલે પોતાના ગામને નંદનવન બનાવવા માટે પોતાની તમામ શક્તિઓ કામે લગાડી દીધેલી છે પરંતુ હવે તેઓની ટર્મ પૂર્ણ થવા છતાં પોતે કોઈ હોદ્દા પર હોય કે ના હોય પરંતુ વિકાસ કામો કરવામાં પાછી પાની કરે તેમ ન હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે મહિલા સરપંચની દૂરંદેશી અને વિચારધારા થકી મહિલા તલાટી પ્રિયંકાબેન પણ ગ્રામ વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે તેવું આયોજન પણ ઘડી કાઢવામાં આવશે.