Apna Mijaj News
મહાન કાર્ય

કચ્છના રણમાં પોલીસની પરોપકારી ‘વર્ષા’ વરસી 

ખડીરના રણમાં દર્શનાર્થે આવેલા ૮૬ વર્ષના વૃદ્ધા ચક્કર આવતા પડી ગયા

જાણે મારુતિ નંદન મહિલા કોન્સ્ટેબલના રૂપમાં મદદે આવ્યા હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું

રાપર પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલે વૃદ્ધાને પોતાની પીઠ પર લાદી પાંચ કિ.મી. ચાલ્યા

 

રાકેશ કોટવાલ-ભુજ (અપના મિજાજ)

        કચ્છના વાગડ પંથકના ખડીરમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતા ધોળાવીરાથી ૧૦ કી.મી દુર ભંજડા દાદાના મંદિરે લોકો દર્શનાર્થે આવે છે. સફેદ રણમાં તાજેતરમાં યોજાયેલી મોરારીબાપુની રામકથા સાંભળવા આવતા ભક્તો ડુંગર ઉપર ચાલીને ભંજડા દાદાના દર્શન કરવા જતા હતા. ત્યારે ૮૬ વર્ષના વૃદ્ધ માજીને પણ દર્શન કરવાની ઇચ્છા થતાં તેઓ પણ ડુંગર ઉપર ચડ્યા હતા પરંતુ અડધે પહોંચ્યા ત્યારે તેમને ચક્કર આવ્યા હતા અને પડી ગયા હતા. આ બાબતની જાણ અહીં બંદોબસ્ત માં રહેલા રાપર પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલને થતાં તેઓ તાત્કાલિક દુર્ગમ સ્થળે પહોંચી ચક્કરથી ફસડાઈ પડેલાં માજીને પ્રાથમિક સારવાર આપીને પાંચ કિલોમીટર સુધી પોતાના શરીર ઉપર ઊંચકીને સલામત સ્થળે લઈ આવ્યા હતા. અફાટ રણમાં આકરા તાપ વચ્ચે મહિલા પોલીસ કર્મચારીએ પરોપકારની વર્ષા વરસાવી હતી. જોકે આ દરમિયાન માજી સાથે ચાલતા એક વ્યક્તિએ આ અંગેનો વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં કંડાર્યો હતો. જે જોતા કેવું લાગી આવે કે કળિયુગમાં જાણે સાક્ષાત મારુતિનંદન મહિલા કોન્સ્ટેબલના રૂપમાં માજીની વહારે આવ્યા હોય!

#મેકરણ દાદાની સાખી.. “જીયો ત ઝેર મ થીઓ, થીઓ શક્કર જેડા સેણ, મરી વેંધા માડુઆ રોધા ભલે જા વેણ”ને કોન્સ્ટેબલ વર્ષાબેને ચરિતાર્થ કરી#

        કચ્છના ખડિર પંથકના રણમાં થોડા દિવસો પૂર્વે યોજાયેલી મોરારિબાપુની રામકથાનું રસપાન કરવા આવેલા એક ૮૬વર્ષના માજી રણમાં જ આવેલા પર્વત ઉપર ભંજડા દાદાના મંદિરે દર્શન કરવા ચડ્યા હતા. પરંતુ ચક્કર આવતાં તેઓ ફસડાઈ પડયા હતા. આસપાસ રણ વિસ્તાર હોવાથી પીવાનું પાણી ન મળવાને કારણે તેઓ બેહોશ પણ થઇ ગયા હતા. કથામાં બંદોબસ્તમાં ફરજ ઉપર રહેલા રાપર પોલીસ મથકના મહિલા પોલીસ કોસ્ટેબલ વર્ષાબેન માજીવાભાઈ પરમારને બનાવની જાણ થતાં તેઓ તાત્કાલિક પાણી લઈને પાંચ કિલોમીટર દૂર ડુંગર પાસે પહોંચ્યા હતા. એટલું જ નહીં વર્ષાબેને બેભાન માજીના ચહેરા પર પાણી છાંટી તેમને સભાન અવસ્થામાં લાવી પ્રાથમિક સારવાર આપી હતી. બાદમાં અશક્ત વૃદ્ધાને ૫ કિલોમીટર સુધી પોતાના ખભા પર ઊંચકીને કથા સ્થળ સુધી સલામત રીતે પહોંચતા કર્યા હતા.

મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન પરમાર મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની

       કચ્છની સરહદને અડીને આવેલા બનાસકાંઠાના થરાદ તાલુકાના ઉંદરણા ગામના વતની વર્ષાબેન પરમારને કોન્સ્ટેબલ તરીકે રાપર તાલુકામાં પોસ્ટિંગ થયે હજુ એક વર્ષ પણ પૂર્ણ થયું નથી. પરંતુ તેઓએ પોલીસને ધ્યેય “સેવા સુરક્ષા અને શાંતિ”ના વાક્યને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. પોલીસ અશક્ત તેમજ મહિલા અને ખાસ કરીને જનતાની સુરક્ષા માટે હંમેશા ખડે પગે હોય છે. તે આપણે જાણ્યું છે અને જોયું પણ છે પરંતુ વર્ષાબેન પરમારે કાળઝાળ ગરમીમાં અફાટ રણમાં કરેલી પરોપકારી કહી શકાય પરંતુ તે કામગીરી પોતાની ફરજમાં આવતી હોવાનું માનીને પૂર્વ કચ્છ કે કચ્છ જિલ્લો જ નહીં પરંતુ ગુજરાત રાજ્યના પોલીસ બેડાનું નામ રોશન કર્યું છે.

બનાસકાંઠાની વતની મહિલા કોન્સ્ટેબલને પ્રશંસાપત્ર અપાય તે માટે પ્રયાસ કરાશે

      કચ્છના રણમાં બીમાર મહિલાને પાંચ કિલોમીટર સુધી પોતાના ખભા પર બેસાડી સલામત સ્થળે પહોંચાડનાર બનાસકાંઠાના વતની રાપર પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન પરમારે કરેલી કામગીરી ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતા ડીઆઈજી જે.આર મોથલીયા, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, ભચાઉના વિભાગીય પોલીસ અધિક્ષક કે.જી. ઝાલા અને રાપર પોલીસ મથકના પી.આઇ એમ.એન રાણાએ બિરદાવી હતી. ભચાઉ ડીવાયએસપીએ નિવેદન આપતા કહ્યું હતું કે મહિલા કોન્સ્ટેબલે કરેલી કામગીરી અતિ ઉત્તમ છે અને તેમને આ માટે પ્રશંસા પત્ર આપવામાં આવે તે માટે પણ ભલામણ કરવામાં આવશે.

Related posts

સમૌ ગામે નવનિર્મિત શહીદ સ્મારક રાષ્ટ્રભક્તિની જાગૃતિનું પવિત્ર સ્થાન બની રહેશે

ApnaMijaj

મહેસાણામાં ટાબરિયાના કામથી લોકો બોલી ઉઠ્યાં, ‘સત્યમ-શિવમ- સુન્દરમ !’

ApnaMijaj

ઊંઝા APMC ચેરમેનની દિલદારી, પાંજરાપોળને આપ્યું…

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!