• કાળથી શરૂ થયેલા ચરસના પેકેટ પકડાવવાનો સિલસિલો હજુ પણ જારી
•સમયાંતરે કચ્છના સાગરકાંઠેથી મળી આવતા ચરસના પેકેટો ક્યાંથી આવે છે તે એક રહસ્ય
રાકેશ કોટવાલ-ભુજ (અપના મિજાજ)
કચ્છના વિશાળ સાગરકાંઠા સ્થળેથી છેલ્લા બે અઢી વર્ષથી કરોડો રૂપિયાના ચરસના પેકેટ સુરક્ષા એજન્સીઓના હાથે લાગ્યા છે. ચરસ મળી આવવાનો સીલસીલો આજદિન સુધી અવિરત ચાલુ રહ્યો છે. કરોડો રૂપિયાનો માલ કચ્છના દરિયાકાંઠે ક્યાંથી આવે છે તે હવે રહસ્ય બની રહ્યું છે. છાશવારે સુરક્ષા એજન્સીના હાથે ચડતા નશીલા પદાર્થોના પેકેટોને લઈ સુરક્ષા એજન્સીઓ રહસ્ય પરથી પરદો હટાવી શકી નથી. બીજી તરફ કચ્છ સીમાવર્તી વિસ્તાર હોઇ પડોશી દેશ પાકિસ્તાન તરફથી કોઈ નાપાક હરકત કરવામાં આવી રહી છે કે શું તે અંગે પણ અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે.
કચ્છના અબડાસા વિસ્તારના સિંધોડી ગામ નજીકના દરિયાકાંઠેથી આજે 20 જેટલા બિનવારસુ ચરસના પેકેટ મળી આવ્યા છે. સ્ટેટ આઇબીના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને કરોડો રૂપિયાના ચરસના 20 પેકેટ હાથ લાગ્યાં હતાં જેમાંથી બે પેકેટ તૂટી ગયેલા હતાં સુરક્ષા એજન્સીએ તમામ પેકેટો કબજે લઇ વધુ તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગેની તપાસ જખૌ મરીન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કચ્છના સાગરકાંઠેથી છાશવારે પકડાતા ચરસના પેકેજને લઈને રહસ્યના તાણા-વાણા સર્જ્યા છે. કરોડો રૂપિયાનું ચરસ ક્યાંથી આવે છે અને કચ્છના સાગરકાંઠા પર કેમ મળી આવે છે તે અંગે અનેક તર્ક-વિતર્ક જાગ્યા છે. જો કે સુરક્ષા એજન્સી સહિતની કોઈપણ એજન્સી આ અંગે મૂળ સુધી પહોંચી શકી ન હોવાનું પણ જાણવા મળ્યું છે.