Apna Mijaj News
"કર મેદાન ફતેહ"

પોલીસ બેડામાં એક જ ચર્ચા… સાલું શું થશે?

SMCમાં નિર્લિપ્ત રાયના આગમન પછી પ્યાસીઓની હાલત અત્યંત કફોડી

સાંજ પડે ‘માલ’ શોધનારા વ્યાકૂળ, પોલીસના ડરે બુટલેગરો ફોન ઉપાડતા નથી

•વેપારી -ગ્રાહક વચ્ચે એક જ સંવાદ… પોલીસ કડક થઇ છે, હમણાં બધું ટાઇટ ચાલે છે

સંજય જાની (અપના મિજાજ)

       રાજ્યભરના જિલ્લા અને તાલુકા વિસ્તારોમાં બુટલેગરો દારૂ સહિતના નશીલા પદાર્થોનો બેરોકટોક વર્ષોથી ધંધો કરી રહ્યા છે. જેમાંથી અમુક સામે કાનૂની રીતે આકરી કાર્યવાહી પણ કરવામાં આવેલી છે. પરંતુ પોલીસની છત્રછાયામાં ઉછરીને નશીલા પદાર્થોના મોટા વેપારી બની ગયેલા બૂટલેગરો સામે હમણાં થોડા દિવસોથી આકરો સકંજો કસાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે જાંબાજ અધિકારી નિર્લિપ્ત રાયની નિમણૂક થતા તેઓ નશાના કારોબારને તહન સહન કરી દેવા તેમજ બુટલેગર તત્વોને નાબૂદ કરવા મેદાને પડયા છે. SMCના વડા તરીકે નિર્લિપ્ત રાયના આગમન પછી રાજ્યભરના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોના બુટલેગરો લુકા છુપી કરી રહ્યા છે. તો અમુક નાના નાના પંટરીયા ફરર…રરર… થઈ ગયા હોવાનું પણ અંતરંગ સૂત્રો જણાવી રહ્યા છે. જોકે અહીં મહત્વની બાબત એ છે કે રાજ્યભરના જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જે તે પોલીસ મથકના વડાઓ પણ સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાયની નિમણૂંક થયા બાદ હરકતમાં આવી ગયા છે અને પોતાના વિસ્તારમાંથી એક ટીપું પણ દારૂનું વિજિલન્સ ટીમ પકડી ન જાય તે માટે દિવસે દોડાદોડી અને રાતના ઉજાગરા કરવા માંડ્યા છે.

       રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી દારૂ તેમજ અન્ય નશીલા પદાર્થોનો વેપાર ધમધોકાર ચાલી રહ્યો હોવાની વાત ગુપ્ત નથી. બુટલેગર તત્વો સરેઆમ દારૂ તેમજ નશીલા પદાર્થોનો વેપાર કરી રહ્યા છે. નશીલા પદાર્થોના વેચાણથી અનેક લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે તો બીજી તરફ શહેરી વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા ભદ્ર તેમજ ઉચ્ચ પરિવારના યુવક-યુવતીઓ નશાના આદી બન્યા હોવાની પણ હવા ઉડી રહી છે. જોકે આ તમામ પરિબળ પાછળ પોલીસની હપ્તાખોરી પણ એટલી જ જવાબદાર હોવાની ચર્ચા સત્યથી વેગળી નથી. કહેવાય છે કે દારૂ તેમજ નશીલા પદાર્થો વેચતા વેપારીઓ એટલે કે બુટલેગરો બિન્દાસ્ત રીતે કહેતા ફરતા હોય છે કે અમે પોલીસને ભરણ ભરીએ છીએ કોઈ અમારો ધંધો રોકી શકે તેમ નથી. જોકે, અનેક જિલ્લા અને તાલુકામાં સમયાંતરે પોલીસ અધિકારીઓ ગેરકાનૂની પ્રવૃત્તિઓ બંધ કરાવી બૂટલેગરો સામે કડક કાર્યવાહી કરતા રહ્યા છે પરંતુ એ ‘ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત’ જેવી બાબત બની રહી છે. જેને લઇને જે તે વિસ્તારના કહેવાતા લિસ્ટેડ બુટલેગરો ફાટીને ધુમાડે ગયા અને નશીલા પદાર્થોના મોટા વેપારી કહેવાવા લાગ્યા છે.
     રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલના અધિક્ષક તરીકેનો હવાલો સંભાળનાર ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાયે પોતાના અસલી “મિજાજ”નો પરચો બતાવ્યો છે. જેને લઇને બુટલેગર તત્વોની મોટી માત્રામાં આર્થિક પડતી થઈ હોવાની ચર્ચા હવે રાજ્યભરમાં ઉઠી છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચોક્કસ જગ્યા ઉપર પોતાનો એરીયા નક્કી કરીને દારૂ સહિતના નશીલા પદાર્થોનું વેચાણ કરતાં લોકો સામે એસએમસીના વડા અને તેમના ચુનંદા અધિકારીઓ સહિતનો સ્ટાફ આકરો તાપ વરસાવી રહ્યાં છે. જેને લઈને થોડા દિવસોથી બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. દારૂ સહિતનો વેપલો બંધ થઈ જતાં નશાખોરોની હાલત પણ બદતર બની ગઇ હોવાની વાત જાણકારો કહી રહ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમની બીકે રાજ્યભરના જિલ્લાની પોલીસ પોતાના તાબાના વિસ્તારમાં કોઈ જ પ્રકારના નશીલા પદાર્થોનું વેચાણ ચલાવી લેવા માગતી ન હોવાની છાપ ઊભી થઈ છે.

પ્યાસીઓની હાલત કફોડી, બુટલેગરો ફોન ઉપાડતા નથી

       પ્રવર્તમાન સમયમાં પડી રહેલી કુદરતી ગરમી જેટલો જ ‘પ્રકોપ’ જે તે જિલ્લાની પોલીસ નશીલા પદાર્થો વેચતા બૂટલેગરો સામે બતાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરના જિલ્લામાં દારૂ તેમજ અન્ય નશીલા પદાર્થો લોકોને મળતા બંધ થઇ ગયા છે. જેને લઇને પ્યાસીઓની હાલત કફોડી બની છે. એટલું જ નહીં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાના ડરે પોલીસે એટલી હદે ધાક જમાવી છે કે બુટલેગરો તેમના નિયમિત ગ્રાહકોના પણ ફોન ઉપાડવાનું ટાળી રહ્યાં હોવાનું અંતરંગ સૂત્રો કહી રહ્યા છે.

હમણાં બધું ટાઇટ ચાલે છે, માલ મળતો નથી આવા સંવાદ સંભળાય છે.

      સ્ટેટ મોનિટરિંગ સેલના વડા બુટલેગર તત્વો સામે પોતાનો આકરો મિજાજ અખત્યાર કરી યુવાધનને નશાની લતમાંથી બહાર લાવવા સંપૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી રહ્યા હોવાની ચર્ચા ભદ્ર તેમજ ઉચ્ચ પરિવારમાં ઉઠી છે. બીજી તરફ દારૂ પીનારા તત્વો બુટલેગરોનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરે પરંતુ બુટલેગરો તેમનો ફોન ઉપાડતા નથી એટલે કહેવાય છે કે વ્યાકુળ બનેલો પિયકકડ બુટલેગરના આંગણા સુધી પણ ‘માલ’ લેવા પહોંચી જાય છે. પરંતુ અહીં બુટલેગર દ્વારા “વિજિલન્સમાં નવા આવેલા સાહેબ બહુ જ કડક છે, હમણાં બધું ટાઇટ ચાલે છે, માલ આવતો જ નથી” આવું બોલીને બુટલેગરો પણ નશાખોર ગ્રાહકોને પાછા વાળી રહ્યા હોવાની વાત જાણકારો કરી રહ્યા છે.

રાજ્યભરમાં પોલીસની ઉંઘ હરામ, ધંધાર્થીઓને પકડી પાડવા બાતમીદારો વધાર્યા

        રાજ્યભરના જિલ્લાઓમાં કાર્યરત જે તે પોલીસ મથકના વડાઓ દ્વારા વિજિલન્સની ટીમ પોતાના વિસ્તારમાંથી દારૂ જુગારનો કેસ ન કરે અને પોતે વધેરાઈ ન જાય તેનું સતત ધ્યાન રાખતા થઇ ગયા છે. એટલું જ નહીં તેઓએ પણ દારૂ જુગારની પ્રવૃત્તિ બંધ કરાવી દેવા માટે ધોકા પછાડવાની શરૂઆત કરી દીધી છે. પોતાના વિસ્તારમાં આવી ને વિજિલન્સની ટીમ ખેલ ના પાડી જાય તે માટે તેઓએ ગામડે ગામડે તેમજ ગલીએ-ગલીએ પોતાના બાતમીદારો વધારી દીધા છે અને દારૂ જુગારની માહિતી એકત્રિત કરવાની કામગીરી પણ વધારી દઇને દેશી વિદેશી દારૂ પકડી પાડી પોતાની પીઠ થાબડવા માટે પણ કમર કસી લીધી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

•બુટલેગરો ઉપર નભતાં બોગસિયા પત્રકારોની પણ ‘રોકડી’ ઉપર રોક લાગી ગઈ

       જાણકાર સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ તેમજ જુગારની ક્લબ ચલાવતા લોકો પાસેથી પોતે પત્રકાર હોવાનું કહી રોજીંદી કે માસિક રીતે હપ્તારૂપી આવક રળી ખાતા હતા તેવા બોગસિયા પત્રકારોની પણ કાળી કમાણી ઉપર રોક લાગી ગઈ છે. એક હવા એવી પણ ઉડી છે કે કહેવાતા બોગસિયા પત્રકારો કે જેઓ પત્રકારનો “પ” પણ જાણતા નથી અને હાથમાં ભૂંગળું લઇ mobile phone વડે દેશી- વિદેશી દારૂના અડ્ડા ઉપર વિડીયોગ્રાફી કરી પોતાની હરામની રોજી રળી ખાતા હતા તે લોકો પણ વિજિલન્સમાંથી નિર્લિપ્ત રાય ક્યારે જાય અને ધંધાને મોકળાશ મળે તો પોતાના ઘરની રોટલી શેકાય તેવા સપના પણ જોઈ રહ્યા છે.

Related posts

ઊંઝા પોલીસ ચોરી કેસમાં ‘વિજયી’ ભવ:

ApnaMijaj

ગાંધીનગર અભયમ બની અબળાની રક્ષક

ApnaMijaj

પોલીસના આ ‘સિપાહી’ને પણ સલામ!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!