Apna Mijaj News
નમે તે સૌને ગમે

આખરે ભાજપાના “ભાઉ” ઝૂક્યા… જયશ્રી કૃષ્ણ

સંજય જાની (અપના મિજાજ)

      પોરબંદરના માધવપુરનો ઐતિહાસિક લોકમેળો શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગની ઝાંખી કરાવે છે. આ મેળામાં પહોંચી ગયેલા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે પોતાના વક્તવ્યમાં ભાંગરો વાટયો હતો. વક્તવ્યની શરૂઆતમાં એમણે કૃષ્ણ અને રુકમણીના બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું બોલ્યા હતા. સંબોધન વચ્ચે જ એક કાર્યકર સ્ટેજ પર આવી કંઈ કાનમાં કહીને ગયા બાદ પાટીલે રુકમણીનો ઉલ્લેખ કર્યો હતો. પાટીલે કૃષ્ણ અને રુકમણીના બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયું હોવાનું નિવેદન આપતા રાજકીય આગેવાનો તેમજ અન્ય લોકોએ ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનું કહી પાટીલ માફી માંગે તેવી માગણી કરી હતી. જોકે કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડીયાએ તો એમ પણ કહ્યું હતું કે ‘કૃષ્ણ અને સુભદ્રાનો સંબંધ જેને ખબર નથી તે હિન્દુ ધર્મના ઠેકેદાર બનીને ફરે છે’.

    માધવપુરના મેળામાં લાખોની જનમેદની વચ્ચે સ્ટેજ ઉપર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીને પતિ પત્ની બનાવીને ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાવ્યું છે. તેમના આ વક્તવ્યથી ધાર્મિક લાગણી દુભાઈ છે. જેને લઇને કોંગ્રેસના આગેવાન અર્જૂન મોઢવાડિયાએ પણ પાટીલ માફી માંગે તેવી માગણી કરી હતી. જો કે પાટીલના નિવેદન બાદ અનેક લોકોએ પાટીલને મોબાઈલ ફોન કરી તેમને માફી માંગવા કહ્યું હોવાની ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ છે. લોકોએ પાટીલના વક્તવ્યની વીડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયાની વિવિધ સાઇટો પર ફરતી મૂકી છે. પોતાના વક્તવ્યથી લોકોનો વધતો વિરોધ જોઇ પાટીલે એક વિડીયો સોશિયલ મીડિયા સાઇટ પર જાહેર કરી પોતાનાથી ભૂલ થઈ ગઈ હોવાનો એકરાર કરી માફી માગી છે. ઉપરાંત તેઓએ વીડીયોમાં કહ્યું છે કે તેઓ પોતાની અનુકુળતાએ દ્વારકાધામ જઈને પણ માફી માગી લેશે.

 

Leave a Comment

error: Content is protected !!