Apna Mijaj News
ઘોર બેદરકારી

કલોલની જનતા ભલે જાય ખાડામાં.. ઝંડા ઊંચા રહે હમારા

છેલ્લા એક અઠવાડિયાથી પથ્થરોની આડસ મુકાઈ હતી

હવે ક્યાંકથી તૈયાર ઢાંકણું ઉઠાવી લાવી મૂકી દેવાયું છે

લેવલ કરવામાં નહીં આવતા કોઈ વાહન ઉપર ચડી જાય તેવી સ્થિતિ

સંજય જાની (અપના મિજાજ)

      કલોલ પાલિકા છેલ્લા કેટલાક સમયથી વિવાદાસ્પદ રીતે શાસન ચલાવી રહી હોય તેવી છાપ ઉપસી રહી છે. શહેરમાં નવા બનાવવામાં આવેલા આર.સી.સી.રોડમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની અનેક ફરિયાદો વચ્ચે હવે પાલિકાનું તંત્ર લોકોને ગટરના ખાડામાં નાંખવા માગતું હોય તેવા દ્રશ્ય અનેક વિસ્તારમાં દેખાઈ રહ્યા છે. બોરીસણા ગરનાળા પાસે છેલ્લા એક અઠવાડિયાથી ગટરનું ઢાંકણું તૂટી ગયું છે. જેને માત્ર પથ્થરની આડસો આપીને મૂકી રખાયા બાદ પાલિકાના સત્તાધીશો ક્યાંકથી ઢાંકણુ ઉઠાવીને ત્યાં મૂકી ગયા છે પરંતુ કોઈ લેવલ નહીં કરાતાં અહીંથી હજારોની સંખ્યામાં પસાર થતા ફોરવીલ અને  દ્વિચક્રી વાહન ચાલકો ઢાંકણા પર ચડી જાય તો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

        શહેરના બોરીસણા ગરનાળા પાસે છેલ્લા એક અઠવાડિયાથી ગટરનું ઢાંકણું તૂટી ગયું છે. ગટરના ખાડામાં કોઈ વાહનચાલકે રાહદારીને ન પડી જાય તે માટે કોઈ સેવાભાવી લોકોએ પથ્થરો મૂકી ભયજનક સંજ્ઞા આપી દીધી છે. એટલું જ નહીં તે સંજ્ઞા ઉપર ભાજપનો ઝંડો ગાળી દઈ સંભવત જનતા ભલે જાય ખાડામાં પણ ઝંડા ઊંચા રહે હમારા જેવું સૂત્ર પાલિકાના સત્તાધીશો અહીં આપી રહ્યા છે. ખાડા અંગે કોઈ નાગરિક દ્વારા કદાચ પાલિકાના સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યું હશે અને તેઓ ક્યાંકથી ગટરનું સિમેન્ટનું ઢાંકણું ઉઠાવીને ત્યાં મૂકી ગયા છે. પરંતુ તેને ગટરના ખાડામાં સરખું ફીટીંગ કરી લેવલીંગ નહિ કરવામાં આવતા ઢાંકણા ઉપર કોઈ વાહનનું પૈડું અથવા તો કોઇ રાહદારી અડફેટે ચડી જાય તો મોટો અકસ્માત થાય તેવી ભીતિ સર્જાઇ છે. જોકે આ બાબતે નગરમાં એક ચર્ચા એવી ચાલી છે કે પાલિકાના સત્તાધીશો તેમ જ અહીંના કોન્ટ્રાક્ટરો માલ મલાઈ ખાવામાં રચ્યા પચ્યા રહે છે. તેઓને જનતાનું ભલુ થાય તેમાં કોઈ જ રસ નથી. નરી વાસ્તવિકતા એ પણ છે કે નગરના અનેક વિસ્તારમાં આવા ગટરના કેટલાંય ઢાંકણા તૂટેલા પડ્યા છે અને લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

ગટર ઉપર ભાજપનો ઝંડો પાલિકામાં વિકાસ ગાંડો થયો હોવાની સાબિતી આપે છે?!

         બોરીસણા ગરનાળા પાસે છેલ્લા એક અઠવાડિયાથી ગટરનું ઢાંકણું તૂટી ગયું છે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે યા તો આવનારા દિવસોમાં બની શકે તેવી શક્યતા રહેલી છે. પરંતુ અહીં કોઈએ ભયજનક સંજ્ઞાનો થાંભલો ઉભો કરી તેમાં ભાજપનો ઝંડો ગાળી દીધો છે. જે સાબિત કરે છે કે કલોલ પાલિકામાં ભાજપનું શાસન છે અને પાલિકા વિસ્તારમાં વિકાસ ગાંડો થયો છે લોકો ભલે ખાડામાં પડે પરંતુ અમારો વિકાસ થવો જોઇએ. ગટર સંબંધિત કામ કરતી કોન્ટ્રાક એજન્સીને પણ માત્ર માલ મલાઈ ખાવામાં જ રસ છે. પાલિકા વિસ્તારમાં આવા તો કેટલાય ગટરના ઢાંકણા તૂટેલા પડ્યા છે પરંતુ તે રીપેર કરવા માટે પાલિકાના સત્તાધીશો પાસે સમય નથી. જેને લઇને જનતા પાલિકાના સત્તાધીશો પ્રતિ ભારે રોષ વ્યક્ત કરી રહી છે.

Leave a Comment

error: Content is protected !!