•આધારકાર્ડ સંબંધિત કામગીરી કરાવવા આવતા લોકોના દસ્તાવેજો રેઢા મૂકી દેવાય છે
•ઓળખના દસ્તાવેજો રઝડતા હોઈ તેનો દુરુપયોગ થવાની સંભાવના
•સંચાલકોની બેદરકારીથી અરજદારોને કાનૂની પ્રક્રિયાનો ભોગ બનવું પડે તો નવાઈ નહીં
સંજય જાની (અપના મિજાજ)
કલોલ નગરપાલિકા કચેરીની નીચે આવેલા આધાર કાર્ડ સેન્ટરમાં કામગીરી અર્થે આવતાં અરજદારો પાસેથી તેમના અન્ય ઓળખપત્રોના દસ્તાવેજોની ઝેરોક્ષ માગવામાં આવતી હોય છે. જે બાદ સેન્ટરના સંચાલકો અરજદારોની અરજી મુજબની કામગીરી કરતા હોય છે. પરંતુ અહીંના આધાર કાર્ડ સેન્ટર માં અરજદારો દ્વારા આપવામાં આવતા ઓળખકાર્ડના ઝેરોક્ષના દસ્તાવેજો સેન્ટરના સંચાલકો દ્વારા કચરાની જેમ જ ઢગલો કરીને ફેંકી દેવામાં આવતા હોઈ તે દસ્તાવેજો કોઈ લેભાગુ ના હાથ ચડી જાય તો તેનો દુરુપયોગ થવાની સંભાવના જોવાઈ રહી છે.
પાલિકા કચેરીની નીચે આવેલા આધાર કાર્ડ સેન્ટરમાં આવતા અરજદારો પાસેથી તેમના અન્ય ઓળખના આધાર પુરાવાની ઝેરોક્ષ સંચાલકો દ્વારા લેવામાં આવતી હોય છે. જે બાદ તે ઝેરોક્ષ ઢગલો કરીને એકબાજુ સાઈડમાં મુકી દેવામાં આવતી હોય છે. અરજદારોના મહત્વના ઓળખ કાર્ડના પુરાવા આમ આધાર કાર્ડ સેન્ટરના સંચાલકો દ્વારા રેઢા ફેંકી દેવામાં આવતા હોઈ કોઈ લેભાગુ તત્વો તે ઓળખકાર્ડના ઝેરોક્ષની ઉઠાંતરી કરી કોઈ જગ્યાએ તેનો દુરુપયોગ કરે તેવી સંભાવના રહેતી હોઈ જે તે અરજદારને સંભવત કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી થઈ જવાનો ભય સતાવી રહ્યો છે. જેને લઇને અરજદારને કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે તેમ છે. આધારકાર્ડ સેન્ટરના સંચાલકો ની બેદરકારી કોઈ સીધાસાદા અરજદારને મોટી મુશ્કેલીમાં મૂકી દે તે પહેલા જે તે અરજદારના ઓળખકાર્ડના આધાર પુરાવા તેને પરત કરી દેવા જોઇએ અથવા તો તેનો નાશ કરી દેવો જોઇએ તેવી માગણી ઉઠી છે.
•લેભાગુ પુરાવાથી મોબાઈલ સીમકાર્ડ ખરીદે અથવા તો અન્ય કંઇ પણ કરી શકે
આધાર કાર્ડ સેન્ટરમાં અરજદારોના રખડતાં ઓળખકાર્ડના આધાર પુરાવાથી કોઈ લેભાગુ તત્વ મોબાઈલનું સીમ કાર્ડ ખરીદી લે અથવા તો અન્ય કોઇ જગ્યાએ તે દસ્તાવેજનો ઉપયોગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે તો મૂળ સીધાસાદા અરજદારને ભોગવવાનો વારો આવી શકે તેમ છે. આમ આધારકાર્ડ સેન્ટરના સંચાલકોની બેદરકારી કોઈ નિર્દોષને કાયદાકીય રીતે ફસાવી શકે તેમ હોવાથી જે તે જવાબદાર અધિકારી તેમજ પોલીસ પ્રશાસને પણ આ બાબતે આધારકાર્ડ સેન્ટરના સંચાલકોની બેદરકારી સામે જરૂરી પગલાં ભરવા જોઈએ તેવી માગણી ઉઠી છે.