સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે નિર્લિપ્ત રાયની નિયુક્તિ થયા બાદ રાજ્યભરના પોલીસબેડામાં ભારે હલચલ જોવા મળી રહી છે. ગત દિવસે એટલે કે રામનવમીના સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મહેસાણા જિલ્લામાં એક જ દિવસમાં બે સ્થળે દરોડા પાડી મોટી માત્રામાં દારૂ પકડી પાડતાં સંબંધિત પોલીસ મથકના જવાબદાર અધિકારીઓ દોડતા થયા છે. એટલું જ નહીં નિર્લિપ્ત રાયની ધાક એવી તો પોલીસ બેડામાં પ્રસરી છે કે રાજ્યના તમામ જિલ્લા, તાલુકા સહિતના પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ પોતાના વિસ્તારમાંથી એક ટીપુ પણ દારૂનું સ્ટેટસ વિજિલન્સની ટીમ ન પકડી જાય તે માટે દિવસે દોડાદોડી અને રાતના ઉજાગરા કરવા માંડ્યા છે. એટલું જ નહીં સ્ટેટ મોનિટરિંગ સેલના વડા એક્સલ મોડ માં આવ્યા અને જ્યારથી તેઓએ દારૂ-જુગાર અંગેની માહિતી મેળવવા માટે whatsapp નંબર જાહેર કર્યો છે ત્યારથી બુટલેગરોની પણ ઊંઘ હરામ થઇ ગઇ છે અને તેઓએ ધંધો બદલી દેવાનું મન મનાવી લીધું હોવાનું જાણકાર સૂત્રો કહી રહ્યા છે.
મહેસાણામાં ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સની ટીમે ગઈકાલે રવિવારે એટલે કે રામનવમીના દિવસે નંદાસણ અને બાવલુ પોલીસ મથકની હદમાં વિદેશી દારૂ સંબંધિત દરોડા પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. સ્ટેટ વિજિલન્સ ટીમના સફળ દરોડાથી જિલ્લાભરમાં આવેલા પોલીસ મથકના અધિકારીઓ -કર્મચારીઓ હરકતમાં આવ્યા છે. જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક પોલીસ મથકોએ અથવા તો ડાયલ 100 ઉપર કોઈ વ્યક્તિ દારૂ જુગાર અંગેની વિગતો આપે એટલે એક પળનો પણ વિલંબ કર્યા વગર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સંબંધિત જગ્યા પર દોડવા લાગ્યા છે. એટલું જ નહીં ફરિયાદીએ આપેલી વિગતોના સ્થળે પહોંચ્યા બાદ પોલીસ અધિકારી કે કર્મચારી તહોમત મુજબની જે હકીકત મળે તે આ અંગે કાનૂની કાર્યવાહી કરી રહ્યા છે. આવી જ એક કાર્યવાહી આજે મહેસાણા શહેર ‘એ’ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.
મહેસાણા ‘એ’ ડિવિઝન પોલીસ મથકના પી.એસ.ઓ. ભરતભાઈ નારણભાઈએ લોકરક્ષક નિકુંજકુમાર ભોગીલાલને જિલ્લા પોલીસ કંટ્રોલના ડાયલ 100 નંબરની સવારે આઠ વાગે આવેલી વર્ધીના આધારે સુચના આપતા લોક રક્ષક મોબાઈલ ઇનચાર્જ એએસઆઇ અરવિંદગીરી બળદેવગીરી, કોસ્ટેબલ મહેશભાઈ દેવજીભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ શહેરના અમરપુરા રેલવે ફાટક નજીક બાલાજી સોસાયટી ના પાછળના ભાગે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વિધવા નંદુબેન પ્રધાનજી ઠાકોરના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન તેઓએ પાંચ લીટર દેશીદારૂ કિંમત રૂપિયા 100નો કબજે લઇ વિધવા મહિલા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી મુદ્દામાલ કબજે કરી કાનૂની કાર્યવાહી કરી હતી.