ગાંધીનગર ગુના શોધક શાખાની ટીમે અડાલજ પાસેથી માણસા ૫૧ કી.મી સુધી એક કારનો પીછો કરી 33 પેટી જેટલો દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જ્યારે બીજો શખ્સ પોલીસને થાપ આપી ભાગી છૂટ્યો હતો. પોલીસે કુલ રૂ.7.70 લાખનો મુદ્દામાલ કબજે કરી ભાગી છૂટેલા શખ્સ અને “માલ”ભરી આપનાર વ્યક્તિને પકડી પાડવા માટે પગેરૂં દબાવ્યું છે.
ગાંધીનગર સ્થાનિક ગુનાશોધક શાખાના પી.આઈ. જે.એચ. સિંધવના માર્ગદર્શન તળે તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મહેસાણા કલોલ- અડાલજથી અમદાવાદ એક s-cross ગાડી દારૂ ભરીને નીકળી રહી છે તેવી બાતમી મળી હતી. બાતમી આધારે સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે અડાલજ ત્રિમંદિર પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ભાતની વાડી ગાડી દેખાતા તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો પરંતુ ચાલકે કાર અમદાવાદના બદલે ગાંધીનગર તરફ વાળી દઈ તેજ ગતિમાન દોડાવી દીધી હતી. જોકે પોલીસ ટીમે કારનો પીછો શરૂ કરી દીધો હતો. પોલીસથી બચવા ચાલકે કાર માણસા તરફ દોડાવી હતી જ્યાં પુંધરા ગામ નજીક કાર એક ઝાડ સાથે અથડાઇ થોભી હતી. દરમિયાન કારમાં સવાર બે શખ્સો બાજુની વનરાજીમાં ભાગી છૂટયા હતા. જોકે પોલીસે તેમનો પીછો કરી એક શખ્સને પકડી લીધો હતો બીજો ભાગવામાં સફળ રહ્યો હતો.
•દારૂની ખેપ મારવા આવેલા બંને શખ્સો રાજસ્થાનના રહેવાસી
સ્થાનિક ગુના શોધક શાખાની ટીમના હાથે પકડાઈ ગયેલા શખ્સની પોલીસે પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સુરેશ મોહનભાઈ સરગડા રહે.ડોહુવા, સિરોહી રાજસ્થાન તેમજ ભાગી છૂટેલા શખ્સનું નામ નરપતસિંહ રહે.ગીરવર, સિરોહી હોવાનું જણાવ્યું હતું. આકરી પૂછપરછમાં તેણે કહ્યું હતું કે કારમાં વિદેશી પ્રકારનો ભારતીય બનાવટનો 33 પેટી તેમજ 160 નંગ છૂટક દારૂનો જથ્થો રવાના અશોક ઉર્ફે અશ્વિન રૂપારામ પ્રજાપતિએ નરપતસિંહને ભરી આપ્યો હતો.
•“માલ” અમદાવાદના અલ્તાફ કઠિયારાને પહોંચાડવાનો હતો
ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર વિદેશી દારૂની હેરફેર પર બાજનજર રાખવા તેમજ પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે જેના પગલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેના ફળ સ્વરૂપે રાજસ્થાનથી દારૂ ભરીને આવતી કાર એલસીબીની ટીમે પકડી પાડી છે. કાર સાથે પકડાયેલા શખ્સે આપેલી વિગત મુજબ દારૂનો જથ્થો અમદાવાદ શાહપુર ના અલ્તાફ અમદાવાદ રીંગરોડ ઉપર પહોંચી ફોન કરીને આપવાનો હતો.
•પોલીસે કુલ 7.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
અડાલજ થી 51 કિલો મીટર માણસા સુધી કારનો પીછો કરી એલસીબીની ટીમે મોટી માત્રમાં દારૂનો જથ્થો પકડી પાડયો છે. પોલીસે પકડાયેલા શખ્સ પાસેથી બે મોબાઇલ ફોન તેમજ કાર મળી કુલ રૂ. 7.70 લાખનો મુદ્દામાલ કબજે લઇ ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.