•શહેર પોલીસમાં મહિલા P. I.ના આગમન પછી પ્યાસીઓની પણ હાલત કફોડી
•સાંજ પડે ‘માલ’ શોધનારા વ્યાકૂળ, પોલીસની બીકે બુટલેગરો ફોન ઉપાડતા નથી
•વેપારી અને ગ્રાહક વચ્ચે એક જ સંવાદ.. મેડમ કડક છે હમણાં બધું ટાઇટ ચાલે છે
સંજય જાની (અપના મિજાજ)
પાટનગરના મહત્વના તાલુકા મથક કલોલમાં ગણ્યાગાંઠ્યા લીસ્ટેડ બુટલેગરો દારૂ સહિતના નશીલા પદાર્થોનો બેરોકટોક વર્ષોથી ધંધો કરી રહ્યા છે. જેમાંથી એકાદ બે સામે કાનૂની રીતે આકરી કાર્યવાહી પણ કરવામાં આવેલી છે. પરંતુ પોલીસની છત્રછાયામાં ઉછરીને નશીલા પદાર્થોના મોટા વેપારી બની ગયેલા બૂટલેગરો સામે હમણાં થોડા દિવસોથી આકરો સકંજો કસાયો છે. શહેર પોલીસ મથકમાં ખાખી પહેરી આવેલા મહિલા પોલીસ અધિકારી ખરા અર્થમાં “મર્દાની” બની બુટલેગર તત્વોને નાબૂદ કરવા મેદાને પડયા છે. પોલીસ ઇન્સ્પેક્ટર યુએસ પટેલના આગમન પછી છેલ્લા એકાદ મહિનાથી શહેરના બુટલેગરો લુકા છુપી કરી રહ્યા છે. તો અમુક નાના નાના પંટરીયા ફરર…રરર… થઈ ગયા હોવાનું પણ અંતરંગ સૂત્રો જણાવી રહ્યા છે.
કલોલ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી દારૂ તેમજ અન્ય નશીલા પદાર્થોનો વેપાર ધમધોકાર ચાલી રહ્યો હોવાની વાત ગુપ્ત નથી. બુટલેગર તત્વો સરેઆમ દારૂ તેમજ નશીલા પદાર્થોનો વેપાર કરી રહ્યા છે. નશીલા પદાર્થોના વેચાણથી અનેક લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે તો બીજી તરફ શહેરી વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા ભદ્ર તેમજ ઉચ્ચ પરિવારના યુવક-યુવતીઓ નશાના આદી બન્યા હોવાની પણ હવા ઉડી રહી છે. જોકે આ તમામ પરિબળ પાછળ પોલીસની હપ્તાખોરી પણ એટલી જ જવાબદાર હોવાની ચર્ચા સત્યથી વેગળી નથી. કહેવાય છે કે દારૂ તેમજ નશીલા પદાર્થો વેચતા વેપારીઓ એટલે કે બુટલેગરો બિન્દાસ્ત રીતે કહેતા ફરતા હોય છે કે અમે પોલીસને ભરણું ભરીએ છીએ કોઈ અમારો ધંધો રોકી શકે તેમ નથી. જોકે અહીં સમયાંતરે આવેલા પોલીસ અધિકારીઓ ગેરકાનૂની પ્રવૃત્તિઓ બંધ કરાવી બૂટલેગરો સામે કડક કાર્યવાહી કરતા રહ્યા છે પરંતુ એ ‘ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત’ જેવી બાબત બની રહી છે. જેને લઇને અહીંના ગણ્યાગાંઠ્યા કહેવાતા લિસ્ટેડ બુટલેગરો ફાટીને ધુમાડે ગયા અને નશીલા પદાર્થોના મોટા વેપારી કહેવાવા લાગ્યા છે.
કલોલ શહેર પોલીસ મથકમાં છેલ્લા એકાદ મહિનાથી આવેલા યુવા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ઉન્નતિ એસ. પટેલે અહીંના બૂટલેગરો સામે ગોહિલવાડી “મિજાજ” નો મોરચો બતાવ્યો છે. જેને લઇને બુટલેગર તત્વોની મોટી માત્રામાં આર્થિક પડતી થઈ હોવાની ચર્ચા હવે સરેઆમ શહેરભરમાં ઉઠી છે. શહેરી વિસ્તારમાં ચોક્કસ જગ્યા ઉપર પોતાનો એરીયા નક્કી કરીને દારૂ સહિતના નશીલા પદાર્થોનું વેચાણ કરતાં લોકો સામે શહેર પીઆઈ અને તેમનો ડિટેકશન સ્ટાફ આકરો મિજાજ દાખવી રહ્યો છે. એને લઈને થોડા દિવસોથી બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. દારૂ સહિતનો વેપલો બંધ થઈ જતાં નશાખોરોની હાલત પણ બદતર બની ગઇ હોવાની વાત જાણકારો કહી રહ્યા છે. શહેરી વિસ્તારમાં પોલીસ કોઈ જ પ્રકારના નશીલા પદાર્થોનું વેચાણ ચલાવી લેવા માગતી ન હોવાની છાપ ઊભી થઈ છે.
•પ્યાસીઓની હાલત કફોડી, બુટલેગરો ફોન ઉપાડતા નથી
પ્રવર્તમાન સમયમાં પડી રહેલી કુદરતી ગરમી જેટલો જ ‘પ્રકોપ’ શહેર પોલીસ નશીલા પદાર્થો વેચતા બૂટલેગરો સામે બતાવી રહી છે. જેને લઇને છેલ્લા એકાદ મહિનાથી શહેરમાં દારૂ તેમજ અન્ય નશીલા પદાર્થો લોકોને મળતા બંધ થઇ ગયા છે. જેને લઇને પ્યાસીઓની હાલત કફોડી બની છે. એટલું જ નહીં શહેર પોલીસે એટલી હદે ધાક જમાવી છે કે બુટલેગરો તેમના નિયમિત ગ્રાહકોના પણ ફોન ઉપાડવાનું ટાળી રહ્યાં હોવાનું અંતરંગ સૂત્રો કહી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો એમ પણ કહેવાય છે કે શહેરમાં ક્યાંક ક્યાંક એકાદ છુટ્ટકીયો વેપારી પોલીસના ખૌફ વચ્ચે દોઢા ભાવે દારૂની બોટલ ગ્રાહક સાચવવા સાહસ ખેડી લે છે.
•મેડમ’કડક’છે, હમણાં બધું ટાઇટ ચાલે છે, માલ મળતો નથી સંભળાય છે આવા સંવાદ
શહેર પોલીસ મથકના પી.આઇ બુટલેગર તત્વો સામે પોતાનો આકરો મિજાજ અખત્યાર કરી યુવાધનને નશાની લતમાંથી બહાર લાવવા સંપૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી રહ્યા હોવાની ચર્ચા ભદ્ર તેમજ ઉચ્ચ પરિવારમાંઉઠી છે. બીજી તરફ દારૂ પીનારા તત્વો બુટલેગરોનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરે પરંતુ બુટલેગરો તેમનો ફોન ઉપાડતા નથી એટલે કહેવાય છે કે વ્યાકુળ બનેલો પિયકકડ બુટલેગરના આંગણા સુધી પણ ‘માલ’ લેવા પહોંચી જાય છે. પરંતુ અહીં બુટલેગર દ્વારા “મેડમ બહુ જ કડક છે, હમણાં બધું ટાઇટ ચાલે છે, માલ આવતો જ નથી” આવું બોલીને બુટલેગરો પણ નશાખોર ગ્રાહકોને પાછા વાળી રહ્યા હોવાની વાત જાણકારો કરી રહ્યા છે.