Apna Mijaj News
અંતરની વ્યથા

મહેસાણા ઘરડાઘરના સંચાલકોનો આત્મા મરી પરવાર્યો

અંજારના આશ્રિત વૃદ્ધને સંસ્થામાંથી બહાર કાઢી મુકાયા

સંસ્થાના નામે ચાલતી લાલીયાવાડી સામે શહેરના યુવાનો આગ બબુલા

દર દર ભટકી ભીક્ષા માગીને પેટનો ખાડો પૂરતા વૃદ્ધની સહારે આવ્યા યુવાનો

સંજય જાની (અપના મિજાજ)

         મહેસાણામાં ચાલતી વૃદ્ધો માટેની આશ્રિત સંસ્થામાં અનેક લાચાર ‘માવતરો’ પોતાની પાસે રહેલા જીવનના યેનકેન પ્રકારે દિવસો કાપી રહ્યા છે. માવતરોને પેટના જણેલા લોકોએ તો ઠોકર મારી દીધી અને અહીંની ઘરડાઘર સંસ્થામાં મોકલી દીધા. સંસ્થાનું નામ પણ કેવું રૂપકડું….”સ્નેહ કુટીર” ! પણ અહીં સ્વજનોથી તરછોડાયેલા માવતરોને સાચા અર્થમાં સ્નેહ મળે છે કે નહીં? તેની સંભવત કોઈએ પૂછા કરી નહીં હોય, પરંતુ હા, સ્વજનોના હાથે જ દોજખ ભરી જીંદગી વિતાવતા માવતરોને મહેસાણાની ઘરડાઘર સંસ્થામાં સંચાલકો “સ્નેહ”નથી આપતા તેવી હકીકત જાહેર કરતી બાબત મહેસાણા શહેરના યુવાનોએ સોશિયલ મીડિયામાં વહેતી કરી છે. યુવાનોની આ કામગીરી કાબિલેદાદ કહેવાઈ શકે, કારણ કે તેઓએ વૃદ્ધાશ્રમોના નામે સંસ્થાઓ ઊભી કરી સરકાર તેમજ સમાજમાં પોતે કોઈ મહાન કાર્ય કરતા હોય તેવી છબી ઉભી કરી વાઈટ કોલર બનીને ફરતા દંભી સંચાલકોની પરદા પાછળની હકીકત ઉજાગર કરી છે. મહેસાણાના નાગલપુર ગામ નજીકના હનુમાન મંદિર પાસે આવેલી સ્નેહ કુટીર સંસ્થાના સંચાલકોનો મરી ગયેલા આત્માના કૂદર્શન કરવા માટે અહીંથી હાંકી કઢાયેલા વૃદ્ધ “માવતર” ની દર્દનાક આપવીતી કાફી છે.

        મહેસાણા શહેરની ભાગોળે આવેલા નાગલપુર ગામ પાસે હનુમાનજી મંદિર નજીક આવેલી સ્નેહ કુટીર નામની ઘરડાઘર એટલે કે વૃદ્ધાશ્રમમાં પોતાના સ્નેહીજનોએ જ તરછોડી દીધેલા અનેક વડીલો આશરો લઇ રહ્યા છે. કહેવાય છે કે આશ્રિત વડીલોના સગા સંબંધી પાસેથી સંસ્થાના સંચાલકો તેમનો નિભાવ ખર્ચ મેળવીને તેમને સાચવી રહ્યા છે. પરંતુ ચર્ચા એવી પણ છે કે ઘરડાઘરના સંચાલકો પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા સમાચાર માધ્યમોનો આશરો નથી લેતાં તેની પાછળનું કારણ પણ ચોંકાવનારું જાણવા મળ્યું છે.
       એક ચર્ચા મુજબ કહેવાય છે કે જો કોઈ સમાચાર માધ્યમના પત્રકાર સંસ્થામાં જાય અને તેની સારી કામગીરી અંગે વિગત મેળવે તો સંસ્થા દ્વારા કરવામાં આવતી સારી કહેવાતી કામગીરીની પાછળ ચાલતી લાલીયાવાડી પણ સામે આવી શકે તેમ છે. જેના કારણે સંસ્થાના સંચાલકો સમાચાર માધ્યમોથી દૂર ભાગતા રહ્યા છે.
       મહેસાણા સ્થિત સ્નેહ કુટીર સંસ્થામાં આશરો લઇ રહેલા કચ્છ જિલ્લાના અંજારના એક વડીલને તેમના પરિવારજનો અહીં મૂકી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. પરિવારજનોએ વડીલને સાચવવા માટે જે કંઈ ખર્ચ થાય તે સંસ્થાને ચુકવી દીધો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી વડીલના પરિવારજનો બે ત્રણ મહિનાનો ખર્ચ ચૂકવી નથી શક્યા એટલે સંસ્થામાંથી સંચાલકોએ વૃદ્ધને કાઢી મૂક્યા છે અને અત્યારે તે વૃદ્ધ મહેસાણામાં દર દરની ઠોકરો ખાઈ ભીખ માગીને પોતાના પેટનો ખાડો પૂરી રહ્યા છે.

સેવા ભાવી યુવાનોની નજર પડી અને વડીલ માવતરની આંતરડી ઠરી

     “સ્નેહ કુટીર” સંસ્થાના કહેવાતા સેવાભાવી સંચાલકો ચાવવાના જુદા અને દેખાડવાના જુદા રાખતા હોવાની વાસ્તવિકતા સમાજ સામે ઉઘાડી પડી છે. અંજારના વયોવૃદ્ધ માવતરને સંસ્થામાંથી તરછોડી દેનાર સંચાલકો સામે મહેસાણા શહેર જ નહીં સમગ્ર ઉત્તર ગુજરાતના ‘દયાવાન’લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. મહેસાણામાં દર દર ભટકી માત્ર ને માત્ર પેટનો ખાડો પૂરવા માટે લોકો સામે હાથ ફેલાવનાર વૃદ્ધ ઉપર અહીંના સેવાભાવી યુવાનોની નજર પડી અને યુવાનોએ તરછોડાયેલા વૃદ્ધ સાથે વાત કરતા સ્નેહ કુટીર વૃદ્ધાશ્રમની સત્ય હકીકત ઉજાગર થઇ. વૃદ્ધે યુવાનોને જણાવેલી આપવીતી સાંભળી દયાવાન યુવાનો તે દિવસથી આજ દિન સુધી એટલે કે છેલ્લા ૧૭ ૧૮ દિવસથી વૃદ્ધની આંતરડી ઠારી રહ્યા છે.

વાઈટ કોલર સમાજ સેવક બનીને ફરતાં દંભી’ લોકોની સંસ્થાને તાળા મારી દો

     વૃદ્ધો નિરાધાર ઓ તેમજ અનેક રીતે પીડિત લોકોની સેવા કરવાનો ઠેકો લઇ ફરતા વાઈટ કોલર કહેવાતા સમાજસેવકોની પરદા પાછળની ભૂમિકા કેવી હોય છે તે મહેસાણામાં ઉજાગર થઈ છે. આવા કહેવાતા દંભી સમાજ સેવકોને ઉઘાડા પાડી તેમના કરતુંતો જનતા વચ્ચે લાવવાનું કામ મહેસાણાના દયાવાન યુવાનોએ કર્યું છે. જે ખરેખર કાબિલેદાદ છે. વૃદ્ધો માટે કામ કરતી સંસ્થા ખરા અર્થમાં કેવી સમાજસેવા કરે છે તેનો પર્દાફાશ થયો છે ત્યારે મહેસાણા જિલ્લા સહિત ગુજરાતભરમાં એક ચર્ચા એવી પણ ઉઠી છે કે આવા દંભી સમાજ સેવકોને સરકાર જે લાભ આપે છે તે અને સમાજના અન્ય શ્રેષ્ઠીઓ જે દાન આપે છે તે બંધ કરી દેવા જોઈએ. એટલું જ નહીં જાગૃત લોકો તો ત્યાં સુધી કહે છે કે આવા બગલા ભગત સમાજસેવકોની સંસ્થા રૂપી દુકાનોને તાળાં મારી દેવા જોઈએ.

Related posts

રાણીપની જનતાના માથે જોખમ કોના પાપે?

ApnaMijaj

ભાજપે ચૌધરી સમાજની કોણીયે ગોળ ચોપડ્યો

ApnaMijaj

મિ. વિનોદ ચાવડા ભલે તમે ત્રીજી વાર સાંસદ બનો પણ..

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!