•છેલ્લા પાંચ વર્ષમાં એએમટીએસની વિવિધ રીતે 7000 ફરિયાદો મળી
•ઓવર સ્પીડની ફરિયાદો પછી કોઈ કાર્યવાહી થઈ કે નહીં? ભગવાન જાણે!
•મુસાફરો સાથે ગેરશિસ્ત કરતા ડ્રાઈવર કંડક્ટરો સામે આખું તંત્ર લાજ કાઢીને બેઠું
કવિરાજ (અપના મિજાજ નેટવર્ક)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસની વિરુદ્ધમાં છેલ્લા પાંચ વર્ષમાં ૭૦૦૦ જેટલી ફરિયાદો કરવામાં આવી છે. ફરિયાદો પછી પણ તંત્રએ શું અને કેવા પ્રકારના પગલાં લીધા તેની કોઈ જ વિગતો સામે આવી નથી. જેને લઇને ફરિયાદી મુસાફરોમાં તંત્ર પ્રત્યે ધૃણા ઉત્પન્ન થઇ છે.
અમદાવાદ શહેરમાં વસવાટ કરતા નાગરિકો માટે એએમટીએસ બસ lifeline કહેવાઈ રહી છે. એએમટીએસના બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા મુસાફરો બસને થોભાવા માટે હાથ આપે તો પણ બસના ચાલકો દ્વારા મોટાભાગે બસ ઉભી રખાતી ન હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અથવા તો નોકરી ના સ્થળોએ જવા તેમજ ઘરે જવા માટે કલાકો સુધી બસની રાહ જોવી પડે છે. એટલું જ નહીં બસ આવે ત્યારે પણ સ્ટેન્ડ ઉપર બસ ઉભી રખાતી ન હોવાથી મનસ્વી વર્તન કરતા ડ્રાઈવર કંડક્ટરો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ બાબતે મુસાફરોએ કરેલી ફરિયાદનો છેલ્લા પાંચ વર્ષનો આંકડો 6,984 ઉપર પહોંચ્યો છે.
•ફરિયાદ માટે બસ ઉપર મોબાઈલ નંબર આપ્યો છે, ફરિયાદ થાય છે પણ તંત્ર કાર્યવાહી કરે છે?
મ્યુનિસિપલ તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં દોડાવાતી એએમટીએસ બસ પાછળ મોબાઇલ નંબર 18002330881 લખીને આપ્યો છે અને કહેવાયું છે કે મુસાફરોને કોઇ સમસ્યા હોય તો આ નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકે છે. છેલ્લા પાંચ વર્ષમાં બસ ઉભી ન રાખવી, ઓવર સ્પીડ બસ દોડાવવી તેમજ મુસાફરો સાથે ડ્રાઇવર કંડકટર દ્વારા કરવામાં આવતા ગેરવર્તનની છેલ્લા પાંચ વર્ષમાં ૭૦૦૦ જેટલી ફરિયાદો કરવામાં આવી છે. જે ફરિયાદ બાદ જવાબદારો સામે તંત્ર દ્વારા શું પગલાં લેવાયા? ની સામે કેવી કાર્યવાહી કરાઈ? તે બાબતો જાહેર કરવામાં આવી નથી એટલે મુસાફરો માને છે કે માત્ર તંત્ર દ્વારા ફરિયાદ લેવામાં આવે છે પરંતુ કનડગત કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં તંત્ર લાજ કાઢી રહ્યું છે.
એએમટીએસ બસમાં દૈનિક મુસાફરી કરતાં શહેરીજનોને બસના ડ્રાઈવર કંડક્ટરો પાસેથી આવનવા કડવા અનુભવો થઇ રહ્યા છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં ઓવર સ્પીડ બસ ભગાવવાની 361 ફરિયાદ, ગેરવર્તણૂકની 1051 તેમજ સ્ટેન્ડ ઉપર બસ ઉભી નહિ રાખવાની 6984 જેટલી ફરિયાદ થઈ હોવાનો સત્તાવાર આંકડો મળ્યો છે. જેથી સમજી શકાય કે એએમટીએસના ડ્રાઇવર કંડક્ટર મુસાફરો સાથે સારું વર્તન કરતા નથી. બીજી તરફ એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ મુસાફરોની વ્યથા સમજી ફરિયાદ સંદર્ભે દંડાત્મક કાર્યવાહી કરે તેવી માગણી બુલંદ બની છે.