Apna Mijaj News
સચ કા સામના

મહેસાણામાં પોલીસે કથિત પોલીસને કરાવ્યું કાયદાનું ભાન..!

કારમાં પોલીસ અને પ્રેસના બોર્ડ ચીપકાવીને ફરતા બોગસિયા લોકો સામે કાર્યવાહી જરૂરી

પ્રેસ અને પોલીસ સાથે જેને ન્હાવા નીચોવવાનો સંબંધ નથી તેવા લોકો કરે છે ફાંકા ફોજદારી

પોલીસ હેડકવાર્ટરમાંથી જ પ્રતિબંધિત ફિલ્મ પટ્ટી લગાવેલી ઢગલો કાર મળી જાય તેમ છે 

સંજય જાની (અપના મિજાજ)

        મહેસાણાના મોઢેરા ચાર રસ્તા પાસે નવા બનતા અંડર બ્રિજ નજીક આવેલા માર્ગ પર રોંગ સાઈડમાં નંબર પ્લેટ વગરની તેમજ તમામ પાંચ કાચમાં ૧૦૦% કાળા કલરની ફિલમ લગાવીને ઉભેલી એક કાર તેમજ તેની પાછળ ઉભેલી અન્ય એક કાળા કાચ વાળી બ્લુ કલરની કાર અંગેનો વિડીયો અહેવાલ ‘અપના મિજાજ’ ન્યુઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે શહેરના ટ્રાફિક પીએસઆઇ સહિતના અધિકારી પાસે આ અંગે પૂછાણું લીધું હોવાનું અંતરંગ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. એટલું જ નહીં ટ્રાફિક અધિકારીએ પોલીસ અધિક્ષકને આ બાબતે બંને કારચાલકો પાસેથી હજાર- હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો હોવાનો પણ ખુલાસો કર્યો છે. જોકે અહીં પ્રશ્ન એ થાય છે કે પોલીસે એ કાર ચાલકો પાસેથી માત્ર દંડની જ વસુલાત કરી છે. પરંતુ કારના કાચ ઉપરથી કાળા કલરની ફિલ્મ પટ્ટી ઉતારવાની તસ્દી લીધી નહોતી. જેનું કારણ માત્ર એ માની શકાય કે કાળા કાચ વાળી જે કાર હતી તે પોલીસ કર્મચારીની હતી એટલે ઘરની વાત ઘરમાં જ દબાવી દેવામાં આવી છે. જો એ કાર કોઈ સામાન્ય નાગરિકની હોત તો પોલીસ ધોકા પછાડી પછાડીને સ્થળ ઉપર જ કારના કાચ ઉપર લાગેલી ફિલ્મ પટ્ટી ઉતરાવી દેત. પરંતુ અહીં એવું કરવામાં મહેસાણા શહેર પોલીસના ટ્રાફિક વિભાગના જવાબદારોને શરમ આવી હતી.

        મહેસાણા શહેર તેમજ જિલ્લાના તાલુકા મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિબંધિત ફિલ્મ પટ્ટી લગાવીને અનેક કાર ફરી રહી છે. એટલું જ નહીં કારના કાચ ઉપર પોલીસ અને પ્રેસ લખેલા પાટીયા પણ ચીપકાવી દીધેલા હોય છે. જેમાં ખાસ કરીને એવું કહેવાય છે કે જેને પ્રેસ કે પોલીસ સાથે ન્હાવાવા નીચોવવાનો સંબંધ નથી તેવા લોકો માત્ર રોફ ઝાડવા આવા કૃત્યો કરી રહ્યા છે. જે કાર પર પોલીસ લખેલું હોય છે તેમાંથી મોટાભાગના લોકો કોઈ પોલીસ કર્મચારીના સગા સંબંધી થતા હોય છે. જ્યારે પ્રેસના લખાણવાળી કારમાં બે પાંચસો રૂપેડીમાં કોઈ અખબારનું ઓળખપત્ર મેળવીને પોલીસથી બચવા અથવા તો સંભવત કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે ફાંકા ફોજદારી કરવામાં આવતી હોય છે. જેને લઈને ઘણા એવા કિસ્સામાં અખબારી વ્યવસાય સાથે જોડાયેલા અધિકૃત લોકોને સહન કરવું પડતું હોય છે. જેથી આવી બોગસ પ્રવૃત્તિ રોકવા માટે જિલ્લા પોલીસે બોગસિયા પ્રેસ અને પોલીસવાળાઓને સબક શીખવાડવો જ રહ્યો.

જિલ્લા પોલીસ અધિક્ષક ગેરકાયદે કામગીરી સામે કડક પગલાં ભરતા હોવાની છાપ રહી છે

     જિલ્લામાં કોઈ વ્યક્તિ ગેરકાયદે પ્રવૃત્તિ કરતો હોય તેની સામે કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકે જે તે વિસ્તારના પોલીસ મથકના વડાઓને સૂચના આપેલી છે. એટલું જ નહીં ખુદ પોલીસ વિભાગમાં જો કોઈ કર્મચારી ગેરશિષ્ટ કરે અથવા તો અનઅધિકૃત પ્રવૃત્તિ કરતા હોવાનું સામે આવે તો પણ પોલીસ વડા તેમની સામે પણ કડક હાથે કામ લેતા હોવાની વાત છુપી નથી. એટલે સ્વાભાવિક છે કે જિલ્લાની જનતા નિષ્પક્ષ અધિકારી પાસે ન્યાયની તેમજ અયોગ્ય કામગીરી સામે યોગ્ય કાર્યવાહીની અપેક્ષા રાખી રહી છે. લોકો ઇચ્છી રહ્યા છે કે જિલ્લામાં કાળા કાચ લગાવી કાર તેમજ અન્ય વાહનોમાં કરાતી ગેર પ્રવૃતિ અટકાવવા પોલીસ વિભાગ વધુ સક્રિય બને.

મોઢેરા ચોકડી પરની બંને કાળા કાચવાળી કારના માલિકો પાસેથી દંડ વસુલાત કરાયો

      ‘અપના મિજાજ’ ન્યુઝ દ્વારા મોઢેરા ચોકડી પર પોલીસ લખાણ તેમજ તમામ કાચ પર પ્રતિબંધિત કાળી ફિલ્મ પટ્ટી લગાવેલી નંબર પ્લેટ વગરની એક આઈ20 કાર ઉભી હતી. જેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જે બાદ કહેવાય છે કે ટ્રાફિક પોલીસે તેના માલિક પાસે 1000 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. જેની પોલીસ પાવતીમાં કાર ચાલક દિનેશ જીવરાજભાઈ દેસાઈ રહે.લુણવા તા. ખેરાલુ અને કારનો નંબર જીજે 023 એ 6960 જેવો બતાવવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તે કાર અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પોલીસ કર્મી તરીકે નોકરી કરતા કોઈ શખ્સની છે અને તે કાર તેનો કોઈ ભાઈ લઈને આવ્યો હતો. જ્યારે તે કારની પાછળ જ આવેલી અન્ય એક બલેનો કાર નં. જીજે 02 સીપી 9387 જેના કાચ ઉપર પણ કાળી ફિલ્મ લગાવેલી હતી. જેમાં પણ જિલ્લાનો એક પોલીસ કર્મચારી સવાર હતો. તે કારના ચાલક નાગજી લક્ષ્મણજી ઠાકોર પાસેથી પણ ટ્રાફિક પોલીસે ₹1,000 નો દંડ વસુલ કર્યો હતો. 

જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ જ કાનુન ભંગ કરતા હોવાની રાવ 

    જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના ખાનગી વાહનોમાં અંદર કંઈ જ દેખાય નહીં તેટલી હદે કાળા કલરની ફિલ્મ લગાવેલી રાખે છે. એટલું જ નહીં તેમની કારમાં આગળ પાછળ ક્યાંય નંબર પ્લેટ પણ ન હોવાનું કહેવાઈ રહ્યું છે. જાણકારો કહે છે કે જિલ્લા પોલીસ અધિક્ષકે આવી કાર ક્યાંય શોધવા જવાની જરૂર નથી. જો તેઓ હેડ ક્વાર્ટર વિસ્તારમાં ચક્કર લગાવે તો તેમની મહત્વની એજન્સીના પોલીસ કર્મચારીઓના માલિકીની કાર તેમને પ્રતિબંધિત ફિલ્મ પટ્ટી લગાડેલી મળી જશે. શહેરના અમુક જાગૃત નાગરિકો રાવ આપતાં કહી રહ્યાં છે કે પોલીસે પ્રથમ તો પોતાના ઘરથી જ કાયદાના નિયમો પાળવાની શરૂઆત કરવી જોઈએ. વળી, જો કોઈ જાગૃત નાગરિક પોલીસ કર્મચારીને પૂછે કે તમારી કારમાં કાળા કાચ કેમ છે અને નંબર પ્લેટ પણ નથી તો કહેવાય છે કે એ પોલીસ કર્મચારી દ્વારા અમને આરોપી પકડવાના હોય એટલે અમે કારના કાચ કાળા રાખીએ છીએ અને નંબર પ્લેટ રાખતા નથી. જો આમ ન કરીએ તો અમને જોઈને આરોપીઓ ભાગી જાય તેવા વાહિયાત જવાબો અપાતા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.

Related posts

કલોલમાં ‘કાજલ’ના નામે કકળાટ!

ApnaMijaj

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન *ઠૂમકે* ચડ્યું

ApnaMijaj

કલોલમાં દે ધનાધન ! કોઈને ક્યાં પડી છે કે જોવા આવે…?

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!