•દારૂ વેચાણ તેમજ પીવાના વિરોધીઓને કરવું પડે છે પોલીસનું કામ, બુટલેગરો આપે છે તેમને ધમકીઓ
•પોલીસની મહેરબાનીથી ફાટીને ધૂમાડે ગયેલા બુટલેગરો પણ બતાવે છે જનતાને પોલીસ અધિકારીઓનો ડર
સંજય જાની (અપના મિજાજ નેટવર્ક)
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી- વિદેશી દારૂની રેલમછેલ વહેતી હોવાનું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે. જિલ્લાના સાણંદ, વિરમગામ, માંડલ, દેત્રોજ, ધોળકા, ધંધુકા, બાવળા, બગોદરા સહિતના વિસ્તારોમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ બેફામ બન્યા છે. કહેવાય છે કે બુટલેગરો બિન્દાસ્તપણે કહે છે કે અમે જિલ્લા પોલીસ વડા અને જિલ્લા પોલીસની મહત્વની બે એજન્સીઓ તેમજ સ્થાનિક પોલીસને ભરણું ભરીએ છીએ તમારામાં તાકાત હોય તો અમારો ધંધો બંધ કરાવી દો.જાણકાર સૂત્રોની વાત માનીએ તો જીઆઇડીસી તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં બિન્દાસ્તપણે વેચાતો દેશી અને વિદેશી દારૂને લઈ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની પણ ફરિયાદ ઉઠી છે. સ્થાનિક ગ્રામજનો દારૂ મુદ્દે અનેક વખત સ્થાનિક પોલીસ મથકોમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ દારૂના ધંધાર્થીઓ પાસેથી હપતા ખાઈને પોતાનું લોહી પાતળું કરી નાખનાર પોલીસ અધિકારીઓ ગ્રામજનોના બદલે બુટલેગરોને સહકાર આપતા હોવાની પણ હવા ઉડી રહી છે.
જાણવા મળેલી વિગતો મુજબ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસની મીઠી નજર હેઠળ જીઆઇડીસી તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં દેશી તેમજ વિદેશી દારૂના ધંધાર્થીઓએ માઝા મૂકી છે. કહેવાય છે કે અહીં રોટલો રળવા આવેલા પરપ્રાંતીય શ્રમિકો તેમજ સ્થાનિકો સાંજ પડે દેશી તેમજ વિદેશી દારૂ ઢીંચીને તોફાન મચાવતા હોવાની બાબત રોજની થઈ પડી છે. સ્થાનિક ગ્રામજનો દારૂની બદીથી એટલી હદે ત્રસ્ત થઈ ગયા છે કે જે કામ પોલીસે કરવાનું હોય તે કામ તેમને કરવું પડે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં દેશી-વિદેશી દારૂની હાટડીઓ રાજસ્થાન, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ જેવા દારૂની છૂટી વાળા રાજ્યોની યાદ અપાવી દે છે. ગ્રામજનોએ આક્ષેપ કરતા કહ્યું કે દારૂના ધંધાર્થીઓ એટલી હદે બેફામ બન્યા છે કે અમે લોકો તેમને દારૂનો વેચવા માટે સમજાવવા જઈએ તો તેઓ અમારા ઉપર હુમલા કરી અપશબ્દો બોલે છે. એટલું જ નહીં અમે ડીએસપી સુધી હપ્તાઓ આપીએ છીએ તમારાથી થાય તે કરી લો તેવી પણ ધમકીઓ આપતા રહે છે. જોકે આ બાબતે અમો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જઈએ તો પણ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ગ્રામજનોની કોઈ રજૂઆત સાંભળતા ન હોવાની ચર્ચા પણ શોર મચાવી રહી છે. ગ્રામજનોએ ચીમકી આપતા એમ પણ કહ્યું છે કે જો હવે પોલીસ પોતાનું કામ નહીં કરે તો સામાજિક સંસ્થાઓનો સહારો લઇ અમુક ગામોના લોકો પોતાના વિસ્તારમાં તેમજ ગામમાં વેચાતા દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ પર જનતા રેડ કરી પોલીસનો ‘વહીવટ’ જાહેર કરવા પણ ખચકાશે નહીં.
•બગોદરા શિયાળ ગામમાં એક જાગૃત નાગરિક દારૂ બંધ કરાવવા માગે છે પણ…
બગોદરા નજીક આવેલા શિયાળ ગામમાં અમુક ચોક્કસ લોકો પોતાના ઘરમાં દેશી-વિદેશી દારૂ રાખીને તેનો ધંધો કરતા હોઈ ગામના જ એક જાગૃત નાગરિકને નશાના કારોબાર સામે અત્યંત નફરત ઊભી થયેલી છે. જેણે પોતાના સાથી મિત્રોની મદદથી દારૂના ધંધાર્થીઓને ત્યાં જનતા રેડ કરી હતી પરંતુ પોલીસ જેને પાળીપોષીને વિકાસ આપી રહી છે. તે બુટલેગરો ગ્રામજનોને પણ ધમકી આપવામાં પીછેહટ કરતા નથી. જોકે ગામના આ જાગૃત નાગરિકે જનતા રેડ દરમિયાન વીડિયોગ્રાફી પણ કરી છે. જે પુરાવા પોલીસ માટે કાફી છે પરંતુ જો આમ થાય તો પોલીસના ગજવા ગરમ ક્યાંથી રહે? તેઓ પ્રશ્ન ઉઠાવતા ગ્રામજનો ખુદ કાયદાના રક્ષકો થી જ હારી થાકી ગયા હોવાના આક્ષેપો કરી રહ્યા છે.
•કેરાળા જીઆઇડીસી મા પોલીસ મથકની સામે જોઈએ તેટલો વિદેશી દારૂ મળી રહે છે
જાણકાર સુત્રોએ આપેલી વિગતો મુજબ અમદાવાદ જિલ્લાના ગ્રામ્યમાં આવેલા જીઆઇડીસી તેમજ અન્ય ઔદ્યોગિક એકમોના વિસ્તારોમાં જાણે કે બિયર બાર ખુલી ગયા હોય તે રીતે દેશી તેમ જ વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ સ્થાનિક લોકો આ અંગે વિરોધ કરે તો બુટલેગરો અપશબ્દો બોલી હુમલો કરવા સુધી પણ દોડી આવે છે. એટલું જ નહીં બુટલેગરો ખુલ્લી ધમકી આપીને કહે છે કે અમે ડીએસપી સુધી હપ્તા પહોંચાડીએ છીએ જો તમારામાં તાકાત હોય તો અમારો ધંધો બંધ કરાવી દો. અમુક જાણકાર લોકો હોય તો ત્યાં સુધી કહ્યું કે બાવળા હોય કે તેની બાજુમાં આવેલી કેરાળા જીઆઇડીસી હોય જ્યાં પોલીસ સ્ટેશનની સામે જ બે ધડક રીતે દેશી તેમજ વિદેશી દારૂનું વિતરણ કરાઇ રહ્યું છે. જો આ અંગે સ્થાનિકો વિરોધ કરે તો પોલીસના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સ્થાનિકોને સાથ-સહકાર આપવાના બદલે વિરોધ કરનાર લોકોને જ કોઈ પણ કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી બુટલેગરોને ખુલ્લું સમર્થન કરી રહ્યા છે.
•પોલીસ અધિકારી તેમજ કોન્સ્ટેબલોની મિલકત ચકાસવાની પણ માગણી ઉઠી
અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં તેમજ જિલ્લા પોલીસની મહત્વની એજન્સીમાં ફરજ બજાવતા અમુક પોલીસ કર્મચારીઓની મિલકત ચકાસવામાં આવે તો પણ ખબર પડી જાય કે તેમની તેમના પગાર કરતાં સાઈડની આવક કેટલી છે? લોકો આક્ષેપ કરતાં કહે છે કે ગ્રામ્ય જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા અમુક કર્મચારીઓ જે ઠાઠથી મોંઘીદાટ કાર લઇને ફરી રહ્યા છે તેમની તપાસ કરવામાં આવે તો બુટલેગરો સાથેની વર્ષોજૂની સાઠગાંઠનો પર્દાફાશ થઇ શકે તેમ છે. એટલું જ નહીં જાણકાર સૂત્રો કહે છે કે વર્ષોથી એકની એક જગ્યાએ ચીપકી રહેલા અમુક પોલીસ કર્મચારીઓ ઉપરી અધિકારીઓને સાચવી લઈને પોતે પણ એક જ જગ્યાએ ગોઠવાયેલા પડયા હોવાની આ બાબત પણ ઉજાગર થવી જોઈએ.