• ધુળેટીની મોડી રાત્રે પ્રેમિકાના મુદ્દે પૂર્વ અને વર્તમાન પ્રેમી વચ્ચે થઈ ગયું ઢીશુમ ઢીશુમ
• મંગેતરને ઘરેથી વળાવી યુવતી મંગેતરના જ મિત્ર પરંતુ પોતાના પ્રેમી સાથે ગોષ્ઠી કરતી’તી
• પૂર્વ પ્રેમીએ ધસી આવીને કર્યો ડખો, વર્તમાન પ્રેમીની છાતી પર છરીના બે ઘા ઝીંક્યા
સંજય જાની (અપના મિજાજ)
ધુળેટીનો તહેવાર એટલે રંગોનો મહોત્સવ, પ્રેમ મહોબ્બતથી એક બીજા ઉપર અબીલ ગુલાલ અને અન્ય રંગો મિશ્રિત દ્રાવણ્યનો છંટકાવ કરી સ્નેહીજન હોવાનો અહેસાસ કરાવતો ઉત્સવ એટલે ધુળેટી. તેના પૂર્વે એટલે કે ધુળેટી ઉત્સવ પૂર્વે હોલિકા દહનમાં કામ, ક્રોધ, લોભ, મોહ અને નફરતને ભસ્મિભૂત કરવાની પરંપરા પાળવામાં આવે છે. એ પછી બીજા દિવસે ધુળેટીના ઉજવાય છે રંગોનો મહોત્સવ…અહીં રંગોનો મહોત્સવ પૂર્ણ થયો. લોકોએ એકબીજા ઉપર અબીલ ગુલાલ સહિતના રંગો લગાવીને પોતાનો પ્રેમ ઉજાગર કર્યો. પરંતુ રાણીપ નજીક આવેલા કાળી ગામના તળાવ કાંઠે પ્રેમ અને નફરતનો એવો તે મિલાપ થયો કે એક વ્યક્તિને લોહી લુહાણ હાલતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવો પડ્યો. ઘાતકી ઘટના બનતાં બનાવ સ્થળે ઉપસ્થિત રાણીપની યુવતીએ ફાગણી પૂનમની અજવાળી મોડી રાત્રે બુમા બુમ કરી નાખી. એટલું જ નહીં બનાવ બહુ મોટો બની ગયો તે જાણી 100 નંબર ડાયલ કરીને પોલીસની મદદ પણ માગવામાં આવી. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે પોતાની ફરજ પૂર્ણ કરી. બીજી તરફ યુવતીએ ઘટના સંદર્ભે સાબરમતી પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની કલમો તળે પોતાના પૂર્વ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે.
સાબરમતી પોલીસે ફરિયાદને ટાંકીને આપેલી વિગતો મુજબ ગત તા. 18 માર્ચના રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં રાણીપમાં રહેતી ક્રિષ્ના નામની 19 વર્ષીય યુવતી પોતાના પ્રેમી જગદીશ રણછોડભાઈ ઠાકોર (રહે.ઝાક,તા. દહેગામ) અને તેના મિત્ર જયંતિ સાથે કાળી ગામના તળાવ પાસે ગયા હતા. જે દરમિયાન યુવતીના મોબાઇલ ફોનમાં તેના પૂર્વ પ્રેમી મુકેશ રમેશભાઈ ઠાકોર (રહે. દંતાલી, તા. કલોલ)નો ફોન આવતો હોઇ જગદીશે મુકેશ સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે મુકેશને અમે હાલ કાળી ગામના તળાવ આગળ છીએ તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો. જે બાદ થોડા જ સમયમાં મુકેશ તેના બે મિત્ર સની અને જેકીને લઈ કાળી ગામના તળાવ પાસે આવ્યો હતો. જ્યાં બંને વચ્ચે બોલાચાલી સાથે ઝપાઝપી થઈ હતી. જેમાં મુકેશે પોતાની પાસે રહેલી છરી વડે જગદીશની છાતી પર બે ઘા ઝીંકી દેતા જગદીશ જમીન પર ફસડાઈ પડ્યો હતો.
ક્રિષ્નાના પૂર્વ અને વર્તમાન પ્રેમી વચ્ચે થયેલી બબાલ ઘાતક બની જતા મુકેશ સાથે આવેલો તેનો મિત્ર સની બનાવ સ્થળેથી ભાગી છુટ્યો હતો. જ્યારે અન્ય મિત્ર જેકી તેમજ ઇજાગ્રસ્ત મુકેશનો મિત્ર જયંતિ મુકેશને બાઇક પર બેસાડી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા. બીજી તરફ મૂકેશે ક્રિષ્નાને અપ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘટના સ્થળેથી ચાલતી પકડી હતી. બનાવને લઈ 19 વર્ષીય ક્રિષ્નાએ બુમાબૂમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. જે બાદ ક્રિષ્નાએ 100 નંબર ડાયલ કરી પોલીસની મદદ માગી હતી. સંદેશો મળતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રિષ્નાને લઈ પોલીસ મથકે આવી હતી જ્યાં ક્રિષ્નાએ મુકેશ રમેશભાઈ ઠાકોર વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમ તળે ગુનો દર્જ કરાવ્યો હતો. જે સંદર્ભ સાબરમતી પોલીસ મથકના પીઆઇ આર એસ ઠાકર તપાસ ચલાવી રહ્યા છે.
•અજબ પ્રેમ કી ગજબ કહાની અહીં જોવા મળી
સમગ્ર ઘટનામાં ક્રિષ્નાએ નોંધાવેલી ફરિયાદમાં અજબ પ્રેમ કી ગજબ કહાની જોવા મળે છે. ક્રિષ્નાએ આપેલા નિવેદન મુજબ તેને મોબાઈલ ફોનની instagram એપ દ્વારા દંતાલીના મુકેશ સાથે પરિચય અને બાદમાં પ્રેમ સંબંધ બંધાયા હતા. જેથી તેણે પરિવારજનો સાથે વાત કરતા બંનેની સગાઈ કરવામાં આવી હતી. પરંતુ મુકેશ દારૂ પીવાની ટેવ વાળો હોવાથી તેણે બે વર્ષ અગાઉ સગપણ ફોક કર્યું હતું. ત્યારબાદ ક્રિષ્નાની સગાઈ જયવીર રમેશજી ઠાકોર (રહે. ધોળાકુવા, ગાંધીનગર) સમાજના રીત રિવાજ મુજબ કરવામાં આવી હતી. જે બાદ આઠેક મહિના અગાઉ ક્રિષ્ના તેના મંગેતર જયવીર સાથે દહેગામના ઝાક ગામે ગરબા જોવા ગઈ હતી. જ્યાં મંગેતર જઈને તેનો પરિચય જગદીશ રણછોડભાઈ ઠાકોર સાથે કરાવ્યો હતો. જે બાદ ક્રિષ્ના મંગેતરના મિત્ર જગદીશ સાથે ફોન ઉપર વાતો કરતી હતી. સમય જતા મંગેતરના મિત્ર સાથે જ ક્રિષ્નાને પ્રેમ સંબંધ બંધાયા હતા.
ચારેક દિવસ અગાઉ ક્રિષ્ના સાયકલ લઈને પડી ગઈ હતી. જેથી તેને હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી. જે જાણીને ધુળેટીના દિવસે તેનો મંગેતર જયવીર તેની ખબર પૂછવા આવ્યો હતો. જે રાત્રિના અંદાજે આઠેક વાગ્યે પરત પોતાના ઘરે જવા નીકળી ગયો હતો. બાદમાં તેની વાગ્દત્તાને મળવા તેનો જ મિત્ર જગદીશ પહોંચ્યો હતો અને રાત્રે 10:30 વાગે ઘાતકી ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રેમી મુકેશ સાથે ક્રિષ્ના વાત કરતી હોવાની ખબર બીજા પ્રેમી જગદીશ ને થતા તે અગાઉ મુકેશના ઘરે ગયો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.