•રાજનીતિમાં અનેકવિધ સારા ખરાબ પરિબળોનો સામનો કરી અનોખી સિદ્ધિ હાંસિલ કરી
•પાલિકા તાબામાં આવતા વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યોને વેગ આપી લોકહૃદયમાં સ્થાન મેળવ્યું
સંજય જાની (અપના મિજાજ)
કલોલ નગરપાલિકામાં પ્રમુખ પદ શોભાવતા ઉર્વશીબેન મુકેશભાઇ પટેલે પોતાના શાસનનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. પ્રમુખ પદે રહી છેલ્લા એક વર્ષમાં ઉર્વશીબેન પટેલે પાલિકા તાબામાં આવતા વિવિધ વિસ્તારોમાં રાજ્ય સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટની રકમમાંથી અનેક વિવિધ વિકાસ કામોને વેગ આપીને જનતાના હૃદયમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, શહેરના પાલિકા તાબાના વિવિધ વિસ્તારોમાં રહેણાંક ધરાવતી પ્નજાને સંપૂર્ણ રીતે કોઈ જાહેર કામગીરીમાં સંતોષ ન આપી શકાયો હોય પરંતુ જનતા જનાર્દનને જે લાભ મળવાપાત્ર છે તે અપાવવા માટે તેઓ હંમેશા અગ્રેસર રહ્યા છે તે પણ સનાતન સત્ય છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક વર્ષમાં સર્વાંગી વિકાસ સાધવા માટે કરોડો રૂપિયાની રકમ ખર્ચ કરવામાં આવી છે. એટલું જ નહીં શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરા સહિતના અન્ય રોગચાળો ફેલાવવાની ઉભી થયેલી કપરી પરિસ્થિતિમાં પણ પાલિકા પ્રમુખે એકલવીર નારી તરીકે કરવી પડતી તમામ બાબતો ઉપર કામગીરી કરી રોગચાળામાં સપડાયેલી પોતાની પ્રજાને કઈ રીતે અને કેવી મદદ કરવી જોઈએ તેનું પણ ધ્યાન રાખીને ઉમદા કામગીરી કરવામાં આવી છે. જોકે સત્તાપક્ષ સામે વિપક્ષ હંમેશા વિરોધનું કામ કરતો હોય છે. અહીં પણ વિરોધીઓએ અનેકવિધ પ્રકારે પાલિકા પ્રમુખને ઘેરવા માટે વિવિધ મુદ્દાઓ પર વિરોધ કરેલો છે પરંતુ કહેવાય છે કે શિસ્તબદ્ધ વિચારોને વરેલી રાજકીય પાર્ટીમાંથી આવતા મહિલા પ્રમુખ શિક્ષિત છે. ઉપરાંત તેમની આગવી કાર્યશૈલી તેમજ વિરોધીઓને પણ સાથે રાખીને જનતા હિતાર્થે કરવામાં આવતી કામગીરી ઊડીને આંખે વળગે તેવી છે.
પાલિકાના એક વર્ષના શાસનમાં મહિલા પ્રમુખે અનેક પ્રકારની વિટંબણાઓનો ધૈર્ય તેમજ બહાદુરીપૂર્વક સામનો કરેલો છે. પાલિકા તાબામાં આવતા વિવિધ વોર્ડ વિસ્તારમાંથી ચૂંટાયેલા પોતાના જ રાજકીય પક્ષના સભ્યો હોય કે પછી વિપક્ષી સભ્યો હોય. પાલિકા પ્રમુખ ઉર્વશીબેન માને છે કે અહીં જનતાના મતથી ચૂંટાઈને આવેલો દરેક વ્યક્તિ જનતાનાં પ્રતિનિધી છે, જેને નગરસેવક પણ કહેવામાં આવે છે. જે નગરસેવક પાલિકાના અધિકારી કે પદાધિકારી પાસે પોતાની રજૂઆત કરે છે ત્યારે તે રજૂઆત જનતાની હોય છે. એટલે સત્તા સ્થાને બેઠેલા વ્યક્તિએ જનતાની રજૂઆતને સાંભળી, સમજી તે રજૂઆતના સંદર્ભે કરવી પડતી નિયમોનુસારની કામગીરી કરવામાં તેઓએ કદાપિ પાછી પાની કરી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ પોતાના વ્યવસાય, ઘર-પરિવારની જવાબદારી, રાજકીય તેમજ સામાજિક કામગીરીની સાથે સાથે તેઓને મળેલ પાલિકાના પ્રમુખ પદે કરવી પડતી અને પોતાની ફરજમાં આવતી કામગીરી સંપૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી નિભાવતા રહ્યા છે.
•ભાગ્યે જ કોઈ પ્રજાજન હશે કે તેમની પાસે પાલિકા પ્રમુખનો મોબાઈલ નંબર ના હોય!
પાલિકા તાબામાં કોઈપણ વિસ્તારમાં ક્યારે પણ કોઈ વિકટ પરિસ્થિતિ આવી પડે ત્યારે પ્રજાજનમાંથી કોઈ ગમે તેવા સમયે દિવસ હોય કે રાત હોય પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલને મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરીને પરિસ્થિતિની જાણકારી આપે એટલે પાલિકા પ્રમુખ એક પળનો પણ વિલંબ કર્યા વગર જે તે સ્થળે પહોંચી જતા હોય છે. એટલું જ નહીં સ્થળ ઉપરથી પરિસ્થિતિનો તાગ મેળવી પાલિકા તાબાની કામગીરી હોય કે પછી અન્ય કોઈ વિભાગની તેઓ તાત્કાલિક બગડેલી પરિસ્થિતિને સુધારવા માટે પોતાનાથી બનતી તમામ કોશિશો કરતા હોવાની વાત જનતા કરતી જ હોય છે. કહેવાય છે કે શહેરનો કોઈ પ્રજાજન એવો નહીં હોય કે તેમની પાસે પાલિકા પ્રમુખના મોબાઈલ નંબર ન હોય, પાલિકા પ્રમુખે પણ પોતાનો કોઈ સંપર્ક નંબર ગુપ્ત રાખ્યો નથી તેઓને જ્યારે પણ વિકટ પરિસ્થિતિ અંગે કોલ આવે ત્યારે તેઓ જે તે સ્થળે દોડી જતા જોવા મળેલા છે.
•લોકહૃદય માં સ્થાન એમને એમ નથી મળતું, પ્રત્યક્ષને પ્રમાણપત્રની જરૂર નથી હોતી
“અપના મિજાજ” સમાચાર માધ્યમની ટીમે કલોલ પાલિકાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ ભાજપ શાસિત પાલિકાની અને ખાસ કરીને મહિલા પ્રમુખની કામગીરી કેવી છે તે અંગે જાણકારી મેળવી તો જાણવા મળ્યું કે છેલ્લા એક વર્ષમાં પાલિકા પ્રમુખે પોતે મહિલા હોવા છતાં અનેકવિધ વિકાસ કામો કરવા માટે પોતાનું સંપૂર્ણ બળ તેમજ કાર્યક્ષમતા જનતા માટે ખર્ચી નાખ્યા છે. પાલિકા તાબામાં વિકાસ કામો તેમજ અન્ય કામગીરી માટે તેમને સારા તેમજ ખરાબ અનુભવોનો પણ સામનો કરવો પડ્યો છે. જોકે તેઓ જનતાના લાભાર્થે કરવી પડતી તમામ કામગીરી સંપૂર્ણ ખંત અને નિષ્ઠાથી કરતા હોઈ “લોકહૃદય સમ્રાટ” તરીકે પણ ઉપમા પામ્યા છે. એટલું જ નહીં અમુક લોકો તો ત્યાં સુધી કહે છે કે પ્રત્યક્ષને પ્રમાણપત્રની કદાપિ જરૂર નથી હોતી. તે રીતે તેઓ કામગીરી કરે છે એટલે તેમને પ્રમાણપત્ર આપવાની જરૂર નથી પરંતુ તેમનો જનતા પ્રત્યેનો લગાવ તેમજ કામ કરવાની ધગશ પ્રત્યક્ષ હોવાથી તેમણે લોકચાહના મેળવી છે. વિરોધીઓના વિરોધ વચ્ચે પણ જનતા હિતાર્થે કરવી પડતી તમામ કામગીરીમાં તેઓ હંમેશાં મોખરે રહ્યા છે.
• આ ત્રણ મોટા પ્રોજેક્ટ જનતાની કાયમ સુખાકારી માટે અથાક પ્રયત્નોથી મંજૂર કરાયા
પાલિકામાં આવતા વિસ્તારોમાં રહેતી જનતાને વર્ષોથી કનડતા પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા માટે છેલ્લા એક વર્ષથી પ્રમુખ સતત પ્રયત્નશીલ રહ્યા છે. મુખ્યત્વે પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા બીવીએમ ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા માટે તેમજ પલસાણા માર્ગે રેલાતા ગટરના દૂષિત પાણીની સમસ્યા હલ કરવા ભગીરથી પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પૂર્વ વિસ્તારમાં રહેતા નાગરિકોને 50 વર્ષ જૂની પીવાના પાણીની પાઈપમાંથી પાણી વિતરણ કરવામાં આવતું હોઈ સમયાંતરે જનતા કોલેરા સહિતના અન્ય પ્રકારના રોગચાળાનો ભોગ બનતી આવી છે તેમાંથી તેમને બહાર લાવવા સતત પ્રયત્નો થયા છે. ખેડૂતો તેમજ જનતાની સમસ્યાને હલ કરવા માટે સંસદ સભ્યને પાલિકા પ્રમુખ દ્વારા રજૂઆત કરી અંદાજે ૪૨ કરોડના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યો છે. ઉપરાંત ૧૭ કરોડ રૂપિયાના ખર્ચે બીવીએમ ફાટક ઉપર ઓવરબ્રીજ પણ નિર્માણ કરવામાં આવશે તેમજ અંદાજે અઢી કરોડના ખર્ચે પૂર્વ વિસ્તારની જનતાને રોગચાળામાં થી મુક્ત કરવા નવી પીવાના પાણીની પાઈપલાઈનો રાખવામાં આવનાર છે.