Apna Mijaj News
અન્યાય સામે અવાજ

હેતલ ‘હેત’ વરસાવતી રહી છતાં માણસાના રાજુએ “માણસાઈ” ને મારી નાખી…

પતિએ પત્ની પર ઉકળતી ચા રેડી, સારવાર ન મળે તે માટે 23 દિવસ ગોંધી રાખી

• બે દિવસ પહેલા પત્ની જેમ તેમ કરીને પુત્રને લઈને પિયર મોખાસણ પહોંચી

પીડિતાએ માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, તપાસનો ધમધમાટ

સંજય જાની (અપના મિજાજ)

     ગાંધીનગરના માણસાના સોલૈયા ગામે 23 દિવસ અગાઉ પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી પતિએ ઊકળતી ચાની તપેલી શરીર પર ફેંકી હતી. હદ તો ત્યારે થઈ ગઈ કે નિર્દયી પતિએ પત્ની ક્યાંય સારવાર માટે જાય નહીં એટલે તેની પાસે બેસી રહી 23 દિવસ સુધી ઘરમાં ગોંધી રાખી હતી. જો કે બે દિવસ અગાઉ મોકો મળતાં પત્ની તેના પાંચ વર્ષના પુત્રને લઈને જેમ તેમ કરીને પિયર મોખાસણ પહોંચી અને પિયર પક્ષના સભ્યોને પતિની હેવાનિયત અંગે માહિતગાર કર્યા હતા. બાદમાં માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દર્જ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
         કલોલ તાલુકાના મોખાસણ ગામની 24 વર્ષીય હેતલ નામની યુવતીનાં લગ્ન વર્ષ 2011માં માણસા તાલુકાના સોલૈયા ગામના વીરમ ઉર્ફે રાજુ માણકાભાઈ રબારી સાથે થયા હતા. લગ્ન જીવનથી તેણીને પાંચ વર્ષનો દીકરો પણ છે. પ્રારંભિક લગ્ન જીવન સારી રીતે ચાલ્યા પછી છેલ્લા છ મહિનાથી રાજુ તેની પત્નીને અન્ય પુરુષ સાથે આડા સંબંધો હોવાની શંકા રાખી મારઝૂડ કરતો હતો. પરંતુ ઘર સંસાર બગડે નહીં તે માટે પરિણીતા પતિ રાજુ રબારીનો શારીરિક માનસિક ત્રાસ સહન કર્યા કરતી હતી. પરંતુ રાજુના મગજમાં સળવળતા શંકાના કારણે તે તેની પત્નીને વાળ પકડીને પણ માર મારવાનું ચૂકતો ન હતો અને આ બાબતે કોઇને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપતો રહેતો હતો.
       જો કે ગત 24મી ફેબ્રુઆરીના રાજુ રબારીએ હેવાનિયતની તમામ હદ વટાવી દીધી હતી. એ દિવસે રાજુએ ચા બનાવવા માટે પત્નીને કહ્યું હતું. પરંતુ તેણીને માથામાં દુઃખાવો થતો હોવાથી થોડીવાર પછી ચા બનાવી આપવાની વાત કરી હતી. આથી રાજુ જાતે જ ચા બનાવવા લાગ્યો હતો. થોડીવાર પછી તેણી પુત્ર માટે ચા લેવા જેવી રસોડામાં ગઈ કે રાજુએ સાંણસીથી ઉકળતી ચાની તપેલી પકડીને તેની પર ફેંકી હતી. જેનાં કારણે પત્ની મોઢા, ખભે અને છાતીના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ ગઈ હતી. આથી તેણીએ બુમાબુમ કરવા છતાં કોઈ બચાવવા માટે આવ્યું ન હતું. શરીરે દાઝી જવાથી દવાખાને લઈ જવાની વાત કરતા રાજુ કહેવા લાગેલો કે તને દવાખાને લઈ જવાની નથી અને કોઈને પણ તને દવાખાને લઈ જવા નહીં દઉં. આમ કહીને તે તેની પાસે બેસી ગયો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો.
      પત્ની દાઝી જવાથી આખો દિવસ કણસતી રહી હોવા છતાં રાજુ ઘરમાં જ બેસી રહ્યો હતો. રાત્રીના સમયે પરિણીતાને વધુ દુઃખાવો અને બળતરા થતાં રાજુએ મેડિકલ સ્ટોર્સમાંથી મલમ લઈ આવીને આપી દીધો હતો. આમ 23 દિવસ સુધી પત્નીને સારવાર ના મળે તે માટે ઘરમાં બેસી રહ્યો અને પત્નીને ગોંધી રાખી હતી. ગત 15મી માર્ચના રોજ રાજુ કોઈ કામ અર્થે બહાર ગયો ત્યારે મોકો જોઈને પીડિતા પરિણીતા તેના પુત્રને લઈને જેમ તેમ કરીને તેની મમ્મીના મામા ઘરે પહોંચી ગઈ હતી. જ્યાંથી તેનો પિતરાઈ ભાઈ તેણીને પિયર મોખાસણ મૂકી આવ્યો હતો. બાદમાં તેની માતા કલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે તેને લઈ ગઈ હતી. આ અંગે પરિણીતાની ફરિયાદના આધારે માણસા પોલીસે રાજુ રબારી વિરૂદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

તા.૬, ૭ ફેબ્રુ.ના કોંગ્રેસ કરશે આ કામ…

ApnaMijaj

ઊંઝાની સફાઈમાં 16 લાખનું “મ્મ્…મ્મ્…” થઈ ગ્યું ?!

ApnaMijaj

મહેસાણા અંડરપાસનો ૬૫.૬૫ કરોડથી વધી ૧૪૧કરોડનો વિકાસ

ApnaMijaj

1 comment

Mr. Jaypal March 17, 2022 at 10:39 pm

ખૂબ સરસ !! અહેવાલ આપો છો
સાથે સાથે અમારા કચ્છ ના પ્રશ્નો ને વાચા આપો આવી અમારી લાગણી છે

Reply

Leave a Comment

error: Content is protected !!