પતિ અને બાળકને છોડીને મહિલા તેના પિતાના ઘરે રહેવા જતી રહી હતી
•પિતાના ઘરેથી નીકળીને મહિલા અન્ય કોઈ પુરુષ સાથે રહી એક સંતાનની માતા બની
•બીજા પતિ અને પુત્રને છોડીને હોસ્પિટલમાંથી ગુમ થયેલી મહિલા પોલીસ સામે પ્રગટ થઈ
સંજય જાની (અપના મિજાજ)
સાબરમતી પોલીસ મથક તાબાના વિસ્તારમાંથી એક દસ વર્ષીય બાળકનું અપહરણ થઈ ગયું હોવાની ફરિયાદ નોંધાતાં પોલીસ બાળકને શોધવા માટે તાબડતોબ કામે લાગી ગઈ હતી. પોલીસ કામગીરીમાં જે બાબત સામે આવી તે જોતા ખુદ પોલીસ કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બાળકના અપહરણની ફરિયાદ નોંધાયા પછી સતત ૨૦ દિવસ સુધી બાળકને શોધી લાવવા માટે મથામણ કરતી પોલીસને સોલા સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ વર્ષ પૂર્વે ગુમ થયેલી બાળકની માતા પણ મળી આવી હતી. જોકે બાળકની માતાએ પોલીસ સામે જે વાત રજૂ કરી હતી તેમાં અજબ પ્રેમ કી ગજબ કહાની જેવો કિસ્સો સામે આવ્યો હતો.
સાબરમતી પોલીસ મથક તાબાના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા દશામાના મંદિર પાસેથી થોડા દિવસો પહેલા સાહિલ નામના ૧૦ વર્ષીય બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ તેના નાનાએ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. ગુનાની ગંભીરતા સમજી અમદાવાદ શહેર પોલીસ કમિશનર, સેક્ટર-૧ના સંયુક્ત પોલીસ કમિશનર, જોન ટુ ના નાયબ પોલીસ કમિશનર તેમજ એલ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનરે સાબરમતી પોલીસ મથકના પી.આઇ આર.એસ ઠાકરને બાળકને શોધી કાઢવા માટે સૂચના આપી હતી. જે સૂચનાને લઈ પી.આઈ આર એસ ઠાકર, પીએસઆઇ બીપી વાઘેલા, એએસઆઈ જયંતીભાઈ દેવજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ કમરૂદ્દીન હુસેનમીયા અપહ્યત બાળકને શોધવા કામે લાગી ગયા હતા. પોલીસે આદરેલી તપાસમાં ગુમ થનાર બાળકની માતા શિવાનીબેન તેમના પતિ દિપક કોરી અને પુત્ર સોહિલને મૂકીને પોતાના પિતાના ઘરે રહેવા આવી હોવાની વિગત સામે આવી હતી. એટલે પોલીસે શિવાની ના પિતા ની પૂછપરછ કરતા તેઓ તેમની દીકરી શિવાની કલોલ તાલુકાના સાંતેજ ગામે રહેતા જશવંત કરસનભાઈ પરમાર સાથે વર્ષ 2015માં પ્રેમ લગ્ન કર્યા હોવાની વિગત મળી હતી. જેથી પોલીસે જશવંત પરમારની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે શિવાની તેને પણ છોડીને જતી રહી છે. જે સંદર્ભે જશવંતે સોલા પોલીસ મથકમાં શિવાની ગુમ થઈ ગયા અંગેની નોંધ કરાવી હતી.
સાબરમતી પોલીસે વિખેરાયેલી તમામ કડીઓ ભેગી કરતાં શિવાની ત્રીજા એક વ્યક્તિ ઘનશ્યામસિંહ રાઠોડ સાથે ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ઘનશ્યામસિંહ રાઠોડની તપાસ આદરી તેને શોધી કાઢવા માટે મથામણ કરતા હતા ત્યારે અચાનક જ શિવાની તેના પુત્ર સાહિલને લઈને પોલીસ મથકમાં હાજર થઈ હતી. જ્યાં તેણે પોલીસ સમક્ષ તમામ વિગતો રજૂ કરી જણાવ્યું હતું કે પુત્ર સાહિલને મારી યાદ આવતાં તે મારી પાસે આવી ગયો હતો. બીજી તરફ પોલીસે પણ બાળક સાહિલનું પણ નિવેદન લેતાં કોઈ ગુનાહિત કાર્ય જણાઈ આવ્યું ન હતું. આમ સાબરમતી પોલીસ મથકના અધિકારી અને કર્મચારીઓએ ટૂંકા સમયમાં જ બાળક અને મહિલાના ગુમ થવા અંગેનો ગુનો ઉકેલી કાઢયો હતો.
•પતિ પુત્ર અને છોડી શિવાનીએ અન્યત્ર લગ્ન કર્યા ત્યાં પણ એક પુત્રને જન્મ આપ્યો ને…
અમદાવાદના મેમનગર ખાતે રહેતા દિપક કોરી સાથે વર્ષ ૨૦૧૨માં શિવાનીના લગ્ન કરવામાં આવ્યા હતા. જે સમય દરમિયાન તેણે સાહીલ નામના બાળકને જન્મ આપ્યો હતો. પતિ સાથે કોઈ અણબનાવ બનતા શિવાની તેના પતિ અને અંદાજે અઢી વર્ષના બાળકને છોડી તેના પિતાના ઘરે રહેવા આવી હતી. જ્યાં તેને જશવંત કરસનભાઈ પરમાર સાથે પરિચય થતા તેણે વર્ષ 2015માં લગ્ન કરી લીધા હતા. જે સમય દરમિયાન તેણે એક બાળકને જન્મ આપ્યો હતો.
•બે વર્ષ પછી બીજા પતિને છોડી હોસ્પિ.માંથી શિવાની ગુમ થઈ, પોલીસને જાણ કરાઈ
કલોલના સાતેજમાં રહેતા જશવંત કરસન પરમાર સાથે લગ્ન કર્યા બાદ એક સંતાનની માતા બનેલી શિવાની વર્ષ 2018માં બીમાર પડી હતી. જેને સારવાર માટે સોલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર લેતી શિવાની તેના પતિ જશવંત કે અન્ય લોકોને જાણ કર્યા વગર હોસ્પિટલમાંથી ગુમ થઈ જતા તેના બીજા પતિજશવંતે સોલા હાઇકોર્ટ પોલીસ મથકમાં જાણવાજોગ અરજી આપી હતી.
•બીજા પતિ અને પુત્રને છોડી શિવાનીએ ત્રીજું ઘર વસાવ્યું
સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલી શિવાની અચાનક ગુમ થઇ ગઇ હતી. બીજી તરફ તેના પહેલા પતિ તરફથી થયેલો પુત્ર સાહિલ પણ 10 વર્ષની ઉંમર પછી ગુમ થઈ જતા સાબરમતી પોલીસે તમામ વિખરાયેલી કડીઓને તપાસ દરમ્યાન એકઠી કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે જસવંત પાસેથી ગયેલી શિવાની કોઈ ઘનશ્યામસિંહ રાઠોડ નામના વ્યક્તિ સાથે રસોડામાં કામે જતી હતી. જે દિશામાં પોલીસે તપાસ આદરતા પોલીસ પોતાને શોધી રહી છે તેવી જાણ ઘનશ્યામસિંહ અને શિવાનીને થતાં શિવાની તેના પહેલા પુત્ર સાહિલ સાથે પોલીસ મથકમાં પ્રગટ થઈ હતી અને સઘળી હકીકત પોલીસ સમક્ષ જણાવી હતી. આમ સાબરમતી પોલીસ મથકનો અપહ્યત બાળક અને સોલા પોલીસ મથકનો ત્રણ વર્ષ પૂર્વે મહિલા ગુમ થયા અંગેનો ગુનો ઉકેલાઈ લઈ ગયો હતો.