Apna Mijaj News
અંતરની વ્યથા

કલોલ પાલિકાનું પૂર્વ સાથે ઓરમાયુ વર્તન: M.L.A. રાતાચોળ

ધારાસભ્ય તરીકે મળેલા હકનો ઉપયોગ કરી રોગચાળા મુદ્દે વિધાનસભામાં આક્રમક ચર્ચા કરાશે

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં સર્વાંગી રીતે ભેદભાવ રખાતો હોવાથી ધારાસભ્ય ભારે ખફા

વિધાનસભા અધ્યક્ષને કલમ 116 મુજબની નોટીસ આપી આગામી ૧૫મીએ રોગચાળા અંગે ચર્ચા કરાશે

સંજય જાની (અપના મિજાજ)

       કલોલના પૂર્વ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. દૂષિત પાણી પીવાથી આ વિસ્તારમાં રહેતા અંદાજે ૫૦૦ જેટલા લોકોને પેટમાં દુઃખાવા સાથે ઝાડા ઉલટી થઈ જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એક અઠવાડિયાથી વકરેલી પરિસ્થિતિમાં સત્ય હકીકત શું છે તે જાણવા માટે પાલિકાનું આખું તંત્ર ઉંધામાથે થયું છે પરંતુ તેઓ કોઈ ઠોસ જાણકારી મેળવી શક્યા નથી. જોકે પાલિકાના સત્તાધીશો તરફથી પૂર્વ વિસ્તારમાં સર્વાંગી વિકાસ કરવામાં ઓરમાયુ વર્તન દાખવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે અહીંના ધારાસભ્ય બળદેવજી ઠાકોર રાતા ચોળ થયા છે. પાલિકાના સત્તાધીશો એકને ખોળ અને બીજાને ગોળ આપતા હોવાની નીતિને લઈ તેઓએ ચિંતા પણ વ્યક્ત કરી છે. પૂર્વ વિસ્તારમાં વકરેલી રોગચાળાની પરિસ્થિતિને લઈ ધારાસભ્યએ તેમને મળતા હકો પ્રમાણે કલમ-૧૧૬ મુજબની નોટીસ વિધાનસભા અધ્યક્ષને આપી આ મુદ્દે ચર્ચા કરવા જણાવ્યું છે. વિધાનસભા અધ્યક્ષે પણ તેમની નોટિસનો સ્વીકાર કરી આગામી તા. ૧૫ માર્ચના આ મુદ્દે વિધાનસભામાં ખાસ ચર્ચા કરવામાં આવશે.

      કલોલમાં 9 માસના માસૂમનો ભોગ લેનાર રોગચાળો અઠવાડિયું થવા છતાં કાબૂમાં આવ્યો નથી. શુક્રવાર સાંજ સુધીમાં કલોલ પૂર્વમાં ઝાડા-ઉલટીના નવા 58 કેસ નોંધાયા હતા.ત્યારે બીજી તરફ લોકોમાં એવા સવાલ થઈ રહ્યા છે કે કલોલ પૂર્વની ગટરની લાઈનો 50 વર્ષ જૂની છે, જેના પગલે વારંવાર લીકેજ થતા હોય છે. જુલાઈ-2021માં રોગચાળામાં પાંચના મોત બાદ પાલિકા દ્વારા કલેક્ટરને રજુઆત કરી તમામ પાઈપ લાઈન બદલવા માંગણી કરી હતી. તેમજ જીયુડીસીમાં પ્રસ્તાવ મૂક્યો હતો, જેને કલેક્ટર દ્વારા સ્પેશિયલ કેસમાં લેવા ભલામણ પણ કરાઈ હતી. જે માટે 1.75 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, જેનું ટેન્ડરીંગ જીયુડીસી દ્વારા કરાશે. ત્યારે પાંચ લોકોના મોતને સાત મહિના જેટલો સમય થવા છતાં હજુ સુધી નવી લાઈનની કામગીરી શરૂ થઈ નથી.
પૂર્વમાં અત્યાર સુધીમાં ઝાડા-ઉલ્ટીના કુલ કેસનો આંકડો 473 પર પહોંચ્યો છે. શુક્રવારે નોંધાયેલા નવા 58 કેસમાંથી 24 દર્દીઓનો દાખલ કરાયા હતા. જેમાંથી 15 કલોલ સીએચસી, 4 ગાંધીનગર સિવિલ અને ચાર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોગ્ય તંત્ર દ્વારા કલોલ પૂર્વ વિસ્તારમાંથી પાણી 21 સેમ્પલ લીધા હતા જે પૈકી 12નો રિપોર્ટ આવતા 7 પીવાલાયક ન હોવાનું જ્યારે 5 પીવા લાયક હોવાનું સામે આવ્યું હતું.

પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રખાતી ભેદરેખા ભૂસવી જ રહી

     ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પાલિકાના સત્તાધીશો સામે પોતાનો રોષ ઠાલવતાં કહ્યું છે કે ચીફ ઓફિસર સહિતના લોકો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર સાથે ભેદરેખા ચીતરીને બેઠા છે. પશ્ચિમ વિસ્તારને જે રીતે સર્વાંગી વિકાસમાં પ્રાધાન્ય આપવામાં આવે છે તેવું પૂર્વ વિસ્તારમાં કરવામાં આવતું નથી. જે બાબત યોગ્ય છે. પૂર્વ વિસ્તાર બા છાશવારે સર્જાતી રોગચાળાની પરિસ્થિતિ નિવારવા પાલિકાના સત્તાધીશોએ શુદ્ધ આયોજન ઘડી કાઢવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

પાલિકાનું વલણ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય તેના જેવું

      અહીંની 59 સોસાયટીમાં નળથી અપાતું પાણી બંધ કરી પીવા અને વાપરવા માટે ટેન્કરની વ્યવસ્થા કરવા આરોગ્ય વિભાગે પાલિકાને સુચના આપી હતી. અત્યાર સુધી પૂર્વની 22 સોસાયટીમાં પાણી બંધ કરાયું હતુ, હવે વધુ 37 સોસાયટીમાં પાલિકા દ્વારા આજથી પાણી બંધ કરાશે. પાલિકા તંત્ર રોગચાળા નાબૂદીમાં લીકેજ શોધવાની કામગીરી સિવાય કશુ ઉકાળી શક્યું નથી. પાલિકા દ્વારા અત્યાર સુધી લીકેજ શોધવાની કામગીરીમાં 15 લીકેજ મળ્યા છે જેમાં 14નું રીપેરિંગ કરી દેવાયું છે અને 1માં કામગીરી ચાલી રહી છે. આમ પાલિકાનું વલણ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવા જેવું બન્યું છે.

યુદ્ધના ધોરણે લાઈનો બદલવા માટે રજૂઆત

   સમગ્ર મુદ્દે ડો. બાબાસાહેબ આંબેડકર ગૌરવ સમિતિ કલોલ દ્વારા પ ચીફ ઓફીસરને યુદ્ધના ધોરણે પાણીની લાઈનો બદલવા લેખિત રજૂઆત કરી છે. જેમાં વારંવાર ઉભી થતી સમસ્યાનો કાયમી ઉકેલ જરૂરી છે. જેથી વર્ષો જુની પાણી અને ગટરની લાઈનો બદલીને બંને વચ્ચે અંતર રાખીને નવી લાઈનો નાખવામાં આવે તે જરૂરી છે.

Related posts

વિકાસની દોટમાં ૭૫ ‘વૃક્ષનારાયણ’ની હત્યા !

ApnaMijaj

આ મહિલાઓ નરેન્દ્ર મોદી માટે શું બોલી?

ApnaMijaj

ભાજપે ચૌધરી સમાજની કોણીયે ગોળ ચોપડ્યો

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!