કલોલ પાલિકા દ્વારા નગરના રહીશોને સારા રોડ રસ્તા મળી રહે તે માટે નવા આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના માનીતા લોકો માટે નવ નિર્માણ થતાં આરસીસી રોડમાં મોટા પ્રમાણમાં ખાયકી થતી હોવાની ફરિયાદો નગરજનો કરી રહ્યા છે. જોકે આ અંગે અહીંના ધારાસભ્યએ પણ પાલિકાના સત્તાધીશોનું પત્ર લખી ધ્યાન દોર્યું છે તેમ છતાં તેમની વાતને પણ પાલિકાના સત્તાધીશો ગણકારતા ન હોય તેવું તેમના વર્તન પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. બે ત્રણ દિવસ પૂર્વે જ શહેરના બગીચાના પાછળના ભાગે આવેલી કેરેવાન સ્કુલ પાસે આરસીસી રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જે કામમાં કોન્ટ્રાકટર દ્વારા નરી વેઠ ઉતારવામાં આવતી હોવાની ફરિયાદ ચીફ ઓફિસર અને એન્જિનિયરને ફોન દ્વારા એક જાગૃત નાગરિકે કરી હતી પરંતુ બન્નેમાંથી કોઇ એક જવાબદાર માર્ગ નિર્માણના કામની ચોકસાઇ કરવા માટે ફરકયો ન હતો. જેના પરથી એ સાબિત થઈ જાય છે કે કહેવાતા વિકાસના કામોમાં દે ધનાધન થઈ રહી છે અને કામ ચોકસાઈપૂર્વકનું થાય છે કે નહીં તે જોવા માટે ના તો અહીંના રહીશોને કોઈ પડી છે નાતો પાલિકાના સત્તાધીશોને!
કલોલ પાલિકામાં સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ગ્રાન્ટની લાખો રૂપિયાની રકમ જે હેતુ માટે આવી હતી. તે હેતુ પાછળ વાપરવામાં નથી આવી અને પાલિકાના સત્તાધીશોએ મનસ્વી રીતે પોતાના ખાસ માનીતાઓ ને રાજી કરવા માટે સોસાયટી વિસ્તારમાં આર.સી.સી રોડ બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચ કરી નાખ્યા હોવાની બાબત સપાટી પર આવી છે. નગરના વિવિધ વિસ્તારોમાં નવનિર્માણ કરવામાં આવેલા આરસીસી રોડમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો સાથે રહીશોએ જે તે વિસ્તારના નગરસેવકો અને પાલિકાના સત્તાધીશો પાસે રજૂઆત કરી છે પરંતુ કહેવાતા નેતાઓ તેમની રજૂઆત ઘોળીને પી ગયાના આક્ષેપો ઉઠયા છે.
•ભ્રષ્ટાચારની રકમમાંથી ખાધેલા રોટલા પચે છે કઈ રીતે ?
નગરમાં નવનિર્માણ થતા કે તાજેતરમાં થઈ ગયેલા આરસીસી રોડનું કામ તકલાદી કરવામાં આવ્યું હોવાના આક્ષેપો નગરજનો કરી રહ્યા છે. એટલું જ નહિ અમુક જાગૃત નાગરિકો એમ કહીને પોતાની હૈયાવરાળ ઠાલવી રહ્યા છે કે ભ્રષ્ટાચારની રકમમાંથી ખાધેલા રોટલા કોન્ટ્રાક્ટરો અને પાલિકાના સત્તાધીશોને પચે કઈ રીતે છે? લોકો તો ત્યાં સુધી કહે છે કે પાલિકાના કામનો ઠેકો રાખનાર ઠેકેદારો ભ્રષ્ટાચારની રકમ ખાઈ ખાઈને પેટ મોટા કરી ફરી રહ્યાં છે. પરંતુ જનતાના ટેક્સમાંથી આવતી રકમમાંથી થતા વિકાસ કામોમાં થોડી ઈમાનદારી રાખે તે પણ જરૂરી છે.
•મોટા ભા થઇ ફરતા કોન્ટ્રાક્ટરો-સંલગ્ન બાબુઓના મિલકતોની ચકાસણી કરવા માગણી
પાલિકા હસ્તક નગરજનોની સેવા માટે કરવામાં આવતા અનેક પ્રકારના કામોના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા છે. વર્ષોથી પાલિકામાં એકની એક એજન્સી વિવિધ પ્રકારના કામની ઠેકેદારી લેતી આવી હોવાના આક્ષેપો સાથે નગરજનો ત્યાં સુધી કહે છે કે જો આ કોન્ટ્રાક્ટરો અને જે તે વિભાગના સરકારી બાબુઓના મિલકતની ઇન્કમટેક્સ વિભાગ અથવા તો અન્ય એજન્સી દ્વારા ચકાસણી કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બિનહિસાબી આવક જાહેર થઈ શકે તેમ છે. શહેરીજનોની જો આ ચર્ચા અને વાતમાં ભરોસો કરીને ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ છૂટે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી તરી જાય તેવી બાબત પણ જોવાઈ રહી છે.