•તાલુકા પોલીસ મથકમાં કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રએ અનેક દુઃખિયારીના આંસુડા લુછ્યાં
•સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હિંસાથી પીડિત મહિલાને અપાય છે સહાય
•સહાયતા કેન્દ્રના કાઉન્સેલર દિપીકાબેન રાવળ અને નેહા પંડ્યા મહિલા સહાય માટે તત્પર
સંજય જાની (અપના મિજાજ- નેટવર્ક)
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હિંસાથી પીડિત મહિલાને સહાય, માર્ગદર્શન તેમજ કાઉન્સેલિંગ મળી રહે તે માટે રાજ્યના નિયત કરેલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરની યોજના શરૂ કરવામાં આવેલી છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકા મથકને આવરી લેતું મહિલા સહાયતા કેન્દ્ર મહેસાણા અમદાવાદ હાઇવે સ્થિત કલોલ તાલુકા પોલીસ મથક ખાતે કાર્યરત છે. કેન્દ્ર દ્વારા કલોલ સહિતના ચાર તાલુકા મથકમાં હિંસાથી પીડિત અનેક મહિલાઓના દુ:ખડાં દૂર કરી તેમના જીવનમાં હર્ષસભર ‘ખુશાલી’ ભરવા અહીંના કાઉન્સેલર દિપીકાબેન રાવળે પોતાની આંતરિક સમજણ શક્તિઓ થકી હિંસા પીડિત મહિલાઓને ‘નવજીવન’ બક્ષ્યું છે. જે આજના વિશ્વ મહિલા દિવસે પ્રેરણાદાયી બની રહે તેમ છે.
કલોલ તાલુકા પોલીસ મથક ખાતે કાર્યરત મહિલા સહાયતા કેન્દ્ર હિંસા પીડિત મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે. સહાયતા કેન્દ્રમાં કાર્યરત કાઉન્સેલર દિપીકાબેન રાવળની કામગીરી ઊડીને આંખે વળગી રહી છે.થોડા દિવસો પૂર્વે જિલ્લાના એક ગામમાં રહેતી મહિલાના લગ્ન 21 વર્ષ અગાઉ થયા હતા. જેમને સંતાનમાં એક દીકરી છે. જોકે લગ્નજીવન દરમ્યાન મહિલાનો પતિ અને તેના સાસુ શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી અત્યાચાર કરતા હતા. દિકરી મારી જે અત્યાચાર સહન નહીં થતાં મહિલા વારંવાર તેના પિયર જતી રહેતી હતી. પરિણીતાના માતાપિતા સહિતના લોકો પોતાની દીકરીનું લગ્ન જીવન બચાવવા માટે તેના સાસરી પક્ષને કરગરી અને અત્યાચાર નહીં ગુજારવા કહેતા હતા પરંતુ પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો ન હતો. અસહ્ય ત્રાસથી પીડિત મહિલા પોતાની દીકરી સાથે જીવનનો અંત લાવવાનું વિચારી આત્મહત્યા માટે તૈયાર થઈ હતી.
જીવનભર સાથ નિભાવવાના કોલ આપનાર પતિ હેવાન સાબિત થયો હતો. મા સમાન સાસુ પણ ત્રાસ આપવામાં પાછું વળીને જોતા ન હતા અને એક દિવસ પતિ તેમજ સાસુએ મહિલાને તેની માસૂમ દીકરી સાથે ઘરની બહાર કાઢી મુક્યા હતા. જેથી હવે જીવન જીવવું અઘરું લાગતાં જીવનનો અંત લાવવા પહોંચેલી પરિણીતા અંગે મહિલા સહાયતા કેન્દ્રના અધિકારીને જાણ થતા તેને સમજાવી મહિલા સહાયતા કેન્દ્રની કચેરીમાં લાવી તેને સાંત્વના પાઠવી કેન્દ્રના કાઉન્સેલર દિપીકાબેન રાવળે સમગ્ર બાબતની ગુણવંત ભરી તપાસ કરી હતી. દિપીકાબેન પીડિત મહિલા પાસેથી તમામ હકીકત જાણ્યા બાદ તેના પતિ અને પરિવારના અન્ય સભ્યો સાથે વારંવાર બેઠક કરી અત્યંત સમજણપૂર્વક કામ લઈને બંને પક્ષે સુખદ સમાધાન કરાવ્યું હતું. કાઉન્સેલર દિપીકાબેને પીડિત મહિલાના પતિ તેમજ અન્ય સભ્યો સાથે બનાવ સંબંધિત તમામ પ્રકારની ચર્ચા કરી તેઓને સમજણ આપતા પીડિતાનો પતિ પત્ની અને બાળકને સાથે ઘરે લઈ જવા સહમત થયો અને એક તૂટતું દાંપત્ય તેમજ અકાળે અસ્ત થવા જતી જિંદગી ફરી એકવાર રાજીખુશીથી પરિવાર સાથે જીવનનિર્વાહ કરે છે.
•હિંસાથી પીડિત મહિલાને માત્ર સહાયતા નહીં પ્રેમ અને હૂંફ પણ આપવામાં આવે છે
કલોલ સ્થિત મહિલા સહાયતા કેન્દ્રમાં કાર્યરત દિપીકાબેન રાવળ અત્યંત મૃદુ અને મિલનસાર સ્વભાવ ધરાવે છે. તેઓએ તેમના સકારાત્મક વિચારો દ્વારા વર્ષો જુના લગ્નેતર સંબંધો તૂટતા બચાવ્યા છે. દિપીકાબેન પોતાના ફરજના ભાગરૂપે કામ કરે છે તેવું નથી. પરંતુ તેઓ હ્રદયપૂર્વક એવું માને છે કે નારી ઉપર કદાપિ અત્યાચાર ન થવો જોઈએ. તેમ છતાં પુરુષપ્રધાન દેશમાં વર્ષોથી નારી પર દમન થતા આવ્યા છે અને થાય પણ છે તેની સામે તેઓ અત્યંત વ્યથા અનુભવે છે. તેઓ કહે છે કે પ્રેમ, વાત્સલ્ય અને સંવાદથી મોટામાં મોટી સમસ્યા હલ કરી શકાય તેમ છે. હિંસાથી પીડિત લોકોને માત્ર એક સધિયારાની જરૂર હોય છે. જો સમયસર પીડિત મહિલાને સથવારો મળી જાય તો તેના જીવનમાં આવેલી ઉપાધિને ખુશાલીમાં ફેરવી શકાય તેમ છે અને આ માટે તેઓ હંમેશા તત્પર રહેશે. મહિલા સહાયતા કેન્દ્ર માં હિંસા પીડિત મહિલાને માત્ર સહાયતા નથી આપવામાં આવતી પરંતુ તેમને પ્રેમ અને હુંફ આપી આનંદિત નવજીવનની દિશામાં જિંદગી જીવવાના પાઠ પણ ભણાવવામાં આવે છે.