•દેશની સૌથી મોટી કેટરિંગ બ્રાન્ડને જમણવારનો ઓર્ડર અપાયો હતો
•દિલ્હી દરબાર કેટરીના દુધીનો હલવો ખાધા બાદ લોકો હોસ્પિટલ ભેગા થયા
•ઘટનાના પગલે આરોગ્ય મંત્રી, એસ.પી, કલેકટર સહિતના લોકો દોડી ગયા
સંજય જાની (અપના મિજાજ)
મહેસાણાના વિસનગર તાલુકાના સવાલા ગામે પ્રદેશ કોંગ્રેસના અગ્રણીના પુત્રની શાદીના અવસરે મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પ્રસનમાં ઉપસ્થિત લોકોને આપવામાં આવેલી દાવતમાં દેશની સૌથી મોટી દિલ્હી દરબાર કેટરિંગ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. દાવતમાં ઉપસ્થિત મહેમાનોએ અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓની મિજબાની માણી હતી. શુક્રવારની સાંજે સાત વાગ્યાના અરસામાં દાવતની મિજબાની માણ્યા બાદ 1200થી વધુ લોકોને મોડી રાત્રે પેટ માં દુખાવા સાથે ઝાડા ઉલટી થઇ જતાં તેઓને વિસનગરની સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય જગ્યાએ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મિજબાની માણ્યા બાદ ખોરાકી ઝેરની અસર થયાનું સામે આવતા મધરાત્રે એક વાગ્યાના અરસામાં ભારે દોડાદોડી મચી જવા પામી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી વઝીર ખાન પઠાણના પુત્ર શાહરૂખ ખાનના શાદીના પ્રસંગમાં વિસનગરના સવાલામાં દાવત રાખવામાં આવી હતી. દાવતમાં ઉપસ્થિત લોકોએ દેશની સૌથી મોટી કેટરિંગ દિલ્હી દરબાર એજન્સીએ પીરસેલી અલગ-અલગ સ્વાદિષ્ટ વાનગીઓની મિજબાની માણી હતી. જે બાદ મોડી રાત્રે 1200 થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતા પ્રથમ તેઓને પેટમાં દુખાવો તે બાદ ઝાડા ઊલટીઓ થઈ જતાં અસરગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય જગ્યાએ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઇને મધરાત્રે ભારે અફરાતફરીનો માહોલ મચી જવા પામ્યો હતો.
ઘટનાની જાણ મહેસાણા જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી ઓમ પ્રકાશ સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. બનાવ અંગેની જાણ મોડી રાત્રે વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ ભાઈ પટેલને થતાં તેઓ પણ વહેલી પરોઢે અંદાજે ત્રણ વાગે હોસ્પિટલ પહોંચી ગયા હતા અને અસરગ્રસ્તોની ખબર અંતર પૂછી હતી. અસરગ્રસ્તોને સારવાર આપવા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર વિનોદ પટેલ, બી.જે. મેડિકલમાંથી 10 તબીબોની ટીમ તેમજ 26 નર્સ સતત ખડેપગે રહ્યા હતા.
રાજકીય અગ્રણીના ઘરે જોડાયેલા પ્રસંગમાં ફૂડ પોઈઝનથી આમંત્રિત મહેમાનોને પડેલી તકલીફને લઈ મોભી વજીર ખાને નિવેદન આપતા કહ્યું હતું કે જે લોકો સારવાર હેઠળ છે તે તમામનો ખર્ચ અમે ભોગવીએ છીએ, શુભચિંતકો દુઃખની ઘડીમાં સાથે રહ્યા છે. રાજકીય સામાજિક અગ્રણીઓએ હાજરી આપી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એસ.કે ના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને ધારાસભ્ય ઋષિકેશ ભાઈ પટેલ દુઃખની ઘડીમાં ખૂબ જ ઉપયોગી બન્યા છે. તેઓએ ઉમેર્યું હતુ કે કેટરિંગ કોન્ટ્રાક્ટ દ્વારા અમદાવાદના હસમુખભાઈ પાસેથી માવો ખરીદવામાં આવ્યો હતો. સ્વજનો સાથે બનેલી ઘટનાને લઇ અગ્રણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. જોકે વાત કરતા કરતા વઝીર ખાન પોતાના આંસુ રોકી શક્યા ન હતા.