Apna Mijaj News
સતર્કતા સાથે સાહસ

મહિલાએ અડધી રાતે ચાલું ટ્રેનમાંથી છલાંગ મારતા ટીટીઈ ચોંકી ગયા…

રાજકોટ ડિવિઝનના TTEની સતર્કતાથી ટ્રેનમાં મુસાફરોનો સામાન ચોરતી મહિલા તસ્કર કેવી રીતે ઝડપાઈ ? 

રૂ. 1.75 લાખની કિંમતનો સામાન પેસેન્જરને પરત આપવામાં આવ્યો અને ઉચ્ચાધિકારીઓએ ટીટીઈની સતર્કતાને બીરદાવી
રાજકોટ:(અપના મિજાજ નેટવર્ક)
ગત 17મી ફેબ્રુઆરીની ઘટના. અડધી રાત વીતી ગઈ હતી અને હજું અડધી બાકી હતી., એવા સમયે રાજકોટ રેલવે સ્ટેશન પણ જાણે આખા દિવસની દોડધામ અને મુસાફરોની વ્યગ્રતા – ઉતાવળ જોઈને લાગેલી થકાવટને ખંખેરી રહ્યું હતું. શિયાળો પણ હવે વિદાય લઈ રહ્યો હતો, પણ પવનની લહેરખી ક્યારેક ઠંડીનો ચમકારો બતાવીને શિયાળો હજુ સંપૂર્ણ ગયો ન હોવાની સાબિતી આપી દેતી હતી. એવા સમયે રાજકોટ ડિવિઝનના ટીટીઈ નિરંજન પંડ્યા ડ્યુટી પર જવા માટે પ્લેટફોર્મ નંબર 3 પર ટ્રેનની રાહ જોઈને ઉભા હતા. તેમણે પોતાની ઘડિયાળમાં જોયું તો, રાત્રીના 01:15 વાગી રહ્યા હતા. એવા સમયે તેમણે જોયું તો, પ્લેટફોર્મ નંબર 3 પર જ ઉભેલી ટ્રેન મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના એસી કોચ B-1માં એક મહિલા અચાનક દોડીને પ્રવેશી ગઈ.

           ટીટીઈ પંડ્યાને થોડું અજૂગતું લાગ્યું. કારણ કે, ટ્રેન તો પ્લેટફોર્મ પર ઉભી જ હતી અને અત્યારે અડધી રાતે એવી ભીડભાડ પણ નહોતી કે, આવી રીતે દોડીને ટ્રેનના આ એસી કોચમાં પ્રવેશવું પડે. ખેર, હશે કાંઈક પ્રશ્ર… એમ વિચારીને પંડ્યાએ ઘડીક તો એ બાબત નજરઅંદાજ કરી, પણ રહી રહીને એમનું ધ્યાન એ કોચ તરફ જ જતું હતું, જેમાં પેલી મહિલા દોડીને ચડી ગઈ હતી. થોડા સમય પછી જ્યારે ટ્રેન ઉપડી અને પાટા પર સરકવા માંડી ત્યારે એ જ કોચમાંથી પેલી મહિલાએ બેગ સાથે ચાલતી ટ્રેનમાંથી છલાંગ લગાવી. ટીટીઈ પંડ્યા ચોંકી ગયા. કારણ કે, ટ્રેનમાં ચડતી વખતે મહિલા પાસે કોઈ બેગ નહોતી અને નીચે ઉતરતી વખતે તેના પાસે બેગ હતી. આથી તેમણે શંકાના આધારે આ મહિલાને રોકી. જો કે, એટલી વારમાં તો જે એ.સી. કોચમાંથી મહિલા ઉતરી હતી, એમાં કોચમાંથી બે મુસાફરોએ બૂમો પાડવાનું શરૂ કર્યું કે, એક મહિલા તેમની બેગ લઈને ભાગી ગઈ છે. ટીટીઈ પંડ્યાએ પેલી મહિલાને ટિકિટ બતાવવા કહ્યું. પણ, મહિલા પાસે ટિકિટ ન હતી અને તે યોગ્ય જવાબ પણ આપી શકતી ન હતી. હવે આખી વાત સમજતા પંડ્યાને વાર ન લાગી. એકને એક બે જેવી સ્પષ્ટ વાત હતી. તેમણે તરત જ મહિલા પાસેથી બેગ લઈને ચાલુ ટ્રેનમાં કોચમાંથી બૂમો પાડતા પેસેન્જરને પાછી આપી.
        જો કે, એ પછી પંડ્યાએ જોયું કે, સ્ટેશન પર બેન્ચની પાછળ આ મહિલાએ બીજી પણ એક બેગ પણ છુપાવી હતી. ટીટીઈએ આ ઘટના અંગે તાત્કાલિક આરપીએફ સ્ટાફ અને કંટ્રોલને જાણ કરી અને આ મહિલા ફરજ પરના આરપીએફ સ્ટાફ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સીતારામ મગાવા અને કોન્સ્ટેબલ હરેશ સોંડલાને સોંપી દીધી હતી. આરપીએફ દ્વારા મહિલાની સઘન પૂછપરછ કરવામાં આવી, પણ એ સંતોષકારક જવાબ આપી શકી ન હતી. અંતે આ મહિલાએ સ્વેચ્છાએ કબૂલાત કરી કે, તેણે રાત્રે મુસાફરોની ઊંઘનો લાભ ઉઠાવીને ટ્રેનમાંથી સામાનની ચોરી કરી હતી. આ પછી સમીમબાનો નામની 36 વર્ષની આ મહિલાએ પોતે જલગાંવ જિલ્લાના પટોલા ગામની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેને જીઆરપીને સોંપવામાં આવી હતી અને તેના પર આઈપીસીની કલમ 379 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
        થોડા સમય પછી એસી કોચમાં મુસાફરી કરી રહેલા કિશોરભાઈ ટંડેલ નામના પેસેન્જરે પણ પોતાની જાંબલી રંગની ટ્રોલી બેગ ચોરાઈ ગઈ હોવાનું ટીટીઈને જણાવ્યું હતું. વ્યવસાયે માછીમાર અને કોસંબાનો રહેવાસી કિશોરભાઈ પોતાના સંબંધીના લગ્નમાં પોરબંદર જઈ રહ્યા હતા. ટીટીઇ દ્વારા આરપીએફ કંટ્રોલ રાજકોટને જાણ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, રાજકોટ સ્ટેશન પર મહિલા તસ્કરની પાસેથી મળેલી બેગ એ જ છે. માહિતીની ચકાસણી કર્યા પછી ટ્રોલી બેગ અને તેનો આશરે રૂ. 1.75 લાખ રૂપિયાનો તમામ સામાન કિશોરભાઈને પરત કરવામાં આવ્યો હતો. રાજકોટ ડિવિઝનના ડિવિજનલ રેલવે મેનેજર, અનિલ કુમાર જૈન, સીનિયર ડીસીએમ અભિનવ જેફ અને ડિવિજનલ સિક્યોરિટી કમિશનર પવનકુમાર શ્રીવાસ્તવે ટીટીઈ પંડ્યાની ત્વરિત કાર્યવાહી, પ્રમાણિકતા અને કામ પ્રત્યેના સમર્પણને બીરદાવ્યા હતા.  # સાભાર-સિટી પોઇન્ટ ન્યુઝ#
                                                   (તસવીર પ્રતિકાત્મક છે)

Leave a Comment

error: Content is protected !!