•સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટરનું પણ ઈ- લોકાર્પણ કરાયું
સંજય જાની (અપના મિજાજ)
રાજ્યના પાટનગરના મહત્વના તાલુકા તરીકે જેની ગણના કરવામાં આવે છે તેવા કલોલ તાલુકાના સર્વાંગી વિકાસ માટે છેલ્લા નવ વર્ષથી સતત પ્રયત્નશીલ રહેતા ધારાસભ્ય બળદેવજી ઠાકોરના પ્રયાસોથી સારો એવો વિકાસ સાધી શકાયો છે. કલોલ શહેર અને તાલુકાની વિધાનસભા મત ક્ષેત્રના તમામ ગામ અને પ્રજા માટે જરૂરિયાત મુજબની તમામ નિયમોનુસારની સુવિધા ઉપલબ્ધ કરાવવા ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટ સો ટકા ખર્ચ કરવામાં આવી રહી છે. ઉપરાંત સરકાર સામે સતત સંઘર્ષ થકી અનેકવિધ યોજનાઓનો લાભ પણ જનતાને મળી રહે તે માટે મરણિયા પ્રયાસો ધારાસભ્ય દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેના ફળ સ્વરૂપે આજે શિવરાત્રીના પાવન પ્રસંગે કલોલની જનતાને સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે ધારાસભ્યની ૧૮ લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી છે. ઉપરાંત શહેરની સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટરનું ઈ-લોકાર્પણ ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શ્રીમતી નિમિષાબેન સુથારના હસ્તે ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરના મહત્વના કાલોલ તાલુકાની પ્રજા માટે આરોગ્ય સેવા વધુ સુદ્રઢ બને તે માટે અહીંના ધારાસભ્ય બળદેવજી ઠાકોરની ૧૮ લાખની ગ્રાંટમાંથી અધ્યતન એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત અહીંની સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટરની સુવિધા ઊભી કરી તેનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. શિવરાત્રીના દિવસે સવારે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક પરમાર, મહિલા પ્રમુખ બીનાબેન રાવલ, તાલુકા પંચાયતના પ્રમુખ ધુળાજી ઠાકોર, પાલિકા પ્રમુખ ઉર્વશીબેન મુકેશભાઈ પટેલ, ચીફ ઓફિસર નિતીન બોડાત, પાલિકાના વિપક્ષી નેતા શાહદુલાખાન પઠાણ, સિવિલ હોસ્પિટલના તબીબ ટાંક તેમજ શહેરના રાજકીય, સામાજિક આગેવાનો, તાલુકા પંચાયતના સદસ્યો, પાલિકાના નગરસેવકો તેમજ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
•ડાયાલિસિસ સેન્ટર-એમ્બ્યુલન્સનો ઓછો ઉપયોગ થાય તેવું કરજો: બળદેવજી ઠાકોર (ધારાસભ્ય)
કલોલ શહેર તેમજ તાલુકાની પ્રજા નીરોગી રહે તેવી હૃદયપૂર્વકની નેમ વ્યક્ત કરતા લડાયક મિજાજના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પોતાના પ્રવચનમાં હોસ્પિટલમાં શરૂ થયેલા ડાયાલિસિસ સેન્ટર અને નૂતન એમ્બ્યુલન્સની ભેટ આપતા કહ્યું હતું કે આ બંને વિભાગનો જેમ બને તેમ ઓછો ઉપયોગ થાય તેવું આપણે સૌ ઈચ્છીએ. તેઓએ ઉમેર્યુ હતું કે આપણે આરોગ્ય સેવા માટે જે વસ્તુની ભેટ આપેલી છે તે જરૂરી છે પરંતુ કોઇ માનવી એ રીતનું દર્દ ના મેળવે તે પણ ખૂબ જરૂરી છે. આમ કહી તેઓએ પ્રજાજનોના આરોગ્યની ચિંતા કરી સર્વે લોકો નિરોગી રહે તેવી પોતાની ભાવના વ્યક્ત કરી હતી.