• રિમાઇન્ડર કર્યું છતાં એકશન ટેકન રિપોર્ટ નહીં મોકલતા આયોગલાલઘૂમ
સંજય જાની (અપના મિજાજ)
ગાંધીનગર જિલ્લાના કલોલમાં બે વર્ષ પૂર્વે કોલેરા રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતાં. જે બાદ પાલિકા સહિતનું તંત્ર આળસ ખંખેરીને ઊભું થયું હતું. ગંભીર ઘટના અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આયોગે પણ આ બાબતની ગંભીર નોંધ લઇ આરોગ્ય સચિવ અને ગાંધીનગર કલેકટર પાસેથી એક મહિનામાં એકશન ટેકન રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ મોકલવામાં આવ્યું હતું પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા અહેવાલ મોકલવામાં આવ્યો ન હતો. જેની આયોગે ખૂબ જ ગંભીર નોંધ લઇ આક્રમક તેવર અખત્યાર કરી આરોગ્ય સચિવ અને ગાંધીનગર જિલ્લા કલેકટરને દિલ્હી સ્થિત કચેરીએ બે વર્ષ પછી પણ હાજર થવા ફરમાન કરતાં મુદ્દો ફરી એક વખત ગરમાયો છે.
કલોલ પાલિકા વિસ્તારમાં વર્ષ ૨૦૨૧ના જુલાઈ મહિનામાં કોલેરા ફાટી નીકળ્યો હતો. કોલેરાએ જોતજોતામાં પાંચ માનવ જિંદગીનો ભોગ લઇ લીધો હતો. પાંચ પાંચ માનવ જિંદગી કોલેરામાં અસ્ત થઇ ગયા બાદ પાલિકા સહિતનું તંત્ર સફાળું જાગ્યું હતું. જોકે આ બાબતે અમદાવાદના માનવઅધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં માનવ અધિકાર પંચ મુદ્દે એક પિટિશન દાખલ કરી હતી. તંત્રની લાપરવાહી અને બેદરકારીના કારણે નાગરિકોના બંધારણના આર્ટિકલ 21 મુજબ જીવન જીવવાના અધિકાર અને માનવ અધિકારનો ભંગ થયો છે. તેવી દલીલ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દિલ્હી દ્વારા રાજ્યના આરોગ્ય સચિવ અને જિલ્લા કલેકટર ડૉ.કુલદીપ આર્યને એક મહિનામાં એકશન ટેકન રિપોર્ટ આપવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ કહેવાય છે કે રાજ્યના આ બંને જવાબદાર અધિકારીઓએ પણ રિપોર્ટ આપવામાં અસહકાર ભર્યું વલણ અખત્યાર કર્યું હતું. જે તેઓને બે વર્ષ પછી ભારે પડ્યું છે.
કલોલમાં બે વર્ષ પૂર્વે બનેલી ઘટનામાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે આરોગ્ય સચિવ અને કલેક્ટર પાસે રિપોર્ટ માગવામાં આવ્યો હતો. પરંતુ બંને જવાબદાર અધિકારીઓએ આ અંગે આંખ આડા કાન કર્યા હોવાનું સામે આવ્યું છે. બે વર્ષ બાદ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા બંને જવાબદાર અધિકારીઓના વલણની ગંભીર નોંધ લઇ લાલ આંખ કરી છે. આયોગ દ્વારા બંને જવાબદાર અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી અધિકારીઓને આગામી 28 એપ્રિલના સવારે 11 વાગ્યે દિલ્હી ખાતે રૂબરૂ રિપોર્ટ સાથે હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. જે બાબતને લઈને સ્થાનિક તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
•જે તે વખતે રિપોર્ટ નહી મોકલતા સમન્સ અપાયું
કલોલમાં બે વર્ષ પૂર્વે ફાટી નીકળેલા પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં સ્થાનિક તંત્રની ગંભીર બેદરકારી સામે આવેલી છે. આ અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સમક્ષ એક પિટિશન માગી દાદ માગવામાં આવી હતી. જેના અનુસંધાને આયોગે આરોગ્ય સચિવ અને જિલ્લા કલેક્ટર પાસે રિપોર્ટ માગ્યો હતો પરંતુ જવાબદાર અધિકારીઓએ આયોગને સહકાર નહીં આપતા આયોગે સમન્સ કાઢી બંને અધિકારીઓને રિપોર્ટ સાથે દિલ્હી સ્થિત કચેરીએ હાજર થવા ફરમાન કર્યું છે. આયોગના આકરા તેવરથી અસહકાર ભર્યું વલણ દાખવતા અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે.
•આયોગ ખુદ એક દીવાની અદાલત છે: રજૂઆતકર્તા
આ અંગે રજૂઆતકર્તા કાંતિલાલ પરમારે કહ્યું હતું કે આયો ખુદ એક દીવાની અદાલત છે. તેની પાસે કોર્ટના દિવાની અધિકારો છે. સરકારી તંત્ર દ્વારા કોર્ટના આદેશ કે નિર્દેશ ની અવગણના કરવામાં આવતી હોય અને કોઇ પ્રકારનો સહકાર આપવામાં આવતો ન હોય તો સામાન્ય અરજદારની કેવી સ્થિતિ થતી હશે તે કલ્પી શકાય છે. આયોગના હુકમની અવગણના કરવા બદલ આયોગ ipc ૧૭૬,૧૭૭ મુજબ જે તે જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરી શકે છે.
•જીવ ગુમાવનારના આશ્રિત-પરિવારને સામાજિક સુરક્ષા અને વળતર મળવું જોઇએ
માનવઅધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારે ઉમેર્યું હતું કે, સરકારી બાબુઓની બેદરકારીનાથી કલોલમાં કોલેરાથી પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામનારા લોકોના આશ્રિત પરિવારને સામાજિક સુરક્ષા અને ન્યાય સાથે આર્થિક વળતર મળે તેમજ જવાબદાર તંત્રના અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે.