• ઘરેણા પરત મળતાં માલિકે ૭મામાં ભણતા ઈમાનદાર બાળકને શિક્ષણ દાન જાહેર કર્યું
સુધીર પારેખ: મહેસાણા
‘કાગડો ને કોયલ બેઉ રંગે રૂપે એક છે પણ, બંને એની બોલીથી ઓળખાય છે.’ એ જ રીતે સમાજમાં રહેતા અમુક માનવીઓ તેના કર્મોથી સમાજમાં પોતાની છાપ ઉભી કરતા હોય છે. જે કાંઈ પ્રત્યક્ષ છે એને પ્રમાણપત્રની જરૂર નથી. આવુ જ એક કામ કર્યું છે મહેસાણામાં રહેતા એક 13 વર્ષના ટાબરીયાએ, શિવમ ઠાકોર નામના બાળકે તેની ઉંમર કરતા અનેક ગણી મોટી એક રીતે કહીએ તો વિશાળ માત્રામાં તેની ઈમાનદારી છતી કરી પ્રતિષ્ઠા ઉભી કરી છે.
શિવમ ઠાકોરની નિસ્વાર્થ ભાવનાએ તેના માતા પિતાએ આપેલા સંસ્કારોને ઉજાગર કરીને સમગ્ર પરિવારના લોકોની છાતી ગજગજ ફૂલાવી દીધી છે.13 વર્ષીય બાળકે રસ્તા પરથી મળેલું લાખો રૂપિયાનું સોનું તેના મૂળ માલિકને પરત કરી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો સામે દાગીનાના માલિકે પણ કિશોરની ઈમાનદારીથઈ પ્રભાવિત થઈ ધોરણ 10 સુધીનો અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી.
શહેરનની ગોકુલધામ રેસિડેન્સી સોસાયટીમાં રહેતા શિવમ ઠાકોર નામના ધોરણ 7માં અભ્યાસ કરતા બાળકને રસ્તામાંથી 14 તોલા સોનાના દાગીના મળી આવ્યા હતા. ધીણોજના રણછોડભાઈ ચૌધરી દ્વારા દાગીના ખોવાયાની શહેરના ‘એ’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની જાણ શિવમને થતા તેને પોલીસ સ્ટેશન પહોંચી દાગીના પરત કર્યા હતા. લાખો રૂપિયાના દાગીના મળવા મુશ્કેલ હતા ત્યારે શિવમે સામે ચાલીને દાગીના આપી જતા રણછોડભાઈ બાળકની ઈમાનદારીથી પ્રભાવિત થયા હતા અને શિવમનો ધોરણ 10 સુધીનો અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી.