•યુવા અગ્રણીએ કહ્યું, અંગત બબાલ હતી કાલે ભેગા મળીને ચા પાણી પીશું
•પૂર્વ શહેર પ્રમુખે કહ્યું ડમ્પિંગ સાઇટ માટેની પત્રિકામાં નામ ન લખ્યું એટલે તકરાર થઈ
મહેસાણા: (અપના મિજાજ ન્યુઝ)
મહેસાણા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૌતિક ભટ્ટને યુવા કોંગી અગ્રણી અનિલ ઠાકોરે માર માર્યો હોવાની વાત શહેરભરમાં ટોક ઓફ ધી ટાઉન બનતા તકરાર શાના કારણે થઈ હતી તે પૂછવા માટે લોકોએ ફોન અને સોશિયલ મીડિયા પર મારો ચલાવ્યો હતો. શહેરના બે યુવા કોંગી અગ્રણીઓ વચ્ચે સર્જાયેલી મારામારીમાં વિરોધી લોકોએ ભારે મજા લીધી હોવાની પણ ચર્ચા સરેઆમ થઈ રહી છે. મહેસાણા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૌતિક ભટ્ટ તેમજ કોંગી અગ્રણી અનિલ ઠાકોર વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ ઝપાઝપી થઈ હોવાની ચર્ચાએ શહેરભરમાં કોંગ્રેસ પાર્ટીની શાખ ઉપર કાળી ટીલી લગાવી હોવાની વાત વહેતી થઇ છે.
અપના મિજાજ નેટવર્ક દ્વારા આ અંગે કોંગી અગ્રણી અનિલ ઠાકોર સાથે વાત કરી કઈ બાબતે તકરાર થઇ છે તેવું પુછતાં તેઓએ કહ્યું હતું કે અમારી અંગત બાબતે ઝપાઝપી થઇ હતી. જો કે ભૌતિક ભટ્ટ મારા મિત્ર છે. આવતીકાલે અમે બંને સાથે ચા પાણી પીશું. કોઈ રાજકીય આ બાબતને લઈને તકરાર નથી થઈ. બીજી તરફ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૌતિક ભટ્ટે કહ્યું કે શહેરમાં ડમ્પિંગ સાઇટના મુદ્દે એક પત્રિકા છપાવીને વહેતી કરવામાં આવી છે. જેમાં શોભાસણ રોડ ઉપર આવેલ ડમ્પિંગ સાઇટ દેદિયાસણ ખાતે ખસેડવાનો ઓર્ડર ગુજરાતની હાઈકોર્ટે કરેલો છે તેમ છતાં ભાજપના નેતા તે ઓર્ડરને ઘોળીને પી ગયા છે. તે સહિતના આક્ષેપો મુદ્દાસર કરવામાં આવ્યા છે. જે પત્રિકામાં અનિલ ઠાકોરનું નામ નહીં છાપવામાં આવતા તેના મનદુઃખને લઈ અનિલ ઠાકોર મારામારી કરી હોવાની વાત કરી હતી.
મહેસાણા શહેર કોંગ્રેસના બંને યુવા આગેવાનો વચ્ચે થયેલી તકરાર અને મારામારીમાં કોઈ પોલીસ ફરિયાદ મોડી રાત સુધી કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે તકરારને લઈ પાર્ટીની છબી ખરડાઇ હોવાનું અમુક નગરજનોનું કહેવું છે.