Apna Mijaj News
આનંદોત્સવ

કલોલના ભારતમાતા ટાઉન હોલમાં ‘કલાના કામણ’ પથરાયા

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે કલા મહોત્સવ આનંદભેર ઉજવાયો

માવતરો, યુવાઓ અને ભૂલકાંઓ સંગીતના તાલે મન મુકીને ઝુમી ઉઠ્યા

વિવિધ સ્પર્ધાના આયોજન થકી પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલે ચાર ચાંદ લગાવી દીધા

સંજય જાની: (અપના મિજાજ નેટવર્ક)
           રાજ્યભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમની હર્ષોલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત કલોલ શહેરમાં નગરપતિ ઉર્વશીબેન પટેલના વડપણ હેઠળ ‘કલા મહોત્સવ’કાર્યક્રમ પાલિકા સંકુલના ભારતમાતા ટાઉન હોલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ, લોકગીતો, રાષ્ટ્રભક્તિ સાથેના પાત્રો ભજવી શાળાના બાળકોએ નાના મોટા સૌ કોઈના મન મોહી લીધા હતા. ઉલ્લેખનીય છે કે કોરોના કાળથી આજ દિન સુધી સુષુપ્ત જીવન પસાર કરતા લોકો ઉત્સવથી દુર રહ્યા છે. પરંતુ અહીં કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ઉર્વશીબેન અને તેઓની ટીમ દ્વારા પાથરવામાં આવેલા કલાના કામણથી વડીલો, યુવાઓ અને ભૂલકાઓ સંગીતના તાલે મન મૂકીને ઝુમી ઉઠયાં હતાં.

         કલોલ પાલિકાના ભારતમાતા ટાઉન હોલમાં તા.૧૯ ફેબ્રુઆરીએ યોજાયેલા મનમોહિત કલા મહોત્સવ કાર્યક્રમમાં કલોલ શહેર તેમજ વિસ્તારની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો હતો. સ્વાગત ગીત, સરસ્વતી અને ગણેશ વંદના સાથે શરૂ થયેલા કાર્યક્રમમાં વિવિધ 148 જેટલાં બાળકો તેમજ કલા મહોત્સવ ગ્રુપ સાથે જોડાયેલા લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી લોકસંગીત, ભારતનાટ્યમ, લોકગીત, રાષ્ટ્ર ભક્તિ ગીત તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ભાવના કેવી હોવી જોઈએ તે અંગેના સંવાદો રજૂ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો, શહેરીજનો, આયોજકો તેમજ કલાપ્રેમીઓના હૃદય કુંજમાં અનેરૂ સ્થાન પ્રસ્થાપિત કર્યું હતું. કાર્યક્રમમાં ઉમિયા સ્કૂલ, અનન્ય હાઇસ્કુલ, એચ બી કાપડિયા છત્રાલ બ્રાન્ચ સહિતની શૈક્ષણિક સંસ્થાના 11 થી 15 વર્ષની વયના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સ્વચ્છતા સર્વેક્ષણ, સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સ્પર્ધામાં વિજેતા લોકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પાલિકા પ્રમુખે કાર્યક્રમમાં સહયોગી બનનારા દરેક સદસ્યને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

        કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ, પાલિકાના નગરસેવકો, રાજકીય કાર્યકરો, શહેરના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, વિવિધ સેવાકીય સંસ્થાના આગેવાનો- કાર્યકરો, શૈક્ષણિક સંસ્થાના સંચાલકો, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સહીત નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા કોરોનાની પરિસ્થિતિને લઇ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક આ અંગે જાગૃતિ કેળવી કાર્યક્રમ રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના સ્વાગત ગીત રજુ કરી સન્માન કરાયા હતાં.
કોરોનાની કપરી સ્થિતિમાં ફીકી પડેલી માનવીય જિંદગીમાં ‘નવરંગ’પુરવા પ્રયાસ થયો

      છેલ્લાં બે અઢી વરસથી કોરોનાની મહામારી વચ્ચે જીવન ગુજારતી માનવીય જિંદગી ફીકી પડી ગયેલી જોવા મળે છે. સરકારના આઝાદીકા મહોત્સવ કાર્યક્રમ થકી કલોલ પાલિકાના ઉત્સાહી નગરપતિ ઉર્વશીબેન પટેલે ‘કલા મહોત્સવ’ ના સથવારે વિવિધ સ્પર્ધા અને સંગીતમય કલાકારીની ભેટ આપતા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ માનવીય જિંદગીમાં ‘નવરંગ’ભરાયાનો અહેસાસ લોકોએ વ્યક્ત કર્યો હતો. કહેવાય છે કે ઉત્સવો નિરાશ જિંદગીમાં અનોખી સ્ફૂર્તિ અને ખુશાલી ભરી દેતા હોય છે અને આવું જ કંઈક કોરોના મહામારીના ભય વચ્ચે જીવતી જીંદગીમાં ખુશીની ક્ષણ ભરી દેવા મૂઠી ઊંચેરૂ વ્યક્તિત્વ ધરાવતા નગરપતિ ઉર્વશીબેન પટેલે પ્રયાસ કર્યો છે.
ઘર- પરિવાર, ફરજ વચ્ચે પણ રાજકીય, સામાજિક સેવા સન્નારી જ કરી શકે!

      પાલિકાના સેવાભાવી નગરપતિ ઉર્વશી બેન પટેલ પોતાનું ઘર પરિવાર અને ફરજ નિભાવવા સાથે રાજકીય તેમજ સામાજિક સેવા થકી લોક ‘હૃદયસમ્રાટ’કહેવાય છે. તેઓ આયોજિત કરેલા કલા મહોત્સવ કાર્યક્રમમાં મંથન સ્કૂલના દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ માવતર ધામના વડીલોને આમંત્રિત કરી તેમની સુષુપ્ત જિંદગીને આનંદ અને ખુશાલી આપવા માટે કરેલો પ્રયાસ નગરજનો સ્મરણીય રાખશે. તેઓએ માવતર વડીલોને આપેલું સન્માન ઊડીને આંખે વળગતું હતું. તમામ વિટંબણાઓ વચ્ચે પોતાના ધ્યેયને સાર્થક કરવા ઝઝૂમતા એકલવીર નારી ખરા અર્થમાં સન્નારી છે.

Related posts

ApnaMijaj

જગત ધણીની દ્વારિકામાં આનંદોત્સવ

ApnaMijaj

અર્બન 20: WELCOME TO AHMEDABAD

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!