•ટેકનિકલ કોલેજના વિદ્યાર્થીઓ ભવિષ્ય બચાવવા બીજી ફી પણ ભરવા તૈયાર થયા
સંજય જાની (અપના મિજાજ નેટવર્ક)
રાજ્યભરના વિદ્યાર્થીઓએ ધોરણ 10 પછી ટેકનિકલ કોલેજોમાં એડમિશન લઈ પોતાનું ભવિષ્ય બનાવવાના સોનેરી સપના જોયા છે. ટેકનિકલ શિક્ષણ થકી જીવનની કારકિર્દી બનાવવાના અરમાનો સાથે વિદ્યાર્થીઓએ સેમેસ્ટર વનની પ્રથમ પરીક્ષા આપવા માટે ઓનલાઈન ફોર્મ ભર્યા છે. નિયમો અનુસાર ફોર્મ ભરવા સાથે ઓનલાઇન 800 થી હજાર રૂપિયાની ફી પણ વિદ્યાર્થીઓએ ભરપાઈ કરી દીધી છે. તેમ છતાં ઘણી ટેકનિકલ કોલેજોના વિદ્યાર્થીઓના નામ પરીક્ષાર્થીના લિસ્ટમાં નહીં આવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ચિંતિત બન્યા છે. જોકે આ બાબતે તેઓએ પોતાની કોલેજના જવાબદારોનો સંપર્ક સાધતા જવાબદારોએ ઓનલાઇન ફી ભરવામાં બેન્કિંગ અથવા જીટીયુ વચ્ચેનો કોઈ પ્રોબ્લેમ હશે. એ બધું તમે જાણો, તેમ કહી પોતાની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી તમે ભરેલી ફી ત્રણ મહિના બાદ રિફંડ મળી જશે અત્યારે બીજી ફી ભરી દો તેવું કહી દેતા હવે પરીક્ષાર્થીઓ પોતાનું ભવિષ્ય બચાવવા દોડાદોડી કરી રહ્યા છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં આવેલી વિવિધ ટેકનિકલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા માટે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા online ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે તમામ પ્રક્રિયામાં પરીક્ષા ફી પણ ઓનલાઇન રીતેજ ભરપાઈ કરવા જણાવાયું છે. રાજ્યભરના હજારો વિદ્યાર્થીઓએ 800 થી હજાર રૂપિયાની ફી online ભરપાઈ કરી દીધી છે. તેમ છતાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા અનેક વિદ્યાર્થીઓના નામ પરીક્ષાર્થીની યાદીમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા છે અથવા તો કોઈ ટેકનિકલ ખામીના કારણે લિસ્ટમાં તેમના નામ મૂકવામાં આવ્યા નથી. જે બાબતને લઈ અનેકો વિદ્યાર્થી અને વાલીઓએ પોતાની કોલેજના સંચાલકોનો સંપર્ક સાધતાં કોલેજના જવાબદાર લોકોએ સાફ શબ્દોમાં સંભળાવી દીધું છે કે કોઈ ક્ષતિના કારણે તમારી ફી ભરપાઈ નહીં થઈ હોય એટલે તમે ફરીથી ફી ભરી દો. જોકે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફી ભરપાઈ થઈ ગઈ છે અને તે માટે બેંક તેમજ જીટીયુ તરફથી એસએમએસ પણ મળી ગયો છે તેવી વાત કરતા કોલેજના જવાબદારોએ તમે ભરેલી ફીની રકમ ત્રણ મહિના પછી પરત મળી જશે તેવું કહી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી હોય તો ફરી પાછી ફી ભરી દો તેમ કહી પોતાની જવાબદારીમાંથી હાથ અઘ્ધર કરી દીધા છે.
ટેકનિકલ કોલેજના વિદ્યાર્થીઓએ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા માટે ફી ભરવા સહિતની તમામ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. ફી ભરપાઈ થઈ ગયા અંગેના એસએમએસ પણ બેંક અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી તરફથી પરીક્ષાર્થીઓને મળી ગયા છે. તેમ છતાં વિદ્યાર્થીઓના નામ પરીક્ષાર્થીના લિસ્ટમાં નહીં આવતા તંત્રની બેદરકારી પ્રત્યે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. online ફી વસૂલાતમાં તંત્ર દ્વારા છબરડો કરવામાં આવ્યો છે જેનો ભોગ વિદ્યાર્થીઓ બની રહયા છે. આ માટે તંત્રએ તાત્કાલિક પોતાની ભૂલ સુધારી પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓના ટેન્શન હલકા કરવા પ્રયાસ કરવા જોઈએ તેવી માગણી બળવત્તર બની છે.