•તલવાર, પાઈપ અને ધોકા લઇ લોકો એકબીજા પર તૂટી પડ્યાં, વૃદ્ધ ખેડૂતની હાલત ગંભીર: પરિવાર ચિંતામા ગરકાવ
•સાંતેજ પોલીસ મથકમાં બંને પક્ષની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ
•ગાંધીનગર જિ.પં.ના વિપક્ષી નેતા ઘાયલોની ખબર કાઢવા હોસ્પિટલમાં દોડી ગયા
સંજય જાની:
ગાંધીનગર કલોલના અઢાણા ગામે જમીનની તકરારમાં કૌટુંબિક પરિવારના બે જુથો વચ્ચે તલવાર, પાઈપ અને ધોકા સહિતના હથિયારોથી જમીન મુદ્દે ધીંગાણું થતા ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. ઘટનામાં એક પક્ષના સાત લોકો અને બીજા પક્ષના ચાર લોકો ઘાયલ થયા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક વૃદ્ધની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે.આ બનાવના પગલે સાંતેજ પોલીસ મથકમાં બંને પક્ષે ફરિયાદ દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બનાવ બાદ ગાંધીનગર જિલ્લા પંચાયતના વિપક્ષીનેતા રશ્મીજી ઠાકોર ઇજાગ્રસ્તોની ખબર કાઢવા હોસ્પિટલ દોડી ગયા હતા.
સાંતેજ પોલીસે ફરિયાદને ટાંકીને આપેલી વિગતો મુજબ કલોલ અઢાણા ગામે રહેતાં રાણાજી પુંજાજી ઠાકોરે ગામની સીમમાં સર્વે નંબર-464 અભરાજી તરીકે ઓળખાતું નવી શરતનું ખેતર કુટુંબી ફોઈ રેશમબેન આતાજી ઠાકોર પાસેથી 1983માં વેચાણ લીધું હતું. જેથી જમીનનો કબ્જો રાણાજી પાસે છે. જો કે આ જમીન 1994માં રેશમબેને લખાણ કરીને ચતુરભાઈ દેવીપૂજકને વેચી હતી.જે અંગે 1995માં કોર્ટમાં દાવો પણ દાખલ કરાયો હતો અને તકરાર ચાલતી હોવા છતાં આ જમીનનાં 7/12ના ઉતારામાં રેશમબેનનું પણ નામ હતું. ગઈકાલે મંગળવારે રાણાજી અને તેના પિતા પુંજાજી ઠાકોર ઉક્ત ખેતર પર હાજર હતા. એ દરમિયાન રેશમબેન ઠાકોર, મેલાજી ગાભાજી ઠાકોર, ભરત ગાભાજી ઠાકોર, મયંક, ધ્રુવ અને રાજ ગેરકાયદેસર મંડળી રચીને ધોકા અને લોખંડની પાઇપો લઈને ખેતરમાં ધસી ગયા હતા. તેમજ પિતા પુત્રને જમીન ખાલી કરવાનું કહીને ઘાતક હથિયારો સાથે તુટી પડ્યા હતા. જેથી પિતા પુત્રને બચાવવા અન્ય લોકો દોડી આવ્યા હતાં. જેનાં કારણે ઉક્ત આરોપીઓ વાહનો મૂકીને ભાગી ગયા હતા.
સામા પક્ષે અમદાવાદનાં રાજ બિપીન વ્યાસ અને તેમના મિત્ર મયંક શાહ (ગોધાવી) કાર લઈને થોળથી પરત ફરતા હતા. એ વખતે અઢાણા ગામે રેશમબેનને મળ્યા હતા. રેશમબેન રાજને ઓળખતા હોવાથી પોતાની જમીન બાબતે ત્યાં વાત કરવા ઉભા રહ્યા હતા. એટલામાં ખેતરમાંથી રાણાજી અને તેમના પિતા સહિત અન્ય લોકો તલવાર, લાકડીઓ અને ધોકા લઈને તેમની ઉપર તૂટી પડ્યા હતા. જેથી રેશમબેનના ઓળખીતાઓ કાર અને બાઇકો લઈને આવી પહોંચ્યા હતા. જેમને પણ માર માર્યો હતો. આમ બંને પક્ષે સાંતેજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
•બનાવ મુદ્દે ગાંધીનગર જિ.પં.ના વિપક્ષી નેતાએ દુઃખ વ્યક્ત કર્યું