•જે ઉંમરમાં આપણે હોમ વર્કથી ડરતા, તે ઉંમરના બાળકે હોમ વર્ક માટે ‘મેમ’ને વિડીયો કોલ કર્યો
સંજય જાની (અપના મિજાજ- અમદાવાદ)
શૈશવની દુનિયા અદભુત હોય છે. બાલ્યાવસ્થામાં કરાતી કોઈ પણ પ્રવૃત્તિ અત્યંત નિસ્વાર્થ, અપાપ, નિર્દોષ અને રાગદ્વેષથી પરે હોય છે. સંભવત એટલે જ બાળકને આપણા વડીલો આજે પણ ભગવાનનું સ્વરૂપ કહે છે. શિશુ પ્રેમી વ્યક્તિઓ પોતાના અથવા તો પારકા બાળકોની હરકતો, ભાષા, ક્રિડા સહિતની અનેક પ્રક્રિયાને અત્યંત પ્રેમથી સ્વીકારી લેતા હોય છે. મારા મતે એ માત્ર સ્વીકાર નથી હોતો પરંતુ બાળકની હર એક ક્રિયા શિશુ પ્રેમી વ્યક્તિને ભાવવિભોર કરી દેતી હોય છે. આપણે બાળકૃષ્ણની અનેક લીલાઓ વડીલો પાસેથી વાર્તા સ્વરૂપે સાંભળી છે. સમજણ અવસ્થામાં મહાભારત, ક્રિષ્ના જેવી અનેક ફિલ્મ કે ટીવી સિરિયલમાં બાળકૃષ્ણની ભૂમિકાને સહર્ષ સ્વીકારી છે. ભગવાન શ્રીકૃષ્ણની બાલ્ય અવસ્થામાં માતા જશોદા સાથે તેઓ કાલીઘેલી ભાષામાં કઈ રીતે વાત કરતાં તે જાણીને આપણે પણ આનંદિત આજે પણ થઈ જઈએ છીએ.
કળિયુગના આ વર્તમાન સમયમાં આપણું કે પારકું ભગવાનનું સ્વરૂપ એટલે કે કોઈ બાળક કાલીઘેલી ભાષામાં વાત કરે, પ્રશ્નો કરે, તેને પણ કંઈક આપણા મોટેરા પાસેથી જાણવાની, સમજવાની ઈચ્છા દર્શાવે ત્યારે આપણે તેની નિર્દોષ વાત સાંભળી આશ્ચર્ય પામી જઈયે છીએ, અરે કોઇ વાત પર તો ખખડીને હસી પણ જઈએ છીએ. આજના ટેક્નિકલ યુગમાં વેબસાઈટ પર તરતી મૂકાતી અનેક સાઇટો પર મુકાતા વિડીયો પોસ્ટમાં કોઈ પ્રાણીની હરકત અને તેની બુદ્ધિ ઉપર આપણે ફિદા થઇ જતા હોઇએ છીએ. તો વળી વિડિયો પોસ્ટમાં કોઈ બાળકને નિર્દોષ અને અત્યંત નિખાલસ ભાવે કોઈ પ્રવૃત્તિ કરતા કે કોઈ વાત કરતા સાંભળીએ ત્યારે પણ આપણે આપણી આવનારી પેઢી કેવી હશે તે બાબતે વિચારતા જરૂર થઈ જઈએ છીએ. આવી જ એક વિડિયો પોસ્ટે ઈન્સ્ટાગ્રામ-ફેસબુકની સોશિયલ સાઇટ પર ધૂમ મચાવી છે.
ઈન્સ્ટાગ્રામ-ફેસબુકની સોશિયલ સાઇટ પરની રિલમાં અંદાજે અઢીથી ત્રણ વર્ષના ‘હેઝુ’નામના બાળકને હોમવર્ક કરવું છે. તેને ભણાવવા આવતા તેના ‘મેમ’ (શિક્ષિકા) કોઈ પેપરમાં હોમ વર્ક લખીને ગયા છે. પરંતુ હેઝુને તે પેપર મળતું નથી એટલે તેણે તેના મમ્મી પાસેથી ‘મેમ’ને મોબાઈલ ફોન કરાવ્યો છે. જે અંગેનો વિડીયો સંભવત હેઝુના પપ્પાએ બનાવ્યો છે. વીડિયોમાં માસુમ હેઝુ તેના મેમ સાથે ‘તમે ઓલું પેપર ક્યાં મૂક્યું છે?’તેવો પ્રશ્ન કરે છે. સામે તેના મેમ કહે છે કે કયું પેપર બેટા? એટલે હેઝુ કહે છે,’ઓલુ પેપર, તમે ક્યાં લખ્યું છે? આમાં મળતું નથી એ કે ય… એમ કહી હોમ વર્ક બુકના પાના ફંફોસતો હેઝુ મેમએ લખીને આપેલું હોમ વર્કનું પાનું શોધવા પ્રયાસ કરી રહ્યો છે. આ સમયે તેના ચહેરા, આંખો અને કપાળની રેખાઓનો ભાવ બદલાતો સ્પષ્ટ જોઈ શકાય છે. તેનું સુંદર નિર્દોષ મુખડું તેનું હોમ વર્ક લખેલું પાનું મળી જાય તેનો ઈન્તજાર કરી રહ્યું છે. માસુમ હેઝુ મોબાઇલ ફોન લાઉડ સ્પીકર પર રાખી વાત કરતા કરતા તેના મેમને કહે છે,’ફોન ચાલુ રાખજો’ મેમ પણ કહે છે હા ચાલુ રાખું છું. ને હેઝુ હોમ વર્ક બુકના એક પછી એક પાનાં ફેરવતો મેમ લખી આપીને ગયેલા હોમ વર્કને શોધવા દિલથી પ્રયાસ કરી રહ્યો છે. તેમ છતાં તેને મેમએ લખેલું હોમ વર્ક નથી મળતું એટલે તે મેમને કહે છે…’વિડીયોકોલ કરો’ સામે મેમ પણ હા વીડિયો કોલ કરું છું કહીને વિડીયો કોલ પર હેઝુ સાથે વાત કરે છે. મિત્રો, સોશિયલ મીડિયા સાઇટ પરથી મળેલો આ વિડીયો આપણે મોટેરાઓને ઘણું બધું શીખવી જાય છે. આપણે જ્યારે બાલ્યાવસ્થામાં હતા ત્યારે હોમ વર્કથી કદાચ ડરતા હતા. પરંતુ અહીં હોમ વર્ક કરવાની માસૂમની ધગસ જોઈ આપણે ઘણું બધું ગુમાવ્યું હોવાનો અહેસાસ જરૂર કરાવશે. એટલું જ નહીં આ વિડીયો આપણને ભૂતકાળમાં ઢસડી જઈ આપણી બાલ્યાવસ્થાના જે કંઈ સ્મરણો હશે તે જરૂર તાજા કરાવી દેશે.