Apna Mijaj News
સફળતા

હે.. ‘ઈશ્વર’ ક્યાં ફસાયો! છત્રાલ લૂંટનો વધુ એક આરોપી પકડાયો

આરોપીને પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયો, બે દી’ના રિમાન્ડ 
લૂંટ કરનાર મુખ્ય સૂત્રધાર ગૌતમ પટેલ અને જયદીપસિંહ પરદેશ ઉડી ગયા
સૂત્રધારના પુત્રએ લૂંટની રકમમાંથી દેવું ચૂકતે કર્યું, અગાઉ પાંચ પકડાયા હતા
સંજય જાની:(અપના મિજાજ-અમદાવાદ)
      કલોલ તાલુકાના છત્રાલ ગામ પાસેથી ગત તા.૦૨ ફેબ્રુઆરીએ કડીની આંગડિયા પેઢીના કર્મચારીની ગાડી આંતરી રૂ.૨.૦૯ કરોડની સનસનીખેજ લૂંટ કર્યાની ઘટનાએ કલોલ તાલુકા સહિત સમગ્ર ગાંધીનગર જિલ્લાની પોલીસની ઉંઘ હરામ કરી દીધી હતી. ઘટનાના આઠ દિવસ બાદ જિલ્લાની એસ.ઓ.જી, એલ.સી.બી તેમજ કલોલ તાલુકા પોલીસ મથકની ટીમની મહેનત આખરે રંગ લાવી અને દિલધડક લૂંટ કરનાર સાત આરોપી પૈકી પાંચ લોકોને પાંચ દિવસ અગાઉપોલીસે દબોચી લીધા હતા. જ્યારે ત્રણ લોકો પોલીસ પકડથી દૂર હતા. જેમાંથી એક આરોપી ઈશ્વર રામાજી ગામેતી પોતાના વતન રાજસ્થાનના બિચ્છુવાડા ભાગી ગયો હતો. જેને પણ પોલીસે ગઈકાલે શામળાજી બોર્ડર નજીકથી પકડી પાડયો છે. પોલીસે પકડાયેલા આરોપીને પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
      લૂંટની ઘટનાને અંજામ આપવાના આરોપસર પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે લૂંટમાં ગયેલા રૂ.૧.૦૧ કરોડ રિકવર કર્યા છે. તેમજ લૂંટ કરવા વપરાયેલ બે વાહન પણ પોલીસે કબજે કરી પકડથી દૂર રહેલા લૂંટના મુખ્ય સૂત્રધાર તેમજ અન્ય એક શખ્સને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ લૂંટનો મુખ્ય સૂત્રધાર તેમજ અન્ય એક શખ્સ વિદેશ ભાગી ગયા છે. જોકે પોલીસે પકડેલા શખ્સોમાં એક મુખ્ય સૂત્રધાર ગૌતમ પટેલનો પુત્ર સૌરવ પટેલ છે. જેણે લૂંટની રકમમાંથી દેવું ચૂકતે કરવા, બેન્કમાંથી દાગીના છોડાવવા તેમજ એલ.આઇ.સી વીમા પોલિસીનું પ્રીમિયમ ભર્યું છે. જેથી પોલીસે લૂંટનો મુદ્દામાલ રાખવા તથા તેનો ઉપયોગ કરવાના હેતુસર ધરપકડ કરેલ છે. આમ લૂંટની ઘટનામાં આરોપીઓને પકડવામાં કલોલ પોલીસને મોટી સફળતા મળી છે. જોકે મુખ્ય સૂત્રધાર સહિત એક વ્યક્તિ વિદેશ ભાગી ગયાની બાબત સામે આવી છે. ઉપરાંત રાજસ્થાન ભાગી ગયેલા ઈશ્વર રામાજી ગામેતીને પોલીસે ગઈકાલે શામળાજી બોર્ડર નજીકથી પકડી પાડી તેમની પાસેથી લૂંટમાં ગયેલી ૧૨ લાખ રૂપિયાની રકમ રિકવર કરી છે.
       કડી સ્થિત એમ.એસ આંગડિયા પેઢીનો કર્મચારી દિપક શાંતિલાલ પટેલ બીજી ફેબ્રુઆરીએ ઈકો ગાડીમાં રૂ.૨.૦૯ કરોડ લઇ નીકળ્યો હતો. જે છત્રાલ હાઈવે પાસેની કરણ પેપરમીલ પાસે પહોંચ્યો ત્યારે ટાટા સુમો ગાડીમાં પાંચથી છ જેટલા લોકોએ આવી આંગડિયા પેઢીના કર્મચારીની ઈકો કાર રોકાવી તેને પાઇપ વડે મારમારી કારમાં પડેલા ૨.૦૯ કરોડ રૂપિયા લઈને ભાગી ગયા હતા. આ અંગે દિપક પટેલે કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઇ હતી. બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં રેન્જ આઇજી અભય ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કલોલ તાલુકા પોલીસ તેમજ જિલ્લાની મહત્વની એજન્સી સ્થાનિક ગુના શોધક શાખા, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ સાથેની જુદી જુદી ટીમો બનાવી લૂંટ કરનારા શખ્સોને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. જેના ફળ સ્વરૂપ પોલીસે આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરી લૂંટને અંજામ આપનાર સાત આરોપીઓ તથા મુદ્દામાલ રાખનાર એક આરોપી મળી કુલ ૮ આરોપીઓ પૈકી પાંચ લોકોની પોલીસે અગાઉ ધરપકડ કરી લીધી હતી. જેઓ હાલે જેલવાસ ભોગવી રહ્યા છે.
•લૂંટનો પ્લાન આ રીતે બનાવવામાં આવ્યો હતો
       લૂંટની ઘટનામાં સંડોવાયેલો વસંત કરમણભાઈ ચૌધરી કડીમાં પૂઠ્ઠા- ભંગારનો ધંધો કરતો હોઈ તે તેની નાણાકીય લેવડ- દેવડ એમ.એસ આંગડિયા પેઢી દ્વારા કરતો હતો. અવાર નવાર તેને નાણાકીય વ્યવહાર કરવા આંગડિયા પેઢીમાં જવું પડતું હોઈ તે અહીંની ગતિવિધિ તેમજ કર્મચારીની આવન-જાવનથી વાકેફ હતો. આથી તેણે તેના પરિચિત દેત્રોજ તાલુકાના ઓઢવ ગામના રહીશ ગૌતમ ગણપતભાઈ પટેલને મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જે પ્લાનને આખરી અંજામ આપવા માટે ગૌતમ પટેલે તેના પરિચિત રાજુજી હીરાજી ઠાકોર મારફતે રાજસ્થાનના વીંછીવાડા ખાતેથી તેના સાળા ઈશ્વર રામાજી ગામેતી તથા અનિલ શંકરલાલ ભગોરા અને સંજય બંસીલાલ નિનામાને બોલાવ્યા હતા. આ ઉપરાંત વસઈ ગામના જયદીપસિંહ નામના વ્યક્તિને પણ ગૌતમ લઈ આવ્યો હતો.
•વસંત ચૌધરીએ આંગડીયા કર્મીને વોચ રાખી હતી
        કડીના આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટી લેવા માટે ટોળકીએ ૦૨જી ફેબ્રુઆરીનો દિવસ નક્કી કર્યો અને સાંજના ભાગે આંગડીયા પેઢીનો કર્મચારી દિપક eeco ગાડી લઈને નીકળ્યો ત્યારે વસંત ચૌધરીએ કડી છત્રાલ હાઈવે પર પોતાની ટાટા હેરિયર ગાડી સાથે વોચ રાખી હતી. દીપક પટેલ જ્યારે અહીંથી પસાર થયો ત્યારે ગૌતમ પટેલે પોતાના સાગરિતો સાથે બાઈક તથા ટાટા સુમો ગાડીમાં દીપક પટેલનો પીછો કરી છત્રાલ હાઈવે પાસે આવેલ કરણ પેપરમીલ પાસે તેને આંતરી મારમારી રૂ.૨.૦૯ કરોડની લૂંટ કરી ભાગી છૂટયા હતા.
•લૂંટમાં આવેલી રકમમાંથી ઉધારી ચૂકતે કરી દીધી’તી
       લૂંટની ઘટનાને અંજામ આપનાર પકડાયેલા શખ્સો પૈકી એક શખ્સ મુખ્ય સૂત્રધાર ગૌતમ પટેલનો પુત્ર સૌરવ છે. પોલીસે સૌરવ પાસેથી લૂંટમાં ગયેલી રકમ પૈકી 40 લાખ રૂપિયા કબજે લીધા છે. સૌરવે લૂંટની રકમના આશરે દસ લાખ દેવું ચૂકતે કરવા, બેન્કમાંથી દાગીના છોડાવવા તથા એલ.આઇ.સી વીમા પોલિસીનું પ્રીમિયમ ભરવા ખર્ચ કર્યા છે. પોલીસે લૂંટનો મુદ્દામાલ રાખવા તથા તેનો ઉપયોગ કરવાના હેતુસર તેની ધરપકડ કરેલી છે.
પોલીસે અગાઉ આ આરોપીઓને પકડી પાડ્યાં હતાં
(૧) વસંત કરમણભાઈ ચૌધરી, રહે. હેરિટેજ પ્લાઝા, ફ્લેટ નં.૦૯, દેત્રોજ રોડ કડી
(૨) રાજુ હીરાભાઈ ઠાકોર, રહે.ડઢાણા, હરીપુરા- તા. માંડલ, જીલ્લો, અમદાવાદ
(૩) અનિલ શંકરલાલ ભગોરા, રહે. કડિયાનાકા, ખેરવાડા, ડુંગરપુર- રાજસ્થાન
(૪) સંજય બંસીલાલ નીનામા, રહે. કડિયાનાકા, ખેરવાડા, ડૂંગરપુર રાજસ્થાન
(૫) સૌરવ ગૌતમભાઈ પટેલ, રહે. ઓઢવ, તા. દેત્રોજ, જીલ્લો, અમદાવાદ હાલે જેલના સળિયા પાછળ છે.

               ભાગેડું આરોપીઓના નામ

(૧) ગૌતમ ગણપતભાઈ પટેલ, રહે. ઓઢવ, પટેલવાસ, તા. દેત્રોજ
(૩) જયદીપસિંહ, રહે. વસઈ, જિ. મહેસાણા

Related posts

કટ્ટરવાદી શબ્બીરે ગોળી મારી કિશન ભરવાડની હત્યા કરી: બેની ધરપકડ, 9 દી’ના રિમાન્ડ મંજૂર 

ApnaMijaj

અમદાવાદ ગ્રામ્ય SOGએ રાજસ્થાની વેપારી પાસેથી 12.65 લાખ પડાવનાર 5ને દબોચ્યા

ApnaMijaj

મોલીપુરમાં કમાલ, મહેસાણા SOGની ધમાલ

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!