•ફેસબુકના માધ્યમથી મિત્રો બનાવી લૂંટને અંજામ આપતા હતા
•રાજ્ય અને રાજ્ય બહારના અનેક લોકોને સસ્તુ સોનું આપવાના બહાને લૂંટી લીધા
•રાજસ્થાનનો સોની ફેસબુકના મધ્યમથી ભુજના ચીટરોના સંપર્કમાં આવ્યો હતો
સંજય જાની:
રાજસ્થાન અજમેરના કીશનગઢમાં સોના ચાંદીનો વેપાર કરતાં વેપારીને ભુજના 5 ઇસમોએ ફેસબુક ઉપર સંપર્ક કરી સસ્તું સોનું આપવાની લાલચ આપી અમદાવાદની ભાગોળે આવેલા શાંતિપૂરા બોલાવી ગાડીમાં બેસાડી ઇયાવા ગામના પાટિયા પાસે છરી બતાવી રૂ.12.65 લાખની લૂંટ કરી ઇસમો ફરાર થઈ જતાં સાણંદ જીઆઈડીસી પોલીસ મથકે રાજસ્થાનના વતની સોની વેપારીએ ગુનો નોંધાવ્યો હતો.
અજમેરના કીશનગઢમાં ગીરધારીદાસ રતનલાલજી સોની છેલ્લા 25 વર્ષથી સોના ચાંદીનો વેપાર કરે છે. તેઓ ફેસબુકમાં ફ્રેન્ડ રિકવેસ્ટ આધારે એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. તે પછી ફેસબુક મિત્ર બનેલા વ્યક્તિએ તેઓ સાથે સસ્તું સોનું આપવાની વાત કરી સોની વેપારીને વિશ્વાસમાં લઇ તેમને અમદાવાદની ભાગોળે આવેલા શાંતિપુરા નજીક બોલાવ્યા હતા. વિશ્વાસમાં આવી ગયેલ સોની વેપારી પૈસા લઈને શાંતિપુરા આવ્યો હતો. જ્યાં 3 ઇસમોએ સ્કોર્પીયો ગાડીમાં સોનીને બેસાડી ઇયાવા ગામના પાટિયા પાસે લઈ જઈ છરી બતાવી અને સોનીને મારમારી રોકડ રૂ.12.65 લાખની લૂંટ કરી 10 ફેબ્રુઆરીએ ફરાર થઈ જતાં સમગ્ર બનાવને લઈને સોની વેપારીએ સાણંદ જીઆઈડીસી પોલીસ મથકે દોડી જઇ ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતા જોઈ રેન્જ આઈજી વી ચંદ્રશેખર અને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઈ. દિવાનસિંહ બી.વાળાને સોની વેપારીને લૂંટી લેનારા શખ્સોને પકડી પાડવા સૂચના આપતા તેઓએ તાત્કાલિક ટીમ બનાવી ધાડપાડુ તત્વોને પકડી પાડવા પગેરૂં દબાવ્યું હતું. જેના ફળ સ્વરૂપે ટીમના એ.એસ.આઈ. વિજયસિહ જંગતસિંહની મદદથી હે.કો. તેજદીપસિહ વિરમદેવસિંહ રાણાને બાતમી મળી હતી કે ધાડમાં સંડોવાયેલા આરોપી સફેદ ક્લરની સ્કોર્પિઓ ગાડીનં.જીજે૧૨ એફએ ૩૩૯૧માં વિરમગામ થઇ ભુજ જનાર છે જેથી વિરમગામ સર્કલ ખાતે વોચ ગોઠવી 5 ઇસમોને ઝડપી તેમની પાસેથી રૂ.25,47,050નો મુદ્દામાલ પોલીસે કબજે લઇ કાર્યવાહી છે.
•પોલીસની ટીમે ભુજના આ ચીટરોને પકડી પાડયા
મોહમદ હનીફ દાઉદ કાસમ સના (રહે. ભુજ શહેર), મહોમદ હુશેન લંઘા (રહે. ભુજ શહેર), અકબર મહેમુદભાઇ માજોઠી (રહે. ગામ જુની દુધઇ), સીરાજુદીન વિરા (રહે.ભુજ શહેર) અને ઇમરાનમુબારક જુણેજા (રહે. સંજોગનગર, ભુજ)નો સમાવેશ થાય છે. પોલીસે પકડાયેલા ઈશમો પાસેથી જુદા જુદા દરની ચલણી નોટો રોકડ રૂ.૫.૬૫,૦૦૦, મોબાઇલ ફોન નંગ-૯ કિ.રૂ.૩૨૦૦૦, સોના જેવી ધાતુઓની લગડી કિ.રૂ.૪,૫૦,૦૦૦, સ્કોર્પિઓ જીપ, કિ.રૂ.૧૫,૦૦,૦૦૦ અને એક છરી મળી કુલ રૂ.૨૫,૪૭,૦૫૦ નો મુદ્દામાલ કબજે લીધો છે.
•ફેસબુકના માધ્યમથી મિત્રો બનાવી ચીટીંગ કરાતું
અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.ના હાથે પકડાયેલા ભુજના ચીટરોએ પોલીસ સામે પોતાની કરમકુંડળી ખોલી દેતા તેમના નિવેદનો સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી છે. પકડાયેલા ધાડપાડુઓએ પોલીસને કહ્યા મુજબ તેઓ ફેસબુકના માધ્યમથી મિત્રો બનાવતા હતા અને લોકોને સસ્તા ભાવે સોનું આપવાની વાત કરી તેમની પાસેથી રોકડ રકમ પડાવી ઘટનાને અંજામ આપતા હતાં. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ પકડાયેલા આરોપીઓ ક્યાંકને ક્યાંક જેલમાં અથવા અન્ય જગ્યાએ મળ્યા હોય અને રાજ્ય તેમજ રાજ્ય બહારના લોકોને શીશામાં ઉતારી તેઓને લૂંટી લેતા હતા.