Apna Mijaj News
કામગીરી

કલોલમાં સરકારી કચેરીઓનો લાખોનો વેરો પાલિકાના માથે ઉધાર

૧૪ કરોડના વેરાની વસૂલાત માટે ખાનગી એજન્સી ભાડે રખાઈ
મિલકતો સીલ કરાઈ
દસ વર્ષથી વેરો નહિ ભરતા સિટી મોલની છ દુકાનો ટાંચમાં
કડક વેરા વસૂલાત સામે વિપક્ષી સભ્ય આકરા પાણીએ
સંજય જાની:
          કલોલ પાલિકા વિસ્તારમાં રહેણાંક અને વાણિજ્ય મિલકત ધરાવતા લોકોએ છેલ્લા દસ વર્ષથી વેરો નહિ ભરતા પાલિકાને શ્વાસ લેવામાં હવે ગૂંગળામણ થઈ રહી છે. નાણાંના અભાવે તરફડિયા મારતી પાલિકા છેલ્લા એક મહિનાથી બાકીદારો પાસેથી વેરાની વસૂલાત કરવા હવે ખાનગી એજન્સીને ભાડે રાખી કડકાઈ પર ઉતરી આવી છે. અંદાજે ૬૦૦૦થી વધુ બાકીદારોને નોટિસો ફટકાર્યા બાદ પણ વેરો ભરપાઇ નહીં થતા ખાનગી એજન્સીએ વેરા વસૂલાત માટે શૂરાતન દેખાડી શહેરના સિટી મોલમાં આવેલી છ દુકાનોને સીલ મારીને ટાંચમાં લીધી હતી. વેરા વસૂલાતની આકરી કામગીરી થતા અન્ય બાકીદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો અને પાલિકાની કાર્યવાહીથી બચવા અમુક બાકીદારો એ તાત્કાલિક વેરાની ભરપાઈ પણ કરી દીધી હતી. જોકે અહીં કાર્યરત પોલીસ વિભાગ સહિતના સરકારી એકમોની પણ લાખો રૂપિયાની વેરાની રકમ પાલિકાના માથે ઉધાર પડેલી છે.બીજી તરફ પાલિકા દ્વારા વેરા વસૂલાત માટે કડકાઇ દાખવવામાં આવતા વિપક્ષના સભ્ય પણ આકરા પાણીએ થયા હતા અને કહ્યું હતું કે પૂરતી સુવિધા પાલિકા આપતી નથી અને વેરા વસૂલાત માટે દાખવી રહી છે તે યોગ્ય નથી.
    પાલિકાના મુખ્ય અધિકારી નિતીન બોડતે આપેલી વિગતો મુજબ શહેરમાં રહેણાંક અને વાણિજ્ય મિલકત ધરાવતા લોકોએ છેલ્લા દસ વર્ષથી વેરાની ભરપાઈ કરી નથી. કરોડો રૂપિયાનો વેરો બાકી રહેતો હોય પાલિકાને વિકાસના કાર્યો તેમજ અન્ય કામગીરી કરવામાં આર્થિક સંકડામણ અનુભવવી પડી રહી છે. જેને લઇને ખાનગી એજન્સીને કાર્યરત કરી વેરા વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે. વેરા વસૂલાત માટે બાકીદારોને પ્રથમ અને આખરી નોટિસો આપી વેરો ભરપાઇ કરવા જણાવવામાં આવ્યું છે છતાં રીઢા બાકીદારો વેરો ભરપાઇ નહીં કરતા અંદાજે છ હજાર નોટિસ ફટકાર્યા બાદ વેરા વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે. city mall વિસ્તારમાં આવેલી છ મિલકતો પાલિકાએ ટાંચમાં લીધી છે. બે મિલકત ધારકોએ તાત્કાલિક વેરો ભરી નાખતા તેમની સામે કરાયેલી કાર્યવાહી સ્થગિત રાખી દેવામાં આવી છે.

        પાલિકા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી વેરો નહિ ભરતા બાકીદારો સામે નોટિસ આપ્યા બાદ કરવામાં આવતી વેરા વસૂલાતની કાર્યવાહીમાં પાછલા વર્ષ અને વર્તમાન વર્ષમાં ૬૦ ટકા લોકોએ વેરાની ભરપાઈ કરી છે. હજુ ચાલીસ ટકા લોકોએ વેરાની ભરપાઈ નહીં કરતા ૧૪ કરોડની રકમ ઉઘરાવવાની બાકી રહે છે. તંત્ર દ્વારા પાંચ હજાર કે તેથી વધુની રકમ બાકી હોય તેવા મિલકત ધારકોને 15 દિવસ પહેલા નોટિસ આપવામાં આવે છે. તેમ છતાં કોઈ બાકીદાર વેરો ભરવા આગળ નથી આવતા ત્યાર પછી તેમની મિલકતને સીલ મારવું કે તેમના પાણીના જોડાણ કાપી નાખવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એજન્સીના જણાવ્યા મુજબ વોર્ડ નંબર ત્રણ માં સૌથી વધુ વેરાની રકમ પાલિકાના ચોપડે ઉધાર બોલી રહી છે. વેરા વસૂલાત માટે ખાનગી એજન્સીના જેની પટેલ, ધવલ વી. પટેલ, યોગેશ પી. પટેલ, ગૌરવ કે પટેલ અને કરણ વી ઠાકોર કામગીરી કરી રહ્યા છે.
પાલિકા સંસ્થાને ચલાવવા માટે માસિક એક કરોડનો ખર્ચ
પાલિકા સંસ્થા ચલાવવા માટે માસિક એક કરોડનો ખર્ચ થતો હોવાની વિગત ચીફ ઓફિસર નિતીન બોડાતે આપી છે. તેઓએ જણાવ્યું કે વિવિધ વિભાગોમાં કાર્યરત કર્મચારીઓ તેમજ અન્ય લોકોને પગાર આપવા તેમજ અલગ-અલગ વિભાગોના નિભાવ માટે માસિક એક કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. જેમાં સરકાર તરફથી આવતી ૬૦ ટકા રકમ અને વેરા વસૂલાતમાંથી આવતી ૪૦ ટકા જેટલી રકમ ખર્ચ કરવામાં આવે છે.
10 વર્ષ સુધી પાલિકાનો ટેક્સ વિભાગ ઊંઘ તો જ રહ્યો!?
        પાલિકામાં કાર્યરત વેરા વસૂલાત વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓ છેલ્લા દસ વર્ષથી માત્ર ઓફિસમાં ગામ ગપાટા કરવા બેસી રહ્યા હોય તેવો તાલ વેરા વસુલાતની કામગીરીને લઇને જોવા મળી રહ્યો છે. જાણકારોના મતે વેરા વસુલાત વિભાગના અધિકારી- કર્મચારીઓએ છેલ્લા દસ વર્ષમાં નાગરિકોને વેરા ભરપાઇ કરવા માટે કોઈ જાગૃત કદમ ઉઠાવ્યા જ નથી. અથવા તો તેમણે નિયમિત વેરા વસૂલાત માટે કોઈ જ કાર્યવાહી કરી નહી હોવાથી દસ-દસ વર્ષના વેરા બાકી રહી જવા પામ્યા છે. હવે જ્યારે પાલિકાની તિજોરી તળિયા ઝાટક દેખાઈ રહી છે ત્યારે વેરા વસૂલાતની કડક કામગીરી કરવામાં આવી રહી છે. જાગૃત નાગરિકો ત્યાં સુધી કહી રહ્યા છે કે પાલિકાના ટેક્સ વિભાગના કર્મચારીઓની બેદરકારી સામે તેમના ઉપર પણ શિક્ષાત્મક પગલાં ભરવા જોઇએ.
પાલિકાને કડકાઈથી ટેક્ષ ઉઘરાવવાનો કોઈ જ અધિકાર નથી: વિપક્ષી નેતા લાલઘૂમ 
     પાલિકા દ્વારા કડકાઈથી ટેક્ષ ઉઘરાવવામાં આવી રહ્યો છે તેની સામે વિપક્ષના નેતા શદુલખાન પઠાણ લાલઘૂમ થયા છે. તેઓએ પોતાના આકરા તેવર દેખાડતા જણાવ્યું હતું કે પાલિકા દ્વારા જનતાને આપવી પડતી અનેકવિધ પ્રકારની સુવિધાઓ આપવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. પાલિકાના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ, નિયમિત પાણી વિતરણ, રોડ રસ્તા સહિતની અનેક પાયાગત સુવિધા આપવામાં આવતી નથી અને પાલિકા કડકાઈ કરી વેરા વસૂલાત કરી રહી છે. ભૂતકાળમાં શહેરના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે કોલેરા ફાટી નીકળ્યો હતો જેમાં ચારથી પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જે બાબતની હકીકત શું છે તે પણ હજુ સુધી બહાર આવી નથી. કોની બેદરકારીથી એ રોગચાળો ફાટી નીકળ્યો હતો તેની પણ કોઈ વાત પાલિકા લોકો સમક્ષ મૂકતા નથી અને હવે વેરા વસૂલાત માટે આકરી કામગીરી કરી રહી છે. સત્તાધીશોએ બાકીદારોને વ્યાજ માફી અને હપ્તા સીસ્ટમથી તેઓ વેરો ભરી શકે તેવી સુવિધા ઉભી કરવી જોઈએ તેવી માગણી પણ દોહરાવી હતી.
આ સરકારી કચેરીઓએ પણ વેરો ભરપાઇ કર્યો નથી

     પાલિકા કચેરીમાં નોંધણી થયેલ પોલીસ વિભાગ, પીડબલ્યુડી હસ્તકની સિવિલ કોર્ટ, નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી, બ્લોક હેલ્થ ઓફિસ અને તાલુકા પંચાયત કચેરીએ પણ લાખો રૂપિયાનો વેરો પાલિકા માથે ઉધાર રાખ્યો છે.

Related posts

રાજ્યમાં બે વર્ષમાં સરકારે કુલ ૩૫,૦૩૮ ભરતી કરી

ApnaMijaj

ચૂંટણી છે છતાં છારાનગરમાં… છી..છી..છી…!

ApnaMijaj

અમદાવાદ અને જામનગરમાંથી ઘીનો જથ્થો જપ્ત

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!