મહેસાણા જિલ્લાના ઉનાવા ગામની મીરાદાતાર દરગાહ પાસે બે દિવસ અગાઉ કોઈ મહિલા બે વર્ષની બાળકીને તરછોડીને ચાલી ગઈ હતી. જે મામલે ઉનાવા પોલીસે બાળકીના પરિવારને શોધવાના ચક્રોગતિમાન કર્યા હતા. આ દરમિયાન સીસીટીવ ફૂટેજ અને સર્વેલન્સના આધારે બાળકીને તરછોડી દેનાર માતા અને તેના કુટુંબી કાકાને ઉનાવા પોલીસે ઝડપી લીધા હતા.
મૂળ બિહારની અને સુરત ખાતે યુવક સાથે લગ્ન કર્યા બાદ પતિ સાથે મનમેળ નહિ હોવાથી પરિણીતા પંદર દિવસથી અંબાજી પોતાના કુટુંબી કાકાને ત્યાં રોકાઈ હતી. જ્યાં મહિલાના બીજા લગ્ન નક્કી કર્યા હતા. જેથી બે વર્ષની બાળકી નડતરરૂપ બનતા મહિલા અને તેના કુટુંબી કાકાએ અંબાજીથી ઉનાવા મીરાદાતાર દરગાહ ખાતે આવી બાળકીને તરછોડીને ચાલ્યા ગયા હતા. જોકે, મહિલા દરગાહમાં લાગેલા સીસીટીવમાં કેદ થઈ હતી. 21 વર્ષીય માતા પોતાના સ્વાર્થ ખાતર અને બીજા લગ્ન કરવા માટે બે વર્ષની માસૂમ બાળકીને બપોરના સમયે પોતાના કુટુંબી કાકાને સાથે રાખી દરગાહમાં તરછોડી ફરાર થઈ હતી. આ સમગ્ર મામલે ઉનાવા પોલીસ મથકમાં પીએસીઆઈ બી.બી. ડાભાણી અને ટીમે સતત ત્રણ દિવસ સુધી દરગાહની આસપાસ લાગેલા સીસીટીવીના ફૂટેજ ચકાસ્યા હતા. જ્યાં દરગાહના એક કેમેરામાં મહિલા બાળકીને મુકતા કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
પોલીસે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે બાળકીને દરગાહ ખાતે તરછોડવા આવેલી માતા અને કુટુંબી કાકાને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા. જ્યાં અંબાજી ખાતે રહેતા ગુરુચરણ શર્માને પોલીસે ત્યાંથી ઝડપી લીધો હતો. બાદમાં બીજા લગ્ન કરનારી બાળકીની માતા પૂજા શાહને આબુરોડ ખાતેથી ઝડપી લેવામાં આવી હતી. આ સમગ્ર મામલે ઉનાવા પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં બાળકીને તરછોડી દેનારાઓને પકડી લઈ ગુના સંબંધે વધુ તપાસ હાથ ધરી છે.