Apna Mijaj News
Breaking Newsરહસ્ય ભરેલી ચકચારી ઘટના

કલોલ ફાયરિંગ કેસ: SOGટીમની તપાસનો ધમધમાટ

SOGએ ઘટનામાં પકડાયેલા શખ્સ તેમજ ફરિયાદી વિષ્ણુ પટેલની પૂછપરછ કરી
આ ઘરમાં ઘટના બની
અમેરિકા જવા દિલ્હી ગયેલું દંપતિ એજન્ટ દેવમ બ્રહ્મભટ્ટ સાથે વહેલી સવારે પરત ફર્યું

દિલ્હીનો એજન્ટ ઠગ નીકળ્યો, પોતાના માણસો મોકલી લાખોની લૂંટ કરવાનો ઇરાદો હોવાની ચર્ચા
સંજય જાની: ગાંધીનગર
         કલોલમાં દંપતીને અમેરિકા મોકલવાની બાબતને લઈ રૂપિયા તૈયાર છે કે કેમ તે જોવા આવેલા અમદાવાદના એજન્ટના મિત્ર તેમજ દિલ્હી સ્થિત એજન્ટના 3 સાગરિતો દંપતીના કાકા સાથે તકરાર કરી ફાયરિંગ કરાયાની ઘટનાએ કલોલ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે. બનાવ અંગે કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ થયા બાદ બનાવની તપાસ ગાંધીનગરની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને સોંપી દેવામાં આવતા એસ.ઓ.જી.ના પી.આઇ એસ.એસ.પવાર સહિતની ટીમે આજે શનિવારે આખો દિવસ અમદાવાદ એજન્ટના મિત્ર ઋત્વિક પારેખ અને ફરિયાદી વિષ્ણુ પટેલની પૂછપરછ કરી ફાયરિંગ કરી ભાગી છુટેલા ત્રણેય શખ્સોને પકડી પાડવા તેમજ બનાવના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.
      કલોલના પંચવટી વિસ્તારના મારુતિ બંગલોઝમાં રહેતા વિષ્ણુભાઈ માણેકલાલ પટેલને તેમના મિત્ર મહેશ વ્યાસ મારફતે અમદાવાદના એજન્ટો ઋત્વિક વિજયભાઈ પારેખ (રહે. મકાન નંબર એએ/502, સરદાર પટેલ નગર, શાસ્ત્રી નગર નારણપુરા) અને દેવમ ગોપાલભાઈ બ્રહ્મભટ્ટ (રહે. બી /302,ડાયમંડ ગ્રીન એપાર્ટમેન્ટ, ચાંદખેડા) સાથે મિટિંગ થઈ હતી. જે મિટિંગમાં વિષ્ણુભાઈના ભત્રીજા વિશાલ અને તેની પત્ની રૂપાલીને અમેરિકા મોકલી આપવાની 1.10 કરોડમાં ડીલ થઈ હતી. એજન્ટે દંપતીને દિલ્હીથી અમેરિકા મોકલી આપવાની વાત કરી હતી. દંપતી અમેરિકા પહોંચી જાય તે પછી પેમેન્ટ આપવાનો સોદો નક્કી થયો હતો. બાદમાં નક્કી થયા મુજબ 23 અને 27મી જાન્યુઆરીની જગ્યાએ 4 ફેબ્રુઆરીએ દિલ્હી જવાની ટિકિટ દિલ્હીના એજન્ટે કરાવી આપી હતી. જેથી દેવમ બ્રહ્મભટ્ટ દંપતી સાથે દિલ્હી જવું પડશે તેવું કરિયાણાની દુકાન ચલાવતા વિષ્ણુભાઈ પટેલને કયું હતું. આથી વિષ્ણુ પટેલે દેવમને કહ્યું હતું કે તેઓને ગાડી ચલાવતા નથી આવડતી એટલે કલોલથી અમદાવાદ પોતાના ભત્રીજા વિશાલ અને તેની પત્નીને લઈને કેવી રીતે આવે? જેથી દેવમ બ્રહ્મભટ્ટે તેના મિત્ર ઋત્વિકને ગાડી લઈને કલોલ મોકલી આપ્યો હતો અને વિષ્ણુ પટેલ તેમજ તેના ભત્રીજા અને તેની પત્ની ઋતિક સાથે અમદાવાદ એરપોર્ટ ગયા હતા. જ્યાંથી દેવમ બ્રહ્મભટ્ટ વિશાલ પટેલ અને તેની પત્નીને લઈ દિલ્હી પહોંચ્યો હતો.
       બાદમાં ઋત્વિક વિષ્ણુભાઈને લઈને કલોલ રવાના થયો હતો. જોકે, દેવમે રોકેલા દિલ્હીના એજન્ટે રૂપિયા જોવાની જીદ્દ પકડી પોતાના ત્રણ શખ્સોને વિષ્ણુભાઈનાં ઘરે મોકલી આપ્યા હતા. જ્યાં વિષ્ણુભાઈએ અંદાજીત 55 લાખ ભરેલી બેગ પણ બતાવી હતી. જે પૈકીના રૈયાન નામના શખ્સે આગળથી મળેલી સૂચના મુજબ 10 લાખની ઉઘરાણી કરી હતી. પરંતુ દંપતી અમેરિકા પહોંચે તે પછીથી પૈસા ચૂકવવાની શરત હોવાની વિષ્ણુભાઇએ વાત કરતા દિલ્હી એજન્ટે મોકલેલા ત્રણ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને રૈયાને પોતાની પાસે રહેલા હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું. જેમાં વિષ્ણુભાઈ આબાદ રીતે બચી ગયા હતા. બુમાબુમ થતાં રૈયાન સહિત ત્રણ શખ્સો ભાગી ગયા હતા. જ્યારે ઋત્વિક પકડાઈ ગયો હતો. બનાવમાં રૈયાનની સાથે રહેલા બે શખ્સોમાંથી એકનું નામ શ્રેયાક પટેલ હોવાનું સામે આવ્યું છે અને તે સંભવતઃ અમદાવાદના નિકોલ વિસ્તારનો રહેવાસી હોવાની ચર્ચા ઉઠી છે.
દિલ્હી પહોંચેલું દંપતી કલોલ આવીને ભૂગર્ભમાં ઉતરી ગયું !
    કલોલના કલ્યાણપુરામાં રહેતાં દંપતીને અમદાવાદ એરપોર્ટથી લઈ દિલ્હી પહોંચેલા દેવમ બ્રહ્મભટ્ટને ઘટનાની જાણ કરવામાં આવતા તે દંપતીને લઈને વહેલી સવારે અમદાવાદ પરત ફર્યો હતો. જાણવા મળેલી વિગતો મુજબ અમદાવાદ એરપોર્ટ દંપતી સાથે પરત ફરેલો દેવમ કલોલ તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ દિલ્હીથી પરત ફરેલુ દંપતિ કલોલમાં આવ્યા બાદ ભુગર્ભમાં ઉતરી ગયું છે.
એક સાથે ૫૫ લાખની રકમ વિષ્ણુ પટેલ પાસે આવી ક્યાંથી?
ફરિયાદી વિષ્ણુ પટેલ
     વિષ્ણુ પટેલ પાસે આપવા માટેની રકમ છે કે નહીં તે ખરાઈ કરવા માટે દિલ્હીના એજન્ટે પોતાના ત્રણ સાગરીતોને ઋત્વિક અને વિષ્ણુ પટેલ પાસે મોકલી આપ્યા હતા. વિષ્ણુ પટેલ ઋત્વિક સાથે અન્ય ત્રણ વ્યક્તિઓને પોતાના ઘરે લઇ ગયા હતા અને અંદાજે ૫૫ લાખથી પણ વધુની રકમ ભરેલો થેલો તેઓએ દિલ્હીના એજન્ટ સાગરીતોને બતાવ્યો હતો. જેથી અહીં મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સરકારના નિયમ મુજબ કોઈ વ્યક્તિ પાસે બે લાખથી વધુની રકમ હોય તો તે અંગે નિયમ અનુસાર કાર્યવાહી થઈ શકે છે. તો અહીં વિષ્ણુ પટેલ પાસે એકી સાથે ૫૫ લાખ રૂપિયા આવ્યા ક્યાંથી? જોકે વિષ્ણુ પટેલે નોંધાવેલી એફઆઇઆરમાં પોતે દસ લાખ રૂપિયા બતાવ્યા હોવાનું લખાવ્યું છે. તો પણ પ્રશ્ન એ જ થાય કે ૧૦ લાખની પણ એકસાથેની રકમ તેઓ પાસે આવી ક્યાંથી? જોકે સમગ્ર બનાવમાં સચ્ચાઈ શું છે તે તો પોલીસ તપાસમાં બહાર આવશે પરંતુ હાલ અમુક પ્રશ્નોએ રહસ્યના તાણાવાણા જરૂર સર્જી દીધા છે.
દિલ્હી એજન્ટના સાગરીતો નાણાંની ખરાઇના બહાને લૂંટ કરવા આવ્યા હતાં?
શ્રેયાક પટેલ
       કલોલના દંપતીને અમેરિકા પહોંચાડવાના સોદામાં કહેવાય છે કે દંપતી અમેરિકા પહોંચી જાય પછી ૧.૧૦ કરોડની રકમ આપવાની હતી. પરંતુ દિલ્હીના એજન્ટે દંપતીના કાકા પાસે રકમ તૈયાર છે કે કેમ તેની ખરાઈ કરવા માટે પોતાના ત્રણ સાગરિતો મોકલ્યા હતા. જે સાગરીતોને રૂપિયા 55 લાખથી વધુની રકમ બતાવવામાં આવી હતી. જે પછી સાગરીતો તેમાંથી ૧૦ લાખની રકમ આપી દેવા જીદ પકડી હતી અને તકરાર થઇ હોવાનું બહાર આવ્યું છે. જે તકરારમાં ત્રણ પૈકીના એક સાગરીતે પોતાની પાસે રહેલા હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું. તો શું દંપતીને અમેરિકા ના મોકલી તેમના કાકા વિષ્ણુભાઈ પટેલ પાસે રહેલી લાખો રૂપિયાની લૂંટ કરવાનો આગોતરો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો કે શું? તે પ્રશ્ન પણ હાલે કલોલ શહેરમાં ચર્ચાઈ રહ્યો છે.
આ રેયાને ફાયરિંગ કર્યું’તુ
દિલ્હીનો ઠગ એજન્ટ પકડાશે પછી રહસ્ય પરથી પરદો ઉઠે તેવી સંભાવના
ઋત્વિક પારેખ
        કલોલમાં રૂપિયા લેવા કરાયેલા ફાયરિંગ કેસમાં દિલ્હી સ્થિત એજન્ટના ત્રણ સાગરિતો હાલે ફરાર થઈ ગયા છે. જોકે પોલીસે ઋત્વિક પારેખની ધરપકડ કરી છે. જેની કલોલ તેમજ એસ.ઓ.જી પોલીસની ટીમે આજે શનિવારે આખો દિવસ પૂછપરછ કરી હતી. જોકે સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે બનાવની તપાસ એસ.ઓ.જી.એ પોતાના હસ્તક લીધી છે. જેમાં મોડી સાંજે દેવમ બ્રહ્મભટ્ટ અને તેના મિત્ર ઋત્વિક પારેખને એસઓજીની ટીમ કલોલથી ગાંધીનગર લઈ ગઈ છે. જ્યાં તેમની પૂછપરછ કરી ઘટનાને અંજામ આપનાર ભાગેડુ શખ્સો તેમજ દિલ્હીના એજન્ટ સુધી પહોંચવા એસઓજીની ટીમ આકાશ પાતાળ એક કરી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. દિલ્હીનો ઠગ એજન્ટ પોલીસના હાથે ચડે પછી જ આ આખી ઘટનામાં સત્ય હકીકત શું છે તે બહાર આવશે અને હાલે રહસ્યમય બની રહેલા બનાવ પરનો પરદો ગણતરીના દિવસોમાં જ એસઓજીની ટીમ ઉંચકી લેશે તેવી સંભાવનાઓ જોવાઇ રહી છે.

Related posts

મહેસાણા ભાજપ જસ્ન મનાવે તે પૂર્વે કોંગ્રેસનું ચક દે…

ApnaMijaj

જીટીયુ પરીક્ષા માટે ઓનલાઇન ફી વસૂલી લીધી છતાં પરીક્ષાર્થીઓના લિસ્ટમાં નામ ન આવ્યાં

ApnaMijaj

કોઠના PHCમાં વિખેરાયો મેડિકલ વેસ્ટ : શું છે રહસ્ય?!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!