મહેસાણા જિલ્લામાં પ્રતિબંધિત બદીને દૂર કરવા માટે ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલે સ્થાનિક ગુનાશોધક શાખાના પી.આઈ. એ.એમ. વાળાને સુચના આપતા શાખાની ટીમ આ બાબતે કાર્યરત થઇ હતી. એલસીબીની ટીમ પ્રતિબંધિત બદીને દૂર કરવા પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેઓને મળેલી બાતમીના આધારે નાગલપુરના કસ્બા વિસ્તારમાં દરોડો પાડીને મોટી માત્રામાં વિદેશી પ્રકારના ભારતીય બનાવટના દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જોકે પોલીસ દરોડા દરમિયાન પ્રતિબંધિત દારૂનો વેપલો કરતો શખ્સ પોલીસ પકડથી દૂર રહ્યો છે. જેને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
મહેસાણા જિલ્લામાંથી પ્રતિબંધિત બદીને દુર કરવા માટે ઉચ્ચ કક્ષાએથી આવેલી સૂચના પ્રમાણે મહેસાણા જિલ્લા સ્થાનિક ગુના શોધક શાખાના પી.એસ.આઇ.એસ.ડી. રાતડા સહિતની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એ.એ.આઇ. ડાહ્યાભાઈ અને દિનેશભાઈને નાગલપુરના કસ્બા વિસ્તારમાં રહેતો શાહરુખખાન ઉર્ફે ભૂરો શરીફખાન ઉર્ફે જુમ્માખાન પઠાણ દારૂનો વેપાર કરતો હોવાની બાતમી મળી હતી. જે બાતમી આધારે પોલીસે શાહરૂખખાનના નવા બનતા મકાનમાં દરોડો પાડી કાર્યવાહી કરી હતી. પોલીસ કાર્યવાહીમાં મકાનની ઓસરીમાં જમીનમાં દાટેલો ભારતીય બનાવટનો વિદેશી પ્રકારનો દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની બોટલો કબ્જે કરી ગણતરી કરતા કુલ રૂ.૨,૧૯,૭૪૦નો શરાબ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસના રાબેતા મુજબના નિવેદન પ્રમાણે દારૂનો વેપાર કરતો શાહરુખખાન પોલીસ પકડથી દૂર રહ્યો છે.