•સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દૈનિક મોટી સંખ્યામાં દર્દીઓ લે છે આર્યુવેદિક દવાની સુવિધા
•કોરોના સામે રક્ષણ મેળવવા ઉકાળા સહિતની અકસીર દવાઓનું અહીં કરાય છે વિતરણ
કલોલ: સંજય જાની
કલોલના સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માં કાર્યરત સરકારી આયુર્વેદ દવાખાનું જટિલ રોગો ધરાવતા દર્દીઓ માટે આશીર્વાદનું કેન્દ્ર બન્યું છે. અહીં દૈનિક મોટી સંખ્યામાં દર્દીઓ પોતાના જૂના અને જટિલ થઈ ગયેલા રોગોને મટાડવા માટે સારવાર લેવા ઉમટી પડે છે. અહીં મુખ્ય આયુર્વેદિક તબીબ રોનકબેન ખરાડી દ્વારા દર્દીઓને તપાસી તેઓના રોગને જાણી ઉત્તમ સારવાર આપવામાં આવી રહી છે. અહીં સારવાર લઇ ચૂકેલા અનેક દર્દીઓ પોતાના અનુભવ વર્ણવતા એમ પણ કહે છે કે આયુર્વેદ દવાથી વર્ષો જુના ઘર કરી ગયેલા રોગો ભગાડીને અમે દર્દ મુક્ત થયા છીએ. વર્તમાન સમયમાં કોરોના મહામારીએ ફરી એકવાર પોતાનું માથું ઉંચક્યું છે ત્યારે અહીં વિતરણ કરાતા ઉકાળા તથા સંશમ વટી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અત્યંત લાભદાયી બની રહ્યા છે.
ભારત દેશ ઋષિમુનિઓનો દેશ છે અને આપણા અનેક ઋષિમુનિઓએ વનસ્પતિમાંથી અનેક ઔષધો બનાવી માનવીય શરીરને રોગમુક્ત કરવા પ્રયાસ કરેલો છે. આયુર્વેદિક સારવાર માણસને ઘર કરી ગયેલા દર્દનાક રોગોમાંથી સંપૂર્ણ પણે મુક્તિ અપાવતી સારવાર છે. આયુર્વેદિક દવાથી અનેક પ્રકારના જટિલ રોગો મુક્ત કરી દેવાયાના દાખલા જગજાહેર છે. હવે તો વિદેશોમાં પણ ભારતીય આયુર્વેદ સારવારનો ભરપૂર લાભ લેવામાં આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાવાયરસ સામે રક્ષણ મેળવવા સેંકડો લોકોએ આયુર્વેદિક સારવારનો સહારો લીધો છે અને કોરોનાથી રક્ષિત પણ થયા છે.
આ તમામ બાબતો વચ્ચે કલોલમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત આયુર્વેદિક દવાખાનું અનેક રોગ પીડિતો માટે આશીર્વાદ સમાન સાબિત થયું છે. અહીં રોજ મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. વર્ષો જૂના રોગોથી હારી-થાકીને આયુર્વેદનો સહારો લેતા દર્દીઓ અહીંથી સારવાર લીધા પછી મોટી રાહતનો અનુભવ કરી રહ્યા છે. અહીંના સરકારી આયુર્વેદિક દવાખાનામાં સંધિવાત, મધુપ્રમેહ (ડાયાબિટીસ), ત્વક્રવિકાર, પેટના રોગો, ઉચ્ચરક્તચાપ સહિતના અનેક દર્દથી પીડાતા લોકો સારવાર લઇ રહ્યા છે. ઉપરાંત આર્યુવેદિક સારવારથી અનેક રોગો મટાડી શકાય પણ સામે આવ્યું છે.
•કોરોના સામે રક્ષણ મેળવવા આયુર્વેદિક સારવાર અતિ ઉપયોગી
કોરોના સંક્રમણમાં પણ અહીંના આયુર્વેદ દવાખાના દ્વારા ઉકાળા સહિતની ઉત્તમ દવા વિતરણ કરવામાં આવી રહી છે. કલોલ તાલુકામાં કાર્યરત ૧૧ જેટલા ધનવંતરી રથમાં પણ આયુર્વેદિક ઔષધ સંશમ વટી નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
•જટિલ રોગથી પીડાતા દર્દીઓએ આયુર્વેદનો લાભ લેવો જોઈએ
કલોલના સરકારી દવાખાનામાં કાર્યરત આયુર્વેદિક વિભાગ દ્વારા ઉત્તમ સારવાર આપવામાં આવી રહી છે. જેને લઇને અનેક પ્રકારના રોગોથી પીડિત લોકોએ રોગમાંથી મુક્તિ મેળવવા માટે અહીંની મુલાકાત લઇ આયુર્વેદિક સારવારનો લાભ લેવો જોઈએ તેવું સારવાર લીધા પછી રોગ મુક્ત થયેલા દર્દીઓ પોતાના અનુભવથી જણાવી રહ્યા છે.