•ફોટોસેશનનો ઉત્સાહ એટલો હતો કે શહીદ સ્મારકની ધરાર ઉપેક્ષા કરાઈ
કલોલ: સંજય જાની
કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા એક સંદેશો વહેતો કરીને ભાજપના કાર્યકરોને આજે ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પિત કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત થવા જણાવ્યું હતું. શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે સવારે ૯.૩૦ વાગ્યાના અરસામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પિત કરી હતી. કાર્યક્રમ આટોપી ભાજપના ભક્તો ફોટો સેશનમાં લાગી ગયા હતાં. જ્યાં ઉપસ્થિત માંડ દસથી બાર કાર્યકરો પૈકી એકાદ બે લોકોએ મોઢે માસ્ક બાંધ્યાં હતા. બાકીનાઓએ કોરોના નિયમને નેવે મૂકી દીધો હતો. ફોટોસેશનમાં હરખ પદુડા થયેલાં શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી સહિતના કાર્યકરોએ મહાત્મા ગાંધીની પ્રતિમાથી માત્ર ૨૫થી ૩૦ ફૂટ દૂર આવેલા શહીદ સ્મારક તરફ નજર કરી અહીંની હાલત જોઈ હોત તો તેમને ખબર પડી જાત કે આપણે દેશની મહાન વિભૂતિઓનું સન્માન કરવાને લાયક છીએ કે કેમ?
30મી જાન્યુઆરી, 1948ના દેશની સ્વતંત્રતામાં મહત્વનું યોગદાન આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નથુરામ ગોડસેએ ગોળી મારી હત્યા કરી હતી. આજે 30 જાન્યુઆરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 74મા નિર્વાણદિન નિમિત્તે ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.જે અંતર્ગત કલોલ શહેર ભાજપના પ્રમુખ જે.કે.પટેલ, મહામંત્રી ધર્મેન્દ્ર પટેલ અને નરેશ પ્રજાપતિની આગેવાનીમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ કલોલના ટાવર ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે અહીં નજીકમાં મહાગુજરાત ચળવળમાં સિદ્ધિ મેળવનાર વીર શહીદોની યાદમાં બનાવેલા સ્મારક પ્રત્યે ઘોર બેદરકારી દાખવી સ્થાનિકો દ્વારા લઘુશંકા કરીને શહીદોનું હડહડતું અપમાન કરાયું હોવાનાં દ્રશ્યો સામે આવ્યાં છે.
જ્યારે ગાંધીજીની પ્રતિમાથી વીસેક ફૂટ દૂર મહા ગુજરાત ચળવળમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોની યાદમાં એક સ્મારક બનાવવામાં આવેલું છે. સત્ય અહિંસા અને સ્વચ્છતાના પુજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે જ આ વીર શહીદોનાં સ્મારકની ઘોર ઉપેક્ષા કરવામાં કરવામાં આવી હતી. આ સ્મારક હાલમાં ગંદકીથી ખદબદી રહ્યું છે, જેની સફાઈ નહોતી કરાઈ કે શહીદોને યાદ પણ કરવામાં આવ્યા ન હતા.
•હરખ પદુડા કહેવાતા નેતાઓ દેશના વીરલાઓનું સન્માન કરવાને લાયક છે ખરા?
શહીદ સ્મારક નજીક આવીને લોકો લઘુશંકા પણ કરી જતાં કેમેરામાં કેદ થયાં હતાં. એક તરફ ગાંધીજીનાં નિર્વાણ દિને પ્રતિમાને ફૂલહાર કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ અને બીજી તરફ મહા ગુજરાતની ચળવળમાં પ્રાણ આપનાર શહીદની પ્રતિમાને ગંદકીમાં ખદબદતી મૂકી હડહડતું અપમાન કરવામાં આવ્યું હોવાના દૃશ્યો જોઈ પ્રશાસન અને કહેવાતા રાજકીય નેતાઓએ સમજી લેવું જોઈએ કે આપણે દેશની કોઈપણ વિભૂતિના સન્માન કરવાને લાયક છીએ કે કેમ? આ પ્રશ્ન સામે કહેવાતા સ્થાનિક નેતાઓએ આત્મમંથન કરવું જ પડે તેવી સ્થિતિ આજે જોવા મળી હતી.